યહી તો ખાસિયત હૈ ઝિંદગી કી, કર્ઝ વો ભી ચુકાને પડતે હૈં જો કભી લિએ નહીં

03 February, 2020 05:26 PM IST  |  Mumbai | Pravin Solanki

યહી તો ખાસિયત હૈ ઝિંદગી કી, કર્ઝ વો ભી ચુકાને પડતે હૈં જો કભી લિએ નહીં

પારકી પીડાને પોતાની કરવાની ઘણાને આદત હોય છે. કેટલાક નાદાન લોકો આ આદતને ‘આ બૈલ મુઝે માર’ તરીકે ઓળખે છે. ગુજરાતીમાં પણ ઘણી ઉક્તિ છે. ‘પડ પાણા પગ ઉપર.’ યુવાનીમાં મને પણ આવી ટેવ હતી. બે વ્યક્તિ જ્યાં ઝઘડતી હોય ત્યાં કમજોર વ્યક્તિની વહારે આવવાનું સાહસ મેં પણ ઘણી વાર કર્યું છે. મારા મિત્રો એને દુ:સાહસ તરીકે ગણાવતા.

પરપીડાને પોતીકી કરવીમાં ‘પડ પાણા પગ ઉપર’ કે ‘આ બૈલ મુઝે માર’ની વૃત્તિ વચ્ચે બહુ મોટો તફાવત છે. કારણવગર મૂર્ખાઈભરી રીતે માત્ર શેખી મારવા ખાતર બીજાની વાતમાં ચંચુપાત કરવો અને મુસીબત વહોરી લેવી એ નાદાની છે, પણ પરોપકાર અર્થે બહુજન હિતાય, શુભ આશયથી, જનકલ્યાણ માટે પારકી પંચાત કે પારકી પીડા વહોરી લેવી એ સદ્કાર્ય છે અને એ સદ્કાર્ય માત્ર વીરલા જ કરી શકે છે અને આવી વિરલ વ્યક્તિ હતા ભગવાન શ્રીકૃષ્ણ. કૃષ્ણએ જેટલી પારકી પીડા વહોરી લીધી છે એટલી અન્ય કોઈએ નથી વહોરી, પણ કૃષ્ણના જીવનની કરુણા એ હતી કે જેમની પીડા તેઓ પોતાની કરતા એ લોકો જ કૃષ્ણને સૌથી વધારે પીડતા. કૃષ્ણએ એ પીડાને પણ પોતાની ગણીને હસી કાઢી છે.

કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતનો ભાર ઊંચક્યો હતો, પણ સમગ્ર જીવન દરમ્યાન તેમણે ભારે હૈયે સ્વજનની ઉપેક્ષા, અવગણના, અવહેલનાનો બોજ ઝીલ્યો હતો. આમ છતાં તેમના વર્તનમાં ક્યારેય કોઈ ફરિયાદનો અંશ કે વાણીમાં કોઈ કડવાશ નથી દેખાઈ. ‘મધુરાધિપતે અખિલં મધુરં! આ કારણે જ તેઓ ‘સર્વ આશ્ચર્યમ્ અચ્યુત: તરીકે ભાગવતમાં ઓળખાયા છે.’

કોઈ કારણ વગર, એકાએક કૃષ્ણ મને કેમ યાદ આવ્યા? અઠવાડિયા પહેલાં મૈત્રીભાવે, ભૂતપૂર્વ પ્રધાન અને પીઢ રાજકારણી તરીકે જેમની ગણના થાય છે એવા પ્રકાશ મહેતા મારા ઘરે આવ્યા. જ્યારે પણ અમે મળીએ ત્યારે મોટા ભાગે સાહિત્ય અને ધર્મની જ વાતો થાય. તેમણે એક સવાલ કર્યો, ‘પ્રવીણભાઈ, મેં ક્યાંક વાંચ્યું હતું કે કૃષ્ણ દ્વારકાથી મોટું લશ્કર લઈને કોઈની સામે  લડવા ગયા. મારી સમજ પ્રમાણે કે યાદશક્તિ મુજબ દ્વારકા ગયા પછી કૃષ્ણ કોઈ યુદ્ધ લડ્યા નથી. તો સાચું શું છે?’ ખૂબ સરસ સવાલ હતો. મોટા ભાગે લોકો એમ જ માને છે, એ જ જાણે છે કે કૃષ્ણ મહાભારતનું યુદ્ધ લડ્યા હતા. હકીકતમાં તો તેઓ યુદ્ધ લડ્યા જ નહોતા. યુદ્ધમાં ભાગ લીધો હતો, અર્જુનના સારથિ તરીકે.

કૃષ્ણ ચાર મહાયુદ્ધ લડ્યા છે; જી. હા, જાતે, પોતે શસ્ત્રો ઉઠાવીને મહાપરાક્રમ, શૌર્ય-શૂરવીરતા દાખવીને. આ ચાર યુદ્ધો છે ઃ નરકાસુર સાથે, બાણાસુર સાથે, શાલ્ય સંહાર, કાશીદહન. કહેવાય છે કે સારા અને સાચા માણસને ૧૦૦ શત્રુઓ હોય. જેને કોઈ દુશ્મન જ ન હોય એવો માણસ મોટા ભાગે મહાપ્રપંચી, લોભી, ખુશામતખોર કે લાલચુ જ હોવાનો.

નરકાસુર અતિ બળવાન અને અતિ સમૃદ્ધ અસુર હતો. હરિવંશમાં વિસ્તૃત રીતે એની કથા છે. એ પ્રાગજ્યોતિષપુર એટલે કે આસામનો હતો. ચંદ્રવંશી રાજા હતો. ‘મહાભારત શ્રીકૃષ્ણ’ પુસ્તકમાં નગીનદાસ સંઘવીએ હરિવંશનો આશરો લઈ આ કથાનું સુંદર વર્ણન કર્યું છે. નરકાસુરના નામ પ્રમાણે ગુણ હતા. તમામ દેવો અને રાજવીઓને લૂંટી-લૂંટીને પોતાના ભંડારમાં ગણ્યા ગણાય નહીં એટલા વિવિધ પ્રકારનાં રત્નોના ઢગલા ખડક્યા હતા અને આટલી જ બેરહેમીથી હજારો માણસો, દેવો, ગંધર્વોનાં કુટુંબોનું જીવતર વેરાન કરીને સોળ હજાર એકસો કન્યાઓને પોતાના અંતઃપુરમાં ગોંધી રાખી હતી. તે મણિપુરનો સ્થાપક કહેવાયો છે. અગાઉના કોઈ પણ રાક્ષસે કર્યું ન હોય એવું ઘાતકી અને નિંદાપાત્ર કામ નરકાસુરે કર્યું હતું. તેણે દેવતાઓની માતા અદિતિને ક્રૂર રીતે ત્રાસ આપીને પૂરેપૂરી લૂંટી લીધી અને એ પણ એટલી હદ સુધી કે તેના કાનમાં પહેરલાં કુંડ‍ળ સુધ્ધાં ઉઠાવી ગયો હતો.

કૃષ્ણએ પોતાને નરકાસુર સાથે લડવું પડે એવું કોઈ કારણ ન હોવા છતાં તેમણે પારકી પીડા ઉછીની લીધી અને સજ્જનોને પડતા ત્રાસનું નિવારણ કરવા ઉત્તર હિન્દુસ્તાનના એક છેડે આવેલા દ્વારકાથી બીજા છેડા આસામ-પ્રાગજ્યોતિષપુર સુધીનો જોખમી અને ત્રાસદાયક પ્રવાસ ખેડ્યો. તેમની અતિશય લાડકી પત્ની સત્યભામા પણ આ યુદ્ધયાત્રામાં જોડાઈ. નરકાસુરની રાજધાની અતિશય કાળજીપૂર્વક સુરક્ષિત બનાવવામાં આવી હતી. ગિરિદુર્ગ, જલદુર્ગ, અગ્નિદુર્ગ, શસ્ત્રદુર્ગ એવી ચાર પ્રકારની સંરક્ષક હરોળ અભેદ્ય બનાવાઈ હતી. આ શહેરની આસપાસ ૧૦૦ જોજન જેટલા વિસ્તારમાં અસ્ત્રાની ધાર જેવા તીક્ષ્ણ પથ્થરોના એવા ફાંસલા કે છટકા ગોઠવ્યા હતા કે ચાલનાર સૈનિક જરાસરખીય ગફલતમાં રહે તો તેના પગનાં તળિયાં ચિરાઈ જાય. આવી અભેદ્ય કિલ્લાબંધીને પાર કરીને લક્ષ્ય સાધ્ય કરવાનું સાહસ કોઈ કરતું નહીં, કોઈએ કર્યું નહીં, પણ કૃષ્ણએ કર્યું! કૃષ્ણએ એક પછી એક હરોળને તોડી, વટાવી. કૃષ્ણ જ્યારે નરકાસુરની રાજધાનીના દ્વારે પહોંચ્યા ત્યારે અસંખ્ય રથ, ઘોડા, હાથી તથા અન્ય વાહનોથી સજ્જ નરકાસુરની સેના તેમનું સ્વાગત કરવા ઊભી હતી. આઠ લોખંડી પૈડાંવાળા, હજાર ઘોડા જોડેલા લોખંડી સાંકળોની ઝૂલથી સુરક્ષિત પ્રચંડ રથમાં બેસીને ધસમસી આવતા નરકાસુરની સેનાના ધુમાડાના રંગ જેવા વર્ણના, લાલચોળ આંખો અને મસ્ત મોટા શરીરવાળા, કદરૂપા, બિહામણા, વિકૃત ચહેરાવાળા, વિવિધ બખ્તરોથી સજ્જ રાક્ષસ જાતિના સૈનિકો ઘૂમતા હતા. ભીષણ યુદ્ધ શરૂ થયું. આ મહાભયંકર લડાઈનું રૂંવાડાં બેઠાં કરી મૂકે એવું વર્ણન હરિવંશમાં કર્યું છે. અંતે નરકાસુર હણાયો.

નરકાસુર હણાયા પછીની વિગતો ખૂબ રોમાંચક અને રસપ્રદ છે. નરકાસુર અને તેના તમામ સેનાપતિઓનો સંહાર થયા બાદ કૃષ્ણએ વિજેતા તરીકે નગરમાં પ્રવેશ કર્યો અને રાજમહેલના રાક્ષસ રખેવાળો કૃષ્ણને અંત:પુર અને ખજાનાઘર દેખાડવા લઈ ગયા. નરકાસુરનો પલંગ તેમ જ સિંહાસન બન્ને શુદ્ધ સોનાનાં હતાં. એમાં જડેલાં અમૂલ્ય રત્નો ઝળકતાં હતાં. સોનાની દાંડી તથા આરાઓવાળું તેનું મહાછત્ર વરુણછત્ર કહેવાતું અને એમાંથી રત્નોનો વરસાદ સતત ટપક્યા કરતો હતો. નરકાસુરના ખજાનાએ કૃષ્ણને પણ આંજી દીધા હતા. ઓરડાના ઓરડા ભરીને મણિ, મોતી, પ્રવાલ, વૈદુર્ય જેવાં અગણિત પ્રકારનાં રત્નોના ઢગલા જોઈને કૃષ્ણની આંખો પહોળી થઈ ગઈ હતી. આ બધું જ વર્ણન હરિવંશમાં મ‍ળે છે. હરિવંશમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે નરકાસુર જેટલો રત્નભંડાર ત્રિભુવનમાં કોઈની પાસે હતો નહીં, એટલું જ નહીં, આવો ખજાનો હોઈ શકે એવી કલ્પના પણ કોઈએ કરેલી નહીં. દેવો, ગંધર્વો, યજ્ઞો, પન્નગો પાસે છૂટી-છૂટી જે સંપત્તિ હોય એનો સરવાળો કરીએ તો પણ નરકાસુરના ખજાના કરતાં ઓછો થાય. રખેવાળોએ આ બધા જ ભંડારો કૃષ્ણને બતાવ્યા, એટલું જ નહીં, તેમના ચરણે ધરી દીધા. આ રત્નભંડારો ઉપરાંત ૨૦,૦૦૦ જેટલાં પ્રચંડ અને કેળવાયેલા હાથીઓ, દરેક માટે રત્નજડિત અંકુશો, ૪૦,૦૦૦ હાથણીઓ, ૧૮,૦૦૦ ઉત્તમ પ્રકારના ઘોડા-આસામી ઘોડા, કલ્પી ન શકાય એટલી ગાયો, સોનાની લચ્છીવાળાં વિશાળ ધનુષ્યો અને ભાલાઓથી ભરેલા રથો પણ કૃષ્ણએ કબજે કર્યાં. આ સમગ્ર ખજાનો પરાજિત અસુરો પાસે ઉપાડાવી દ્વારકાભેગો કર્યો!

રત્નભંડારના રસિક વર્ણન બાદ હરિવંશ કરે છે રોમાંચક વાત. રાક્ષસ રખેવાળો, રત્નભંડાર પછી લઈ ગયા કૃષ્ણને એક મોટી ગુફા પાસે. ત્યાં કૃષ્ણએ શું જોયું? અસંખ્ય રૂપરૂપના અંબાર સમી લલનાઓ. બેઘડી કૃષ્ણનો શ્વાસ થંભી ગયો. સ્વર્ગની અપ્સરા જેવી આ સ્ત્રીઓને નરકાસુરે કેદ કરી હતી, ભોગવી હતી. કૃષ્ણના આદેશ અનુસાર આ તમામ લલનાઓને પાલખીમાં બેસાડીને દ્વારકા રવાના કરવામાં આવી હતી.

દુશ્મનોને હરાવી, તેમની માલમિલકત તાબામાં લેવી એ એ જમાનાનો રિવાજ હતો. તેમની સ્ત્રીઓને સીધી રીતે પરણીને કે પરણ્યા વગર પોતાના અંત:પુરમાં પૂરી દેવી એમાં કોઈને કશું અજુગતું નહોતું લાગતું. નરકાસુરને હણવાથી ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓને શાંતિ થઈ. નરકાસુરના રંજાડથી બધા જ ત્રાસી ગયા હતા. સ્થાનિકોની શાંતિ હણાઈ ગઈ હતી, પણ સૌથી મોટો ફાયદો સત્યભામાને થયો. નરકાસુરની અઢળક-બેસુમાર સંપત્તિ કૃષ્ણએ દ્વારકાના પ્રજાજનોમાં વહેંચી દીધી. પ્રજા તો ખુશખુશાલ થઈ ગઈ. પરાજિત રાજાની તમામ સંપત્તિ પ્રજામાં વહેંચી દેવાનો આ પ્રથમ દાખલો હતો. કળિયુગમાં તો આવી કલ્પના સુધ્ધાં થઈ ન શકે અને અત્યારના રાજારૂપી સત્તાધીશો તો પ્રજાને વહેંચવાને બદલે પ્રજા પાસેથી વધારેમાં વધારે કેમ અને કેટલું પડાવી લેવું એની પેરવીમાં જ હોય છે. અને છેલ્લે... સત્યભામાને શું ફાયદો થયો?

નરકાસુરની સંપત્તિમાંથી દેવમાતા અદિતિનાં પડાવી લીધેલાં કુંડળો નીકળ્યાં. એ દેવમાતાને પાછાં સોંપવા માટે કૃષ્ણ અને સત્યભામા જાતે-પોતે દ્વારકાથી સ્વર્ગલોકમાં ગયાં. દેવમાતા કુંડળો જોઈને રાજીનાં રેડ થઈ ગયાં. સત્યભામાને આશીર્વાદ આપતાં કહ્યું, ‘તું ચિર યૌવના રહીશ. તારી  જુવાની સ્થિર અને સતત રહેશે. તારા શરીરમાંથી હંમેશાં મીઠી, માદક સુગંધ વહેતી રહેશે.’ આવું વર્ણન વિષ્ણુપુરાણમાં છે. હરિવંશમાં અદિતિએ કૃષ્ણને આશીર્વાદ આપતાં કહ્યું, ‘તું જીવશે ત્યાં સુધી તારી વહુ સત્યભામાની જુવાની જળવાઈ રહેશે. કૃષ્ણ જેવા રસિક માણસો માટે આનાથી મોટું બીજું શું હોઈ શકે?

એક બીજી મહત્ત્વની વાત : આમ જનતામાં વર્ષોથી એક વાતની ચર્ચા થઈ રહી છે કે ભગવાન શ્રીકૃષ્ણએ એ ૧૬,૦૦૦ રાણીઓ કરી હોય તો અમે એકથી વધારે પત્નીઓ શું કામ ન કરી શકીએ? આ ૧૬,૦૦૦ રાણીઓ એટલે નરકાસુરે કેદ કરીને ગુફામાં રાખેલી અભાગી સ્ત્રીઓ હતી. સમાજમાં તેમને યોગ્ય માન-સન્માન મળી રહે એટલે કૃષ્ણએ તેમની સાથે લગ્ન કર્યાં હતાં. આવી ભાવના કોઈ વિરલ પુરુષમાં જ હોઈ શકે, પરંતુ અજ્ઞાની લોકોએ આ પ્રસંગનો આધાર લઈ એક કહેવત સમાજમાં પ્રચલિત કરી કે ‘કૃષ્ણ કરે એ લીલા ને બીજા કરે એ છિનાળું?’ (ક્રમશ:)

કૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતનો ભાર ઊંચક્યો હતો, પણ સમગ્ર જીવન દરમ્યાન તેમણે ભારે હૈયે સ્વજનની ઉપેક્ષા, અવગણના, અવહેલનાનો બોજ ઝીલ્યો હતો. આમ છતાં તેમના વર્તનમાં ક્યારેય કોઈ ફરિયાદનો અંશ કે વાણીમાં કોઈ કડવાશ નથી દેખાઈ. ‘મધુરાધિપતે અખિલં મધુરં! આ કારણે જ તેઓ ‘સર્વ આશ્ચર્યમ્ અચ્યુત: તરીકે ભાગવતમાં ઓળખાયા છે.’

સમાપન

સત્‍કાર્યોને સદ્ભાવનાની શરૂઆત આપણે જાતે-પોતાનાથી જ કરવી પડે છે. જ્યાં સુધી આપણી આંગળીઓ પર કુમકુમ ન ઢોળાય ત્યાં સુધી બીજાના કપાળ પર તિલક કેમ થઈ શકે?

columnists Pravin Solanki