સંગીત માત્ર શોખ નહીં, એ શ્વાસ પણ છે

03 May, 2023 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિશ્વવિખ્યાત બ્રૉડવે શો ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ જેના પર આધારિત છે એ મારિયા વૉન ટ્રૅપની ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ કહે છે કે જો તમે સાચા હો તો તમામ અડચણો સહજ રીતે તમે પાર પાડી શકો

‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક અને મારિયા વૉન ટ્રૅપ

આજથી નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં બ્રૉડવે શો ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ શરૂ થઈ રહ્યો છે. શોની પહેલી ઇન્ડિયન ટૂર છે, કારણ કે આજ સુધી ઇન્ડિયા પાસે બ્રૉડવે શો માટે કોઈ થિયેટર નહોતું. આ શો ડિઝાઇન થયો એ પહેલાં એના પરથી જર્મન ફિલ્મ બની અને એ પછી ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ પરથી ત્યાર પછી અંગ્રેજી ફિલ્મ બની જેણે દુનિયા આખીમાં દેકારો મચાવી દીધો. પાંચ ઑસ્કર જીતેલી આ ફિલ્મને આજે દુનિયા આખી જાણે છે તો એ પછી બનેલા બ્રૉડવે શોને પણ વિશ્વભરના એન્ટરટેઇનમેન્ટ-લવર જાણે છે, પણ જૂજ લોકોને ખબર છે કે મનોરંજનની દુનિયામાં તહલકા મચાવી દેનારો આ શો હકીકતમાં ઑસ્ટ્રિયાની રાઇટર મારિયા વૉન ટ્રૅપે લખેલી ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ પર આધારિત છે. ઑસ્ટ્રિયામાં રહેતી એક ફૅમિલીએ કેવી રીતે પોતાની લાઇફની સ્ટ્રગલ પાર કરી અને એ સ્ટ્રગલ પાર કરવામાં તેમને મ્યુઝિકે કેવી હેલ્પ કરી એની વાત બુકમાં છે. સાથે એ વાત પણ છે કે સંગીત માત્ર ખુશી આપવામાં જ નહીં પણ લોકોને ખુશ કરવામાં, લોકોને સુખી કરવામાં પણ એટલું જ ઉપયોગી છે.

મારિયા વૉન ટ્રૅપની ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ કે મારિયોએ આ બુક લખ્યા પછી એક પણ બુક લખી નથી. મારિયાને બહુ આગ્રહ થતો ત્યારે તે કહેતી કે પોતે લેખિકા છે જ નહીં, ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ તેની અને તેની ફૅમિલીની લાઇફ હોવાથી તે એ વાતને દુનિયા સુધી પહોંચાડવા માગતી હતી એટલે તેણે પેન હાથમાં લીધી.

‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ એકમાત્ર એવી બુક છે જે એક જ લખાઈ અને એણે અઢળક રેકૉર્ડ બનાવ્યા. આ બુક પરથી મ્યુઝિકલ નાટક બન્યું, ફિલ્મ બની તો સાથોસાથ આ બુકની પ્રેરણા લઈને અનઑફિશ્યલી પણ વીસથી વધારે ફિલ્મો બની અને લાઇવ શો થયા. મજાની વાત એ છે કે એ બધામાં એક ગુજરાતી નાટક પણ સામેલ છે!

ઑફર માત્ર ટાઇટલ માટે | મારિયા વૉન ટ્રૅપને તેણે લખેલી બુકના ટાઇટલ માટે એટલે કે ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ માટે ઑફર આવી હતી. તેમની પાસે આખી સ્ક્રિપ્ટ રેડી હતી, પણ એ સ્ક્રિપ્ટ માટે તેમની પાસે કોઈ જડબેસલાક કહેવાય એવું ટાઇટલ નહોતું. ૧૯૪૯માં લખાયેલી આ બુક જે કોઈ વાંચતું એની આંખો પહોળી થઈ જતી. હૉલીવુડના એ પ્રોડક્શન હાઉસને કોઈએ સજેસ્ટ કર્યું કે આ ટાઇટલ વાપરવા જેવું છે. તપાસ થઈ, બુક વાંચવામાં આવી અને ટાઇટલ યોગ્ય લાગ્યું એટલે મારિયા ટ્રૅપની પાસે માત્ર આ ટાઇટલ માગવામાં આવ્યું પણ સ્ટોરી સાથે પોતાની ફૅમિલીને કંઈ લેવાદેવા નહોતી એટલે મારિયાએ ટાઇટલ આપવાની ના પાડીને ૧૯પ૦ના પ૦૦૦ અમેરિકી ડૉલર જતા કર્યા!

મારિયોએ કહ્યું હતું, ‘મને એટલું સમજાતું હતું કે ટાઇટલ માગવાની સાથે તે અમારા સૌના નામનો પણ ઉપયોગ કરી શકે છે અને હું નહોતી ઇચ્છતી કે ખોટી વાત સાથે અમારા કોઈનાં નામ પણ જોડાય.’

પૈસાની જરૂરિયાત અને રાઇટ્સ | આટલું પૉપ્યુલર સર્જન હોય તો નૅચરલી કોઈને પણ થાય કે આ બુકની લાખો નકલો વેચાઈ ચૂકી હશે. પણ ના, એવું નથી બન્યું, કારણ કે ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ની સાથે ક્યારેય ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ નામ જોડવામાં આવ્યું નહીં, જેને લીધે લોકો સુધી એ વાત પહોંચી જ નહીં કે આ બુક અને પૉપ્યુલર ફિલ્મ કે પછી બ્રૉડવે શો આ બુક પર આધારિત છે અને એમ છતાં પણ બુકની કૉન્ટેન્ટ અને માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી વચ્ચે ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ અત્યાર સુધીમાં જગતની ૧૪ ભાષામાં ટ્રાન્સલેટ થઈ અને પચાસ હજારથી વધારે નકલ વેચાઈ.

‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ના રાઇટ્સ માટે પણ જર્મન ડિરેક્ટરે છેતરપિંડી કરી હતી. બન્યું એમાં એવું કે ૧૯પ૬માં વુલ્ફગૅન્ગ રીનહાર્ડ નામના જર્મન ડિરેક્ટરે આ બુકના રાઇટ્સ લીધા. એ સમયે એવી શરત નક્કી થઈ હતી કે ટ્રૅપ ફૅમિલીને ૧૦,૦૦૦ ડૉલર અને સાથે  ફિલ્મમાં પાર્ટનરશિપ પણ મળશે. જોકે ટ્રૅપ ફૅમિલીના હાથમાં ફૂટી કોડી આવી નહીં અને જર્મન ડિરેક્ટરે બનાવેલી ફિલ્મ સુપરહિટ થઈ ગઈ. ટ્રૅપ ફૅમિલી બહુ કરગરી એટલે વૉફગૅન્ગે એને સિંગલ-શૉટ પેમેન્ટ તરીકે ૯૦૦૦ ડૉલર આપ્યા અને ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’ના બધા જ માધ્યમ માટેના લાઇફટાઇમ રાઇટ્સ તેણે લઈ લીધા.

ઑસ્ટ્રિયાથી અમેરિકા સેટલ થયેલી ફૅમિલીને પૈસાની જરૂર હતી એટલે મારિયાએ વધારે દલીલ કર્યા વિના એ પૈસા સ્વીકારી લીધા અને એ પછી ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’નું નામ ધીમે-ધીમે કાયમ માટે ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’માંથી લુપ્ત થવા માંડ્યું.

સ્ટોરી શૉર્ટકટ

‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’માં વાત છે મારિયા કુતશેરા અને ટ્રૅપ ફૅમિલીની.વિધુર ઑસ્ટ્રિયન નેવી ઑફિસર બૅરન વૉન ટ્રૅપના ઘરે મારિયા આવી હતી બાળકોની કૅરટેકર બનીને, પણ બૅરન અને મારિયા વચ્ચે પ્રેમ થયો. એ બન્નેને મૅરેજ માટે તૈયાર પણ બૅરનની પહેલી પત્નીની પાંચ દીકરીઓએ જ કર્યાં. બૅરન અને મારિયાને પણ મૅરેજ પછી બે બાળકો થયાં અને આમ નવ જણની એક આખી ફૅમિલી તૈયાર થઈ. મારિયાને મ્યુઝિક માટે જબરદસ્ત લગાવ હતો. આ લગાવને કારણે જ મારિયાએ તેનાં સાત બાળકોને પણ મ્યુઝિક તરફ વાળ્યાં. સાત બાળ-અવાજ અને એ બધાની સાથે મારિયાનો માતૃત્વથી છલકાતો કોમળ અવાજ. સંગીતના રસ્તે ચાલતી આ આખી ફૅમિલીને મ્યુઝિકે કેવી રીતે સેકન્ડ વર્લ્ડ વૉર સમયે આધાર આપ્યો એની વાત ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’માં છે તો જર્મનીની સેનાથી પોતાની ફૅમિલીને બચાવવા માટે પોતાની તમામ સંપત્તિ ઑસ્ટ્રિયામાં છોડીને અમેરિકા સેટલ થવા માટે નીકળેલાં બૅરન-મારિયાની એ જર્ની કેવી ખતરનાક હતી એની વાત પણ બુકમાં છે. આ આખા પ્રવાસમાં અને અમેરિકા જઈને સેટલ થવામાં ટ્રૅપ ફૅમિલીને મળેલી મ્યુઝિકની મદદ અને અમેરિકામાં સ્થાયી થયા પછી પણ પોતાના વતનની જરૂરિયાતમંદ પ્રજા માટે ટ્રૅપ ફૅમિલીએ લીધેલી મ્યુઝિકની હેલ્પની બહુ રસપ્રદ વાત ‘ધ સ્ટોરી ઑફ ધ ટ્રૅપ ફૅમિલી સિંગર્સ’માં કહેવામાં આવી છે.

columnists Rashmin Shah