એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?

10 January, 2021 04:11 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે?

પ્રતીકાત્મક તસવીર

ખલીલ જિબ્રાન - આયુષ્યકાળ બહુ ટૂંકો મળ્યો. માત્ર ૪૮ વર્ષ. આ ૪૮ વર્ષમાં તેમણે જેકાંઈ આપણને આપ્યું એમાં ‘ધ પ્રૉફેટ’ તેમનો મુખ્ય ગ્રંથ ગણાય છે. ખલીલ જિબ્રાન દાર્શનિક હતા તથા કવિ હતા, ચિત્રકાર હતા. કહેવા જેવું જેકંઈ હોય એ આંખના પલકારામાં નહોતા કહી દેતા. આંખના પલકારામાં કહેવાઈ ગયું છે એવું લાગતું હોય પણ કેટલીક વાર આંખો ઉઘાડ-બંધ કરો જે કહેવાયું હોય એનો સંદેશ, એનો સંકેત તરત હાથવગો થતો નથી. તેમની થોડી વાતો આજે સંભારીએ...

અત્યંત ઉપલા સામાજિક સ્તરની બે મહિલાઓ અચાનક માર્ગમાં મળી ગઈ. બન્ને અત્યંત સુખી ઘરાનાની હતી. પરસ્પરની સખીઓ હતી. બન્નેએ આખો દિવસ સાથે ગાળ્યો અને પરસ્પરનાં સુખ-દુઃખની વાતો કરી. જોકે દુઃખ તો ક્યાંય હતું જ નહીં, સુખ અને માત્ર સુખ જ હતું.

સુખ શું, દુઃખ શું?

પહેલી મહિલાએ સાંજના સમયે વિદાય લેતાં-લેતાં પોતાની સખીને કહ્યું, ‘તું કેટલી સુખી છે! તારો વર તને કેટલોબધો પ્રેમ કરતો હશે. તું પણ આખો વખત તેને ચાહવામાં જ જિંદગી પૂરી કરતી હોઈશ.’

‘ના એવું નથી.’ પહેલી મહિલાએ એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘મારા પતિને પુષ્કળ કામ હોય છે. આખો દિવસ દુનિયાદારીની જવાબદારી તેમની જ હોય છે. એ લોકોનાં કામ કરે છે. લોકો તેને દેવતા જેવા માને છે અને પછી એ દેવતાના પડછાયે મારા કપાળમાં ચાંદલો કરે છે, પણ તેમને મને પ્રેમ કરવાનો વખત મળતો નથી અને એટલે અમે કપાળમાંના આ ચાંદલાનું રક્ષણ કરવા માટે પરસ્પરને ચાહતાં હોઈએ એમ સામાજિક સ્તરે જિંદગી પૂરી કરીએ છીએ. સાવ નીરસ અને દંભી.’

બીજી સ્ત્રીએ આ સાંભળીને કહ્યું, ‘તું કેટલી નસીબવંતી છે કે તું સતત પતિના પ્રેમની પ્રતીક્ષા કરે છે. મારું એથી સાવ ઊલટું છે. અમે બન્ને પોતપોતાની દુનિયામાં જુદી-જુદી રીતે જીવીએ છીએ અને માનીએ છીએ કે પરસ્પરને પ્રેમ કરીએ છીએ. ખરેખર તો એકબીજાને નિભાવી રહ્યાં છીએ. જિંદગી પૂરી થાય એની રાહ જોઈએ છીએ.’

પ્રેમ ઃ બંધન કે મુક્તિ?

ખલીલ જિબ્રાને તો આ કાલ્પનિક પ્રસંગ જેવો સૂઝ્‍યો એવો લખીને મૂકી દીધો. કદાચ સોએક વર્ષ થયાં હશે. આજે ૧૦૦ વર્ષ પછી પણ પતિ-પત્ની વચ્ચેના પ્રેમની વાતો કરતી વખતે આ બન્ને સ્ત્રીઓનો સંવાદ ઝટ સમજાતો નથી. સખીઓ તો વાત કરીને છૂટી પડી ગઈ. ખલીલ જિબ્રાન પણ જતા રહ્યા, પણ જગતના કેટલાય દાર્શનિકો હજી આજે પણ આનો અર્થ તારવવા મથી રહ્યા છે. કહેવું એટલે શું એમ જો કોઈ પૂછે તો આપણે શું કહીશું? જે થોડા શબ્દો આવડે છે એ શબ્દોને આમતેમ ગોઠવીને વાક્ય બનાવી દઈએ એટલે કહેવાનો અર્થ પ્રગટ થઈ જાય? આ બેય સખીઓ જો ક્યાંક ને ક્યારેક મળે તો રસ્તો રોકીને તેમને પૂછવા જેવું છે.

સાહિત્ય ઃ મર્મ અને ધર્મ

બે સાહિત્યકારો-કવિઓ પેલી બે સખીઓની જેમ જ પરસ્પર અચાનક માર્ગમાં મળી ગયા. સાહિત્યકારો મળે એટલે શું વાત કરે? દુનિયાનાં દુઃખોની, મોંઘવારીની, આવીતેવી વાતો તો બિચારા ઝાઝી કરી શકે નહીં. એકે બીજાને પૂછ્યું, ‘આજકાલ તમે શું લખો છો?’

‘આજકાલ હું એક મહાગ્રંથ લખી રહ્યો છું. માનવજાતિનો એ પ્રબંધ ગ્રંથ છે. સૈકાઓ સુધી માણસ એને ભૂલી નહીં શકે.’ એટલું કહ્યા પછી તેણે વળતો પ્રશ્ન કર્યો, ‘તમે શું લખી રહ્યા છો કવિરાજ?’

‘હું એક હાલરડું લખી રહ્યો છું. પૂરું લખાઈ નથી રહ્યું. શબ્દો શોધું છું.’

વાત પૂરી થઈ. આજે ૧૦૦૦ વર્ષ પછી પેલો મહાગ્રંથ માનવજાતને માર્ગદર્શનની પ્રતીક્ષા કરાવવા માટે વિશ્વના જ્ઞાનભંડારોમાં અભરાઈ શોભાવે છે. વાર-તહેવારે મુલાકાતીઓ, વિદ્વાનો આવે છે. આ ગ્રંથને મુગ્ધતાથી નિહાળે છે અને જતા રહે છે.

બીજા કવિએ રચેલું હાલરડું પૂરું થઈ ગયું છે. આજે ૧૦૦૦ વર્ષ પછી પણ એના અર્થ ઝાઝા સમજ્યા વિના લાખ્ખો માતાઓએ પોતાનાં સંતાનોને ઘોડિયામાં સુવડાવી દીધાં છે.

આ બન્ને મોટા ગજાના સાહિત્યકારો આપણા માટે તો વંદનીય - વંદન યોગ્ય જ.

આમાં તો બધું આવું જ હોય

ગામના પાદરે એક મોટો મેળો ભરાયો હતો. દર વર્ષે અહીં આવો જ મેળો ભરાતો‌ હતો. ખાવું, પીવું, નાચવું, કૂદવું અને આખો દિવસ એકબીજાના હાથમાં હાથ ભેરવીને લીલાલહેર!

એ દિવસે પણ આમ જ થયું. હૈયેહૈયું દળાય એવી ભીડ વચ્ચે એક અત્યંત રૂપવતી અને જાજરમાન રાજકુમારી દાખલ થઈ. તેણે ગાયું, તે નાચી, કૂદી અને હવામાં હિલોળા લીધા. લોકોનાં ટોળેટોળાં તેની આસપાસ ભેગાં થઈ ગયાં. બધા તેને જોવા, તેની પાસે સરકવા, બને તો સ્પર્શી લેવા, તેની સાથે આંખ મિલાવવા ધક્કા-મુક્કી કરતા રહ્યા. રાજકુમારીને થયું કે આ લોકો કેવા અસભ્ય છે. મારી સાથે કંઈ આવું વર્તન કરાય? તે મોઢું ચડાવીને બહાર નીકળી ગઈ. બીજા વર્ષે પણ મેળો ભરાયો. લોકોની અપાર ભીડ વચ્ચે આ રાજકુમારી આ વર્ષે પણ આવી. ગયા વર્ષે આ રાજકુમારીથી અપમાનિત થયેલા લોકો પૈકી આ વર્ષે કોઈ તેની પાસે ન આવ્યું. રાજકુમારી આખો દિવસ ગાતી રહી, નાચતી રહી, પણ કોઈએ તેની સામે જોયું નહીં. તે હતાશ થઈ ગઈ અને રડી પડી.

રાજકુમારીને કોણ સમજાવે કે ગયા વર્ષે પણ આ ભીડ સાચી હતી અને આ વર્ષે પણ એટલી જ સાચી છે. રાજકુમારી આજેય સમજી શકી નથી.

(શીર્ષક-પંક્તિ સૌજન્ય શ્રી કરસનદાસ માણેક)

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists dinkar joshi