કોરોનાકાળ : તમે સુખી છો એનો આનંદ અત્યારે સૌથી મોટું સુખ છે

27 July, 2020 07:09 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોનાકાળ : તમે સુખી છો એનો આનંદ અત્યારે સૌથી મોટું સુખ છે

પ્રતીકાત્મક તસવીર

દુનિયા મેં કિતના ગમ હૈ,
મેરા ગમ કિતના કમ હૈ...
બહુ પૉપ્યુલર એવું આ ગીત અત્યારે સતત મનમાં ચાલી રહ્યું છે. આજકાલ હૉસ્પિટલ વિશે સૌથી વધારે સાંભળવા મળી રહ્યું છે. આ હૉસ્પિટલમાં છે અને પેલો હૉસ્પિટલમાં છે. આને ક્વૉરન્ટીન કર્યો અને ફલાણાને વૅન્ટિલેટર પર રાખ્યા. બહુ સુખી છીએ આપણે. બહુ સુખી છે તે કે જેના કોઈ સ્નેહીજનને હૉસ્પિટલમાં જવાનું નથી બન્યું. ખાસ કરીને આ કોરોનાકાળમાં. પીડાદાયી વાતાવરણ છે અત્યારનું આ. જે સમયે હૉસ્પિટલમાં જવાનું બને અને એ પણ તમારા અંગત વ્યક્તિને કોરોનાને કારણે હૉસ્પિટલમાં જવાનું બને ત્યારે સ્વાભાવિક રીતે તમને તમારા તે આપ્તજનની ફિકર વધારે હોય. થોડી દોડધામ અને થોડી ઇમર્જન્સી વચ્ચે બધી ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય અને તબિયત કાબૂમાં આવવા માંડે એ પછી તમે થોડા સ્વસ્થ થાવ અને સ્વસ્થ થયા પછી તમે હૉસ્પિટલમાં નજર કરવાનું શરૂ કરો કે તરત જ તમારી અંદરનો માણસ અસ્વસ્થ થવાનો શરૂ થઈ જતો હોય છે.
આજુબાજુમાં જે કોઈ ઍડ્મિટ થયું છે તેનાં સગાંવહાલાં અને તેમની પીડા. એકધારા આંખમાંથી વહેતાં આંસુ, એ આંસુઓની વચ્ચે ડૉક્ટરને કરવામાં આવતી કાકલૂદી અને એ કાકલૂદી પછી ભગવાનને કરવામાં આવતી પ્રાર્થના. જગતઆખામાં જો કોઈએ પણ સાચા દિલની પ્રાર્થના સાંભળી હોય તો એ હૉસ્પિટલની દીવાલોએ સાંભળી હશે. કોઈ સ્વાર્થ નહીં અને સર્વસ્વ છોડવાની, ઈશ્વરને બધું આપી દેવાની તૈયારી સાથેની એ પ્રાર્થના હોય છે. માંગ હોય તો માત્ર એક જ કે અમારી વ્યક્તિને બચાવી લે. તેને ફરી એવી કરી દે જેવી તે પહેલાં હતી. હૉસ્પિટલના માહોલમાં રહેવાનું બને ત્યારે ખબર પડે કે બહારનાં જે કોઈ દુઃખોને તમે અનુભવો છે એની આ બધી તકલીફો સામે કોઈ વિસાત નથી.
દુનિયા મેં કિતના ગમ હૈ,
મેરા ગમ કિતના કમ હૈ.
તમને અચાનક જ અનુભવ થાય કે થોડી વાર પહેલાં તમે તમારી જાતને જગતના સૌથી દુખી માનતા હતા, પણ એ ખોટી વાત છે. દુનિયામાં સૌથી સુખી જો કોઈ હોય તો એ તમે જ છો. હૉસ્પિટલનું બિલ કેવી રીતે ચૂકવશો એની તમને ચિંતા નથી. ઇન્શ્યૉરન્સ છે, બૅન્ક-બૅલૅન્સ છે અને એ પછી પણ જો જરૂર પડે તો એવા સંપર્ક પણ છે કે જે ઉઘાડા પગે અને કાળી રાતે પણ આવીને તમારી સામે પોતાનું બૅન્ક-બૅલૅન્સ ખુલ્લું મૂકી દે, પણ એવા પણ અનેક લોકો છે જે હૉસ્પિટલની કૅન્ટીનમાંથી જમવાનું ટાળે છે, કારણ કે એ પૈસા તેમને પોસાતા નથી. બહાર લારી પર જઈને, ૨૦ રૂપિયામાં વડાપાંઉ ખાઈને તે ફરીથી પોતાના વહાલસોયા દીકરાની કે માની સેવામાં લાગી જાય છે. જાણે કે કોઈ ફિકર ન હોય, જાણે કે ભૂખ સહેજે લાગી ન હોય, જાણે કે કોઈ તકલીફ પડતી ન હોય. આજના આ કોરોનાકાળમાં પ્રાઇવેટ હૉસ્પિટલ માટે પણ ઘસાતું અને હીન સ્તરનું બોલાતું હોય તો જરા વિચારો કે જે પ્રાઇવેટ હૉસ્પિટલમાં જઈ નથી શકતા તેમની પરિસ્થિતિ કેવી હશે, જરા કલ્પના કરો કે જે ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં એ કેવી રીતે રહેતા હશે, તેના આપ્તજનો કેવી અવસ્થામાં હશે. કલ્પના પણ ટૂંકી પડે એવી એ પરિસ્થિતિ હશે.
હરિ ઓમ.ઈશ્વર ક્યારેય કોઈને બીમાર ન પાડે. બસ, એ એક જ પ્રાર્થના.

manoj joshi columnists