ડરના મના હૈ : કોરોનાને કારણે મનમાં ઘર કરી ગયેલા ડરને કાઢવો પડશે

01 June, 2020 11:24 PM IST  |  Mumbai | Manoj Joshi

ડરના મના હૈ : કોરોનાને કારણે મનમાં ઘર કરી ગયેલા ડરને કાઢવો પડશે

પ્રતીકાત્મક તસવીર

ડરના મના હૈ : કોરોનાને કારણે મનમાં ઘર કરી ગયેલા ડરને કાઢવો અનિવાર્ય અને આવશ્યક છે

અતિશય અને ગેરવાજબી રીતે મનમાં નકારાત્મકતા આવી ગઈ છે. કોરોનાની બીકે પણ હવે વટવૃક્ષનું રૂપ ધારણ કરી લીધું છે. નાની-નાની વાતમાં અને ફાલતુ કહેવાય એવી ચર્ચામાં પણ કોરોના જોવા મળવા માંડ્યો છે. કોરોનાને કાઢવાનો છે અને એની અડફેટમાં નથી ચડવાનું એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે કોરોનાથી ડરવાનું નથી, એનાથી ફાટી પડવાનું નથી. જો આ વાત નહીં સમજાય તો કોરોના નહીં, તમારી અંદર રહેલો ડર, તમારામાં પેસી ગયેલો ભય તમને નુકસાન કરવા માંડશે અને અત્યારે કરી જ રહ્યો છે.
એક ચોક્કસ વર્ગ છે જેને કોરોનાની બીક લાગી રહી છે. એક ચોક્કસ વર્ગ છે જે કોરોના નામમાત્રથી ફફડી રહ્યો છે. એક ચોક્કસ વર્ગ છે જેને દિવસ-રાત કોરોનાના જંતુનાં સપનાં આવી રહ્યાં છે. સપનાં આવી રહ્યાં છે અને એ સપનાને કારણે તેમનું જીવન હરામ થઈ ગયું છે. આ વાહિયાત ડર છે. સાચું કે ડરવું જોઈએ અને ડરવું જરા પણ ગેરવાજબી નથી, પણ સાથોસાથ એ પણ હકીકત છે કે ડરવું પણ એક મર્યાદામાં જોઈએ જેથી ડર મસ્તક પર ચડીને તબલાં વગાડવાનું શરૂ ન કરી દે. અત્યારે એ વર્ગ સાથે એ જ બન્યું છે. કોરોના આવીને હેરાન કરે એના કરતાં પણ વધારે તેમને હેરાનગતિ કોરોના આવશે તો શું થશે એ વાતથી છે. કોરોના આવવાનો હશે તો આવશે અને એ તમે પાર કરી જવાના હશો તો તમે એને પણ પાર કરી જ લેશો, કોઈ મીનમેખ નથી એમાં, પણ આજના આ ડરથી છળી મરવા કરતાં બહેતર છે કે સાવેચતી અને સલામતી રાખીને આગળ વધો અને સ્વસ્થ માનસિકતા ધારણ કરો.
સાઇકિયાટ્રિસ્ટ મિત્રો કહે છે કે ફાલતુ જેવા ફોન-કૉલ્સ આવે છે. તેમને કે અમને કોઈને આ ફોન-કૉલ્સથી પ્રૉબ્લેમ નથી, પણ પ્ર‍ૉબ્લેમ છે આ ડરની માનસિકતાથી. કોરોનાની સૌથી મોટી ખાસિયતને જાણી લેશો તો મનમાંથી આપોઆપ ડર બાષ્પીભવન થઈ જશે.
કોરોના તમને થશે તો તમારી સરાઉન્ડના સૌકોઈને લાગે એવી શક્યતા છે. આવા સમયે તમને કોરોના થશે એટલે તમને જરા પણ સારવાર વિનાના રાખવામાં નહીં આવે. તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી, તમને સ્વસ્થ કરવાનું મિશન દુનિયા પોતાના હાથમાં લઈ લેશે. દુનિયા તમારી સારવારમાં લાગી જશે અને જગત તમારી ટ્રીટમેન્ટના રસ્તા શોધવા માંડશે. આટલું જ નહીં, તમારી આજુબાજુના સૌકોઈને પણ તરત જ સારવાર આપવાનું શરૂ કરી દેવામાં આવશે અને એ પણ કોઈને કોરોનાથી સંક્રમિત ન કરે એની તકેદારી રાખવામાં આવશે. નહીં રાખો મનમાં ડર, નહીં રાખો ભય આંખોમાં. કોરોના એક ચીંટુકડુ જંતુ છે અને એ જંતુ તો જ આદમકદ રૂપ ધારણ કરે છે જો તમે એના પ્રત્યે કે પછી શરીરની રોગપ્રતિકારક શક્તિ પ્રત્યે બેદરકાર રહ્યા હો. અન્યથા કોરોના તમારો વાળ પણ વાંકો કરી શકવાનો નથી. હજી હમણાં બે દિવસ પહેલાં જ ખબર મળ્યા કે એક જ દિવસમાં કોરોનાની બીમારીને માત આપીને ગુજરાતમાં ૧૨ બાળકો એકસાથે હૉસ્પિટલમાંથી બહાર આવ્યાં. અગાઉ કહ્યું હતું એમ, ગુજરાતમાં ૯૨ વર્ષના વડીલ પણ કોરોનાને હરાવીને ઘરે પાછા આવ્યા છે, તો ૮૦ વર્ષનાં મહિલા પણ કોરોનાને માત આપી ચૂક્યાં છે. કોરોનાનો ડર કાઢવા માટે આ ઉંમર વાજબી છે. બસ, એક જ કામ કરવાનું છે તમારે કે ઘરમાં રહેવાનું છે, રોગપ્રતિકારક શક્તિ વધે એનું ધ્યાન રાખવાનું છે અને ત્રીજું, મનમાંથી ડર કાઢી નાખવાનો છે.
સમજાયુંને બરાબર?

manoj joshi columnists