ભલા માણસ, એટલું સમજો, આ ન્યુ નૉર્મલ નહીં, ઍબ્નૉર્મલ છે

14 October, 2020 11:56 AM IST  |  Mumbai | Manoj Joshi

ભલા માણસ, એટલું સમજો, આ ન્યુ નૉર્મલ નહીં, ઍબ્નૉર્મલ છે

પ્રતીકાત્મક તસવીર


હા, આ તબક્કાને, આ સમયને કે પછી આ પરિસ્થિતિને તમે ન્યુ નૉર્મલ કેવી રીતે કહી શકો! આ ન્યુ નૉર્મલ છે જ નહીં, આ ઍબ્નૉર્મલ છે. આ નવું સામાન્ય જીવન નથી, આ અસામાન્ય જીવન છે અને આ વાત ગુજરાતી ભાષાના એક બહુ જાણીતા પત્રકાર સાથે વાત થતી હતી ત્યારે તેમણે કહી છે. વાત સાવ સાચી છે. આ ન્યુ નૉર્મલ હોય જ નહીં, આને ન્યુ નૉર્મલ કહેવાય જ નહીં. આને ઍબ્નૉર્મલ કહેવું પડે અને ઍબ્નૉર્મલ છે એટલે જ એમાંથી બહાર નીકળવાની તડામાર તૈયારીઓ ચાલે છે. જગતઆખું કામે લાગેલું છે આ કોવિડના કાળમાંથી બહાર નીકળવા માટે. દુનિયાઆખી માટે અત્યારનો યક્ષપ્રશ્ન એક જ છે કે કેટલું ઝડપથી કોવિડના પિરિયડમાંથી બહાર આવી શકાય છે.
આ યક્ષપ્રશ્ન પર કામ ચાલે છે એ તમને પણ ખબર છે અને તમને ખબર છે એટલે જ કહેવાનું કે મહેરબાની કરીને થોડો સમય સાચવીને અને જાળવીને પસાર કરી લો. આ ન્યુ નૉર્મલ છે એવી દલીલ કર્યા વિના સ્વીકારી લો કે આ ઍબ્નૉર્મલ છે અને અસામાન્યને સામાન્ય ગણવાની ભૂલ કર્યા વિના સહજ રીતે આ સમય પસાર કરી નાખો. અસામાન્ય સંજોગોમાં સપડાનારાઓેએ અસામાન્ય તકલીફ સહન કરવાની આવી શકે છે. બહેતર છે કે એ અસામાન્ય તકલીફો જોવી ન પડે એ માટે તમારે થોડી ધીરજ રાખવાની છે. ધીરજ જ તમને બેસ્ટ રિઝલ્ટ આપી શકે છે.
ઍબ્નૉર્મલ એવા આ ન્યુ નૉર્મલને સામાન્ય બનાવવાનું ટેન્શન તમારું નથી અને તમારે એ ટેન્શન લેવાની જરૂર પર નથી. ના, જરાય નહીં. વર્લ્ડની બેસ્ટ બ્રૅન્ડના માલિકોને ટેન્શન છે કે જલદી ન્યુ નૉર્મલ થઈ જાય અને નૉર્મલ દિવસો પાછા આવે. દુનિયા પર રાજ કરનારાઓને ટેન્શન છે કે અત્યારે ઘરમાં બેસી ગયેલા લોકોને બહાર કેવી રીતે લાવવા, જેથી તેમનું રાજ અકબંધ થાય. જે તમારા ખિસ્સામાંથી સરળતાથી પૈસા કઢાવી શકે છે તેમનું ધ્યાન તમારા પૈસા પર છે અને એટલે તેઓ પણ હવાતિયાં મારી રહ્યા છે કે જગત સામાન્ય દિશામાં જલદી પસાર થવાનું શરૂ કરે. ઇકૉનૉમીમાં મચેલી ઊથલપાથલ શાંત પડે એ માટે સરકાર ચિંતા કરી રહી છે અને ઈએમઆઇ લેતી એજન્સી કે બૅન્ક પણ ઇચ્છે છે કે એને ચડત ઈએમઆઇ ઝડપથી મળે અને ફટાફટ તેમની રિકવરી થાય. આ પણ થવાનું ક્યારે છે, સામાન્ય સંજોગો આવશે ત્યારે અને એને માટે બૅન્કોએ, ફાઇનૅન્સ એજન્સીઓએ જગતને નૉર્મલ કરવું પડશે સાહેબ. ચિંતા આપણી છે જ નહીં, ચિંતા તમારી છે જ નહીં. ચિંતા આપણે કરવાની છે જ નહીં. ચિંતા એ લોકો કરે છે, કારણ કે તેમને દુનિયા સાથે પનારો પડ્યો છે. આપણે તો પરિવાર સાથે જોડાયેલા છીએ અને આપણે પરિવાર સાથે જોડાયેલા જ રહેવાનું છે. બીજા કોઈની ચિંતા કરવાની આવશ્યકતા નથી અને માટે જ પરિવારને સાચવીને અત્યારના સમયે બેસી રહો. બહાર જવાનું નથી, બહારથી કોઈ આવે તો અંદર આવવા દેવાનું નથી. એક વખત આ ઍબ્નૉર્મલ પૂરું થાય એટલે સામાન્ય સંજોગો આવવાના જ છે અને આ સામાન્ય સંજોગો, એ લઈ આવશે જેણે આ જગત પાસે પોતાનું કામ કરાવવું છે.

manoj joshi columnists