આફ્રિકન મોતી - મૉરોક્કો

05 February, 2023 01:18 PM IST  |  Mumbai | Manoj Shah

સૌથી મોટી હરણફાળ ભરીને દિગ્ગજોની યાદીમાં નામ ઉમેરનાર મૉરોક્કો રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયું, જાણીતું થઈ ગયું.

આફ્રિકન મોતી - મૉરોક્કો

કતાર ફુટબૉલ વિશ્વ કપ, ૨૦૨૨ સ્પર્ધાની મોટામાં મોટી ઉપલબ્ધિ કઈ? આમ તો ઘણી બધી સિદ્ધિઓ અને વિક્રમો સર્જાયાં, પરંતુ મોટામાં મોટી ઉપલબ્ધિ એ કે પ્રથમ વાર આફ્રિકા ખંડમાંથી એક દેશ વિશ્વસ્તરીય ફુટબૉલ સ્પર્ધાની સેમી ફાઇનલમાં પ્રવેશ્યો. અનેક માંધાતાઓને મહાત કરીને આ વિક્રમ સર્જનાર દેશ એટલે મૉરોક્કો. સૌથી મોટી હરણફાળ ભરીને દિગ્ગજોની યાદીમાં નામ ઉમેરનાર મૉરોક્કો રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયું, જાણીતું થઈ ગયું. મોટા ભાગના ભારતીયો માટે અજાણ્યા કહી શકાય એવા આ દેશની વાત માંડવી છે, એનાં અનેક વિલક્ષણ લક્ષણો વિશેની જાણકારી વહેંચવી છે. સદીઓ પુરાણી એક અનોખી સંસ્કૃતિની રસપ્રદ વાતો, ભવ્ય ઇતિહાસની ગાથાઓ, સાંસ્કૃતિક સંઘર્ષની કથાઓ, આંખો ખુલ્લી રહી જાય એવી ભૌગોલિક વિવિધતા વિશે, મૉરોક્કો વિશે ચાલો જાણીએ, મારા મૉરોક્કો પ્રવાસનો આસ્વાદ માણીએ.

વાંચનનો શોખ ધરાવનાર વાચકો માટે મૉરોક્કો નામ અજાણ્યું નથી, પરંતુ બે મુખ્ય બાબતો સિવાય વધુ જાણકારી પણ નથી એ કબૂલવું રહ્યું. હું પણ આમાંનો જ એક હતો, પરંતુ નાનપણથી  જે જિજ્ઞાસા હતી, કુતૂહલ હતું એ બે બાબતો એટલે અતિવિખ્યાત કાસા બ્લાન્કા શહેર અને સહારાનું રણ. અરેબિયન નાઇટ્સ અને અનેક અરબી ભાષામાંથી રૂપાંતરિત સાહિત્યનું એક આગવું, ગેબી કહી શકાય એવું અણમોલ રત્ન એટલે કાસા બ્લાન્કા શહેર. કિશોરાવસ્થામાં પણ આ નામ વાંચતાં આંખો ચમકી ઊઠતી, કુતૂહલવૃત્તિ એની ચરમસીમાએ અને વધુ ને વધુ જાણવાની જિજ્ઞાસા કાયમ ઉછાળા મારતી એ બરાબર યાદ છે. જગતના કોઈ પણ શહેરનું નામ આટલું ભવ્ય, આટલું રસપ્રદ નથી જ નથી. કાસા બ્લાન્કાનું એક અદમ્ય આકર્ષણ કાયમ રહ્યું હતું. સાહિત્યની આંખે કહો કે પાંખે, પરંતુ આ નામ સાંભળતાં જ આંખો સમક્ષ આફ્રો-અરેબિક બજારો, ઊંટની પોઠો, માટીનાં કાચાં મકાન, દેશ-વિદેશના વેપારીઓ સહિતનું એક મધ્યકાલીન સાંસ્કૃતિક ચિત્ર જાણે ઊપસી આવે, કોઈ રોમાંચ ઘેરી વળે. એક નામ માત્રથી કેટલીયે સાહસકથાઓ ખાસ કરીને દરિયાઈ સફરની જીવંત થઈ ઊઠે અને આ કાસા બ્લાન્કા શહેરના આકર્ષણને પણ અતિક્રમે એ બીજી બાબત એટલે દુનિયાનું મોટામાં મોટું ગરમ રણ અને ઍન્ટાર્કટિકા તથા આર્કટિક પછી વિસ્તારની દૃષ્ટિએ ત્રીજા નંબરનું વિશ્વવિખ્યાત કે પછી કુખ્યાત એવું સહારાનું રણ. ઉપરના બન્ને રણ ઠંડા રણ એટલે કે કોલ્ડ ડેઝર્ટ કહેવાય છે, કારણ કે ત્યાં બરફનું સામ્રાજ્ય છે. બધું જ બરફીલું, હિમાચ્છાદિત. જ્યારે સહારા એટલે રેતીના ઢૂવા, બેદુઇનોના કાફલાની વાતો, કાળઝાળ ગરમીની, રણદ્વીપોની, મૃગજળની, રણમાં દિશાનું ભાન ભૂલી જવાની, અસહ્ય તરસની, રેતીમાં ખૂંપી જઈને રેત સમાધિની, નિઃસહાયતાની, ઝેરી સાપ, વીંછી જેવી અનેક ભયાનક જીવસૃષ્ટિની, ભટકતા રહેતા વણજારાઓની હેરતઅંગેજ જીવનશૈલીની વાતો... કેટકેટલું વાંચ્યું હશે આ રણ વિશે. કોઈ મંત્રમુગ્ધ કરી નાખતી વિષકન્યા જેવું ચિત્રણ એટલે સહારાનું રણ.
અને એટલે જ પુણેની ‘મોટોરોવર’ નામની સાહસિક યાત્રાઓનું આયોજન કરતી કંપનીની વેબસાઇટ પર મૉરોક્કો પ્રવાસ વિશે વાંચ્યું અને એ પણ ગાડીમાં ત્યારે મારી અંદરનો પેલો કિશોર જાગી ઊઠ્યો, સાહસિકતા આળસ મરડીને બેઠી થઈ ગઈ. એક જ ધૂન, જોણે કોઈ ભૂત સવાર થઈ ગયું, ‘આ પ્રવાસ તો કરવો જ રહ્યો.’ આમ પણ મારા બકેટ-લિસ્ટમાં વિદેશી સ્થળોમાં મૉરોક્કોનું નામ ઉપરના ક્રમે હતું જ અને મને મોકો મળી ગયો. વધુ કાંઈ પણ વિચાર્યા વગર મારું અને બીનાનું નામ લખાવી દીધું. પીયૂષ સોંસળે અને કબીર અખિલેશ નામના બે યુવાનોની સાહસકથા આ શ્રેણીમાં આગળ જતાં ટુકડે-ટુકડે આવરી લઈશ, પરંતુ અત્યારે મૉરોક્કો વિશે થોડી વધુ જાણકારી વાચકોને પીરસી દઉં. આવા થોડા જાણીતા કે ‘અછૂતા’ પ્રદેશના પ્રવાસે જતાં પહેલાં એનાં ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ વિશે થોડું ઘણું જાણી લઈએ તો પ્રવાસ એકદમ અનુકૂળ અને સફળ બની રહે એ ચોક્કસ.

મૉરોક્કો એક વિશેષ દેશ છે એમાં કોઈ શક નથી. ભૌગોલિક રીતે જોઈએ તો યુરોપ અને આફ્રિકા ખંડને એક નાનો સામુદ્રિક પટ્ટો એટલે કે સામુદ્રધુની અલગ પાડે છે અને આ જ પટ્ટો વળી ઍટલાન્ટિક મહાસાગરને ભૂમધ્ય સમુદ્રથી જોડે પણ છે. આ પટ્ટો એટલે જિબ્રાલ્ટર સામુદ્રધુની. આ પટ્ટાની યુરોપીય બાજુએ એટલે કે ઉત્તર દિશાએ સ્પેન અને આફ્રિકન બાજુએ એટલે કે દક્ષિણ દિશાએ છે મૉરોક્કો. આ પટ્ટો એક જગ્યાએ તો ફક્ત ૧૩ કિલોમીટર પહોળો જ રહી જાય છે. આ ૧૩ કિલોમીટર પસાર કરો એટલે તમે યુરોપમાં અથવા આફ્રિકામાં પ્રવેશી શકો. આ ભૌગોલિક સ્થાને અને હિસાબે મૉરોક્કોએ ઘણું મેળવ્યું પણ છે, તો ઘણું ગુમાવ્યું પણ છે એમ કહી શકાય. વળી પાછું પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રમાર્ગે આરબ દેશોએ પણ અનેક વખત ખેડાણ કહો કે આક્રમણ કર્યાં જ છે. સરવાળે જુઓ તો આપણા દેશ ભારત અને મૉરોક્કો વચ્ચે ઘણું સામ્ય છે. સેંકડો વર્ષોથી બન્ને દેશોએ અનેક વિદેશી આક્રમણનો સામનો કર્યો છે, તાબે પણ થયા છે, ગુલામી પણ ભોગવી છે અને સાંસ્કૃતિક ભેળસેળ પણ ઘણી થઈ છે. મૉરોક્કોના મૂળભૂત રહેવાસીઓ જે બર્બર કહેવાય છે, આમ તો કબીલા જ કહી શકાય, તેઓ પર સાતમી સદીથી આક્રમણ થતાં રહ્યાં છે. શરૂઆતમાં ઇસ્લામિક આક્રમણ, લગભગ ૬૦૦ વર્ષનો લોહિયાળ ઇતિહાસ, ધર્મપરિવર્તનનું દબાણ એટલું જોરદાર કે લગભગ બધા જ લોકોએ ઇસ્લામ અંગીકાર કરવો પડ્યો અને તો પણ લગભગ ૧૧મી સદી સુધી યહૂદીઓ પણ સારા એવા પ્રમાણમાં આ દેશમાં રહેતા હતા ત્યારના મુખ્ય પ્રવાહમાં યહૂદીઓનું પણ સારું એવું પ્રમાણ હતું. ૧૫મી સદીમાં યુરોપથી પોર્ટુગીઝ આવ્યા, ૧૬મીમાં સ્પૅનિશ, ૧૭મીમાં વળી પાછા પોર્ટુગીઝ. આ બધું ચાલતું રહ્યું ઈ. સ. ૧૭૫૫ સુધી. યહૂદીઓ છોડી ગયા, બર્બર સહિત બીજી નાની-મોટી અનેક જાતિઓએ ઇસ્લામ સ્વીકારી લીધો. ૧૭૫૫માં ભયાનક ભૂકંપ આવ્યો અને પોર્ટુગીઝો પણ આ દેશને ભગવાન ભરોસે છોડીને રવાના થઈ ગયા. ૧૭૫૬માં મુસ્લિમ શાસક સુલતાન મહમદ બિન અબદુલ્લાએ કમાન સંભાળી. હજી માંડ ૧૫૦ વર્ષ વીત્યાં હશે ત્યાં આવ્યું ૧૯૧૨માં ફ્રેન્ચ આક્રમણ, અને મૉરોક્કો બની ગયું ફ્રેન્ચ વસાહત. લોહિયાળ રક્તરંજિત સંઘર્ષ. ૧૯૫૬માં ફ્રાન્સે વિદાય લીધી, પરંતુ અનેક આકરી શરતો સાથે. હજી ૨૦૫૫ સુધી ફ્રાન્સને સાલિયાણું ચૂકવવાનું ચાલશે. ફ્રાન્સ તરફનો ધિક્કાર ફક્ત અત્યારની ફુટબૉલ મૅચની હારનો નથી, એનાં બીજ તો ૧૯૫૬થી ધરબાયેલાં પડ્યાં છે અને વખતોવખત તણખા ઝરતા રહે છે. માનવ અધિકારોનાં વાજાં વગાડતા યુરોપીય દેશોનો માનવીય શોષણ અને અત્યાચારનો ઇતિહાસ કંઈક જુદી જ હકીકત ઉજાગર કરે છે. તેમણે જેટલું શોષણ કર્યું છે એમાંનું તો દસમા ભાગનું શોષણ પણ એશિયાના કોઈ દેશો કરી નથી રહ્યા, તો પણ આ યુરોપીય દેશોએ માનવ અધિકારોની પીપૂડી વગાડ્યા કરવી છે. પછી એ કાશ્મીર હોય કે મ્યાનમાર કે શ્રીલંકા. ખેર આગળ વધીએ.

અત્યારનું મૉરોક્કો એક સુખદ આશ્ચર્ય છે, આનંદિત કરી નાખતો અનુભવ છે. આ બધાં આક્રમણો અને સંઘર્ષની અસર એ થઈ કે ખરેખર મુક્તિ કોને કહેવાય કે મુક્ત વાતાવરણ કોને કહેવાય એ આ દેશના દરેકેદરેક નાગરિકને સમજાઈ ગયું છે. અત્યારે આ દેશમાં મુસ્લિમ વસ્તી ૯૯.૯ ટકા છે એટલે કે બધા જ મુસ્લિમ છે, પરંતુ નથી કોઈ ધાર્મિક રૂઢિચુસ્ત વાતાવરણ કે ઝનૂન. એમાં પણ સહેલાણીઓને તો કોઈ પણ આકરી પાબંદીઓ લાગુ પડતી નથી. રહેવાસીઓને પણ કોઈ જબરદસ્તી નથી, જે પહેરવું હોય એ પહેરો, જેમ ફરવું હોય એમ ફરો. સ્વતંત્રતા પૂરી છે, પરંતુ સ્વચ્છંદતાની પરવાનગી નથી. રહેવાસીઓ માટે અમુક કડક કાયદા છે, પરંતુ એ પણ એક શિસ્તપાલનની આદત પડે એ માટે એમ કહી શકાય. અહીંના લોકો અતિશય હૂંફાળા, આધુનિક અને ખુલ્લી માનસિકતા ધરાવે છે. અમે જેટલું ફર્યા અમને એમ જ લાગ્યું કે અમે કોઈ યુરોપીય દેશમાં ફરી રહ્યા છીએ. ખૂબ મીઠો આવકાર અને દિલથી મહેમાનગતિ એ સમગ્ર રહેવાસીઓની આગવી લાક્ષણિકતા છે. ટર્કી અને મૉરોક્કો બન્ને દેશો યુરોપની સારી એવી અસર હેઠળ છે, પરંતુ ટર્કીમાં હમણાં-હમણાં રૂઢિચુસ્તોએ થોડા ઉધામા માંડ્યા છે, કોઈ-કોઈ જગ્યાએ ઘર્ષણ પણ ઊભાં થઈ રહ્યાં છે. એ દૃષ્ટિએ જોઈએ તો મૉરોક્કોમાં હજી સુધી એવું કાંઈ સાંભળવા કે વાંચવામાં આવ્યંે નથી. અમારો તો અનુભવ પણ સુખદ રહ્યો. ભારતીયો માટે આ દેશના લોકોને ખૂબ લાગણી અને આકર્ષણ જોવા મળે. આપણને જુએ એટલે બે નામ જરૂરથી સાંભળવા મળે, શાહરુખ ખાન અને શશી કપૂર. ક્યાંક વળી અમિતાભ બચ્ચન પણ ખરા, પરંતુ સૌથી ટોચ પર તો શાહરુખ ખાન જ. ગજબ દબદબો છે. અભિનેત્રીઓ પણ ખરી, કરીના કપૂર, માધુરી દીક્ષિતનાં નામ પણ સાંભળવા મળ્યાં ખરાં.

હવે અમારા પ્રવાસની વાત કરીએ. ઉપર લખ્યા મુજબ અમારો આ પ્રવાસ ૧૨ દિવસનો હતો. ગાડી દ્વારા એટલે કે સેલ્ફ ડ્રાઇવ કરીને અમે લગભગ આખા આ દેશને આવરી લેવાના હતા. ક્યાંક એક રાત તો ક્યાંક બે રાતનું રોકાણ હતું. બધી વ્યવસ્થા મોટો રોવરના ભાગે હતી. અમે કુલ ૨૩ જણ હતા. એ ઉપરાંત કબીર અને મૉરોક્કોના સ્થાનિક આયોજકો, ઇબ્રાહિમ અને અબ્દુલ. એ સિવાય એક મેકૅનિક મોબીન. આમ ૨૬ જણનો સંઘ. ભારતનાં અલગ-અલગ શહેરોના પ્રવાસીઓનો સંગમ. મુંબઈ, પુણે, બૅન્ગલોર, હૈદરાબાદ, ઊટી અને એકમાત્ર વિદેશી ઑસ્ટ્રેલિયાથી. દરેક બે જણ વચ્ચે એક ગાડી, ફક્ત પુણેના ચાર પ્રવાસીઓએ એક ગાડી લીધેલી એમ કુલ ૧૨ ગાડીઓનો કાફલો આગલા ૧૨ દિવસ સુધી એકબીજાના સથવારે-સંગાથે. મારો આ રીતનો પહેલો પ્રવાસ હતો. વિદેશમાં જેટલું ફર્યો છું એમાં અમે બે જણ હોઈએ કે વધીને ચાર, બસ. આ પહેલો અનુભવ કે પછી છેલ્લો એ તો સમય જ કહેશે. અજાણ્યો દેશ, અજાણ્યા સહયાત્રીઓ, અજાણ્યા આયોજકો, અજાણ્યા રીતરિવાજો, અજાણ્યા નિયમો, પણ કુતૂહલવૃદ્ધિ અને ઉત્કંઠાએ આ બધાં જ પરિબળોને જાકારો આપી દીધો હતો. આફ્રિકન ઇસ્લામિક દેશ હોવાને કારણે અનેક શંકા-કુશંકાઓ ઘેરી વળી હતી, પરંતુ શંકાનું સ્થાન રોમાંચે લઈ લીધું. મારા બેડરૂમમાં રાખેલા દુનિયાના નકશામાંથી વધુ એક દેશ રંગાઈ જવાનો હતો, થપ્પો મારવાની બધી તૈયારી થઈ ચૂકી હતી. કૅમેરાબૅગ તૈયાર થઈ ગઈ. આ વખતે GoProનો ઉમેરો થયો હતો. લેન્સિસ, કૅમેરા બધી જ પ્રકારની સાફસફાઈ, ચોકસાઈ કરીને મુકાઈ ગયાં હતાં. દૂરબીન પણ મુકાઈ ગયું હતું. શાકાહારી ભોજનની આશંકા હતી એટલે જ અંદરનો ગુજરાતી જાગ્રત થઈ ગયો હતો. ખાખરા, ભાખરી અને ગિરનાર ચાનાં પૅકેટ્સ બીજા બધા નાસ્તા સાથે મુકાઈ ગયાં હતાં. આટલા મોટા કાફલા સાથે ફરવામાં બીજી એક સૌથી મોટી આશંકા હતી મારા સમયની. રખડપટ્ટી માટે, ફોટોગ્રાફી માટે, સ્થાનિક સંસ્કૃતિને આત્મસાત કરવાનો મોકો મળશે કે નહીં એની થોડી તાણ હતી અને એટલે જ મેં એક નિર્ણય લીધો, બે દિવસ પહેલાં પહોંચી જવાનો. આખો કાફલો આવે ત્યાં સુધી પોતાની રીતે બે શહેરમાં ફરી લેવાનું આયોજન કરી લીધું. કાફલાની એટલે કે અમારા પ્રવાસની શરૂઆત થવાની હતી મારા સપનાના શહેર કાસા બ્લાન્કાથી અને હું કાસા બ્લાન્કા અને મરકકેશ એ બે મુખ્ય શહેરોને મારી રીતે માણી લેવા માગતો હતો. બધી જ તૈયારી થઈ ગઈ. યા હોમ કરીને પડો. મૉરોક્કો, અમે આવી રહ્યા છીએ. સફરની વાતો લઈને આગળ વધીશું આવતા રવિવારે. હે મા પ્રકૃતિ, તારા અનોખા, અનેક, વિવિધ સ્વરૂપને માણવા, તારા ચરણે, તારા શરણે, શ્રી કુદરત શરણમ્ મમ:

columnists gujarati mid-day morocco africa