તાપણું હોય કે આપણું હોય, દૂર હોય તો ઠંડી લાગે નજીક જઈએ તો દાઝી જવાય

06 January, 2019 11:49 AM IST  | 

તાપણું હોય કે આપણું હોય, દૂર હોય તો ઠંડી લાગે નજીક જઈએ તો દાઝી જવાય

મનોરંજનથી મનોમંથન

એ વખતે હું ધોરણ સાતમાં ભણતો ને સ્કૂલમાં જયંતીલાલ માસ્તરે સવાલ પૂછ્યો, ‘બતાવો બચ્ચાઓ, શિયાળનું બહુવચન શું થાય?’

‘શિયાળો!’ એકસાથે બધા વિદ્યાર્થીઓનો સામૂહિક જવાબ.

‘ગુડ. ચંબુ, હવે મને એ બતાવ કે શિયાળો શરૂ થયો એની ખબર કેમ પડે?’

‘આમ તો ન જ પડે સર, પણ ભગવાન જાણે અમારી સાથે શું દુશ્મની હશે કે કાલે કોઈ ટોપો સોસાયટીની ટૉઇલેટની ટાંકીમાં બરફ નાખી ગયો ત્યારે ખબર પડી કે ઑફિશ્યલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે.’

‘વાહ, ઠાકર. હવે મને એ બતાવ કે સૌથી વધુ બરફ ક્યાં પડે છે?’

‘સર, દારૂના ગ્લાસમાં.’

‘હવે એ બતાવ કે કઈ રીતે?’

‘સર, મારા પિતા પીતા હતા ત્યારે મેં તેમને શરાબના ગ્લાસમાં બરફ નાખતા જોયેલા.’

‘વેરી ફાઇન ચંપક, હવે તું એ બતાવ કે પિતા કોને કહેવાય?’

‘સર, પિતા એટલે પોતે પીતા હોય એ ચાલે, પણ તમને જો પીતાં જોઈ જાય તો તમારાં છોતરાં કાઢી નાખે તેનું નામ પિતા.’

‘ક્યા બાત હૈ! હવે એ બતાવ કે પોતાના પિતા જેટલું જ માન ઊપજે એ પિતા કયા?’

‘રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધી.’

‘બહોત ખૂબ! હવે એ બતાવ કે મહાત્મા ગાંધીનો જન્મ કઈ સાલમાં થયેલો?’

‘સર, એ સાલમાં નહીં પણ ગોદડીમાં જન્મેલા ને એવી કાતિલ ઠંડી કે...’

‘અરે ચમન, તું હવે મને બતાવ કે તને ઠંડી લાગે તો તું શું કરે?’

માસ્તરે પ્રશ્નોનો સિલસિલો ચાલુ રાખ્યો.

‘કરવાનું શું? હું હીટર પાસે બેસું.’

‘ઍગ્રી, પણ મને એ બતાવ કે બેઠા પછી પણ કડકડતી ઠંડી લાગે તો શું કરે?’

‘તો હીટર ચાલુ કરું.’

આ જવાબથી કડકડતી ઠંડીમાં પણ જયંતીલાલ માસ્તરની ખોપરી હીટર બની ગઈ. તરડાયેલા ચહેરે પૂછ્યું, ‘ચંબુ, ચંપક ને સુભાષ, તમે મને વારાફરતી એ બતાવો કે સૌથી વધુ ઠંડી કયા એરિયામાં પડે છે?’

‘અમારા એરિયામાં સર,’ ચંબુ ઉવાચ. ‘અમારા એરિયામાં એટલી જોરદાર ઠંડી પડે છે કે ટાઇપરાઇટરના મશીનમાં વૉટર ટાઇપ કરીએ તો કાગળ પર આઈસ છપાય બોલો.’

‘એક મિનિટ.’ ચંપક બોલ્યો. ‘આ તો કંઈ નથી, અમારી બાજુ તો એટલી કાતિલ ઠંડી પડે છે કે ભેંસને જો દોહિએ તો દૂધના બદલે ડાયરેક ગુલ્ફી બહાર નીકળે બોલો.’

‘અબે એય ગુલ્ફીની સગલી, સર અમારી બાજુ તો એવી ખતરનાક ઠંડી પડેલી કે પરમ દિવસે નિષ્ફળ પ્રેમી રસિક સટોડિયાએ આપઘાત કરવા સોસાયટીના ધાબા પરથી છલાંગ મારી; પણ ઠંડી એવી જાલીમ કે સટોડિયો વચ્ચે જ થીજી ગયો, નીચે પડ્યો જ નહીં બોલો.’

‘એય ફેંકુ. સર, તે ખોટું બોલે છે. ધાપ મારવાની કોઈ હદ હોય કે નહીં? અરે ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે ઉપરથી જે કંઈ પણ પડે એ નીચે જ પડે, પછી વસ્તુ હોય કે માણસ.’

‘ઍગ્રી, પણ એ દિવસે નિયમ પણ ઠરી ગયેલો બોલો.’

‘ચૂઉઉઉપ...’ માસ્તર ખુદ ઠંડીની વાતોથી ગરમ થઈ ગયા. ‘હવે વધુ ફેંકશો તો હું જ

કાયમ માટે ઠરી જઈશ. અચ્છા હવે મને એ બતાવો કે...’

‘હવે કશું નહીં બતાવીએ સર, ક્યારના બતાવો-બતાવો કરો છો! અરે અમે જ જો

બધું બતાય-બતાય કરીશું તો આપ શું કબડ્ડી રમશો?’

‘હે પ્રભુ, મને છોડાવ.’

‘સર, સવાલોનું જાળું તમે જ બાંધ્યું છે. પ્રભુ કેવી રીતે છોડાવે?’

‘પ્લીઝ આપ બધા શિષ્યોનાં ચરણ આપો, મારે સા।ષ્ટાંગ દંડવત્ કરવા છે.’ એટલું બોલી માસ્તર આંખોમાં ઝળઝળિયાં સાથે બહાર નીકળી ગયા.

બહાર નીકળી બસ પકડી ત્યાં થોડી વારમાં બાજુમાં બેઠેલા પૅસેન્જરે પૂછ્યું, ‘શું લાગે છે?’

‘અરે ભાઈ, ક્યારની તમારી કોણી લાગે છે.’

‘સૉરી સૉરી... આ વખતે શું લાગે છે?’

‘થોડો લોચો લાગે છે. ભાજપ આવે એવું લાગતું નથી.’

‘ભાજપની વાત નથી, ઠંડી વિશે શું લાગે છે?’

‘પ્લીઝ, હવે ઠંડીની વાત છેડી મને ગરમ ન કરો ને સામેથી પવન આવે છે એટલે હમણાં બારી બંધ કરો.’ એટલું બોલી માસ્તરે બારી બંધ કરી.

‘અરે તો મફલર કે સ્વેટર પહેરો, મને સફોકેશન થાય છે.’ એટલું બોલી બાજુવાળાએ ખોલી નાખી... માસ્તરે બંધ કરી. બાજુવાળાએ ફરી ખોલી. ત્રણ-ચાર વાર ખોલ-બંધ પછી થોડી બોલાચાલી પછી સામે બેઠેલા પૅસેન્જરને પૂછ્યું, ‘તમને શું લાગે છે? ઠંડી લાગે છે કે સફોકેશન થાય છે? બારી બંધ રાખવી જોઈએ કે ખુલ્લી?’

સામેનો પૅસેન્જર હસ્યો.

‘એમ હસ્યા વગર જવાબ આપોને યાર.’

‘અરે બારી બંધ હોય કે ખુલ્લી. ધ્યાનથી જુઓ, એ બારીનો કાચ નીકળી ગયો છે.’

આજે આ વાતને વર્ષો થઈ ગયાં, પણ ઠંડીના અનુભવો તાજા જ લાગે છે. રહેવું હતું નાનું, પણ ઉંમર વધતી ગઈ. આમને આમ દિવસો જવા લાગ્યા ને જિંદગીની સાંજ પડતી ગઈ. આપણે દર વર્ષે વર્ષ બદલાતું જોઈ રહ્યા છીએ, પણ મેં તો આખું વર્ષ લોકોને બદલાતા જોયા છે. ઘરની જ વાત કરું?

આજે રૂમમાં કટકટકટ અવાજ સાંભળી ઘરવાળી બોલી, ‘પ્લીઝ જાગીને જો તો ખરા આપણ રૂમમાં ઉંદરડા કપડાં કાતરતા નથીને?’

‘અરે મારી મા, ઉંદરડા કપડાં કાતરતા નથી, પણ તેં મારા પરથી ધાબળો ખેંચી કાઢ્યો છે તેથી ઠંડીથી ધ્રુજારીથી કડકડતા મારા દાંતનો અવાજ છે. ઓઢવાનું ખેંચવાવાળી બીજા દુ:ખમાં શું સાથ આપવાની?’

યુ બિલીવ? છેવટે હું મચ્છરદાની ઓઢીને સૂતો ત્યાં ઝૂમઝૂમઝૂમઝૂમ કરતો મચ્છર મારા કાનમાં કહેવા લાગ્યો, પ્લીઝ વિશ્વાસ રાખો. હું જરાય કરડીશ નહીં, એક જગ્યાએ બેસી રહીશ પણ મને અંદર આવવા દો, બહાર બહુ ઠંડી છે.’

‘જો મચ્છર બકા,’ મેં અંદરથી જવાબ આપ્યો, ‘અપને હી અપને કો અપના નહીં સમઝતે. ખાસ હોય, શ્વાસ હોય કે વિશ્વાસ હોય, કોઈનો ભરોસો ન કરાય અને મેં તો દુનિયા પર ભરોસો કરવાનું ત્યારે જ છોડી દીધું જ્યારે બાપુજીએ નાનપણમાં કહ્યું કે અહીં આવ બેટા, નહીં મારું. તેમના વિશ્વાસે તેમની પાસે ગયો તો મને કબાટ પર ચડાવ્યો ને બોલ્યા, માર છલાંગ નીચે. મેં કેટલી ના પાડી તો મને કે કહે ગભરાયા વગર ભૂસકો માર, હું તેડી લઈશ. હું બેઠો છુંને!’ તેમના વિશ્વાસે કૂદકો માર્યો ને તે ખસી ગયા. ધડામ કરતો નીચે. ઘૂંટણ છોલાઈ ગયાં. મેં પૂછ્યું, ‘બાપુજી, આમ કેમ ખસી ગયા?’

આ પણ વાંચોઃ મયખાને સબ બંદ હો જાએ તો કોઈ ગમ નહીં તૂને આંખોં સે જો પિલાયા જામ વો મયખાને સે કમ નહીં

તો કહે, ‘જો બેટા, મારે તને એ શીખવવું હતું કે સગા બાપ પર પણ બહુ વિશ્વાસ નહીં કરવો. યાદ રાખ, તસવીરમાં સાથે હોય, તકલીફમાં સાથે ન પણ હોય. જગતનો નિયમ જાણી લે તાપણું હોય કે આપણું હોય, થોડું અંતર રાખવાનું બન્નેમાં. બહુ નજીક જઈએ તો દાઝી જવાય ને દૂર જઈએ તો ઠંડી લાગે. મચ્છર ભૈયા, કુછ સમજ મેં આયા? બહોત દૂર તક જાના પડતા હૈ યે જાનને કે લિયે કિ કૌન નઝદીક હૈ. ઠંડીમાં ધાબળા વગર સૂતેલા માણસને ધાબળા ઓઢાડવા સૌ તૈયાર છે, પણ ભૂખ્યા-હૂંફ વગર સૂતેલા માણસનું શું? તારે ઠંડીથી બચવું હોય તો અમે જેમ મચ્છરદાની વસાવીએ છીએ એમ તમે માણસદાની વસાવી લો. બાકી સૉરી, અંદર નહીં લઈ શકું.’

ઝૂમઝૂમઝૂમઝૂમ ગણગણતો મચ્છર ઊડી ગયો. શું કહો છો?

columnists