હકારાત્મકતા એક ઉપાય- કોરોના સામે જંગ જીતવો હોય તો સમજી લો આ ગુરુમંત્ર

27 May, 2020 09:26 PM IST  |  Mumbai | Manoj Joshi

હકારાત્મકતા એક ઉપાય- કોરોના સામે જંગ જીતવો હોય તો સમજી લો આ ગુરુમંત્ર

પ્રતીકાત્મક તસવીર

હકારાત્મકતા એક ઉપાય ઃ કોરોના સામે જંગ જીતવો હોય તો સમજી લો આ ગુરુમંત્ર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આમ પણ હકારાત્મકતા એક એવો ઉપાય છે જે માત્ર કોરોના સામે જ નહીં, દુનિયાની કોઈ પણ તકલીફ, મુશ્કેલી સામે જબદરસ્ત મોટો ઉપાય છે; પણ અત્યારે વાત કરીએ છીએ કોરોનાની એટલે કોરોના અને પૉઝિટિવિટીને સાથે જોઈએ.
કોરોના સામે લડવાનો જો કોઈ બેસ્ટ રસ્તો હોય તો એ છે હકારાત્મકતા. એક નહીં, બે-ચાર પણ નહીં; હજારો લોકો કહી ચૂક્યા છે કે કોરોના સામે ટકી રહેવું હોય તો મનમાં જરા પણ નકારાત્મકતા રાખવી નહીં અને કોરોનાને જીવલેણ માનવો નહીં. કોરોના જ નહીં, તમામ બીમારી જીવલેણ છે. જો તમે સંભાળ ન રાખો તો કે પછી જો તમે મનથી એ વાઇરસ સામે ઘૂંટણિયે પડી જવાના હો તો. સામાન્યમાં સામાન્ય ફ્લુમાં પણ લોકોએ જીવ ગુમાવ્યાના દાખલાઓ છે જ અને મલેરિયા જેવી નૉર્મલ લાગતી બીમારી પણ જીવ લઈ ગઈ હોય એવું બન્યું છે. કોરોના પણ એવો જ એક વાઇરસ છે અને એની સામે પણ એવી જ રીતે લડવાનું છે જે રીતે અગાઉના અને અત્યારના બીજા વાઇરસ સામે તમે લડ્યા છો, પણ આ લડતમાં મનમાં, હૈયામાં સહેજ પણ નકારાત્મકતા લાવવાની નથી.
નકારાત્મકતાની એક ચોક્કસ અસર છે અને એ અસર શરીર પર થતી હોય છે. જો મન નકારાત્મકતાથી ભરેલું હશે તો ઇમ્યુનિટી પાવરમાં ઘટાડો થાય છે અને એની સામે ઇમ્યુનિટી પાવર ઓછો હશે, પણ મનમાં હકારાત્મકતા હશે તો પણ કોરોના તમારું બગાડી શકશે નહીં. કોરોના સામે જેકોઈ જંગ લડ્યું છે, જે કોઈ એ બીમારી સામે ઝઝૂમીને બહાર આવ્યું છે એ બધામાં એક વાત સામાન્ય જોવા મળી છે, હકારાત્મકતા. પૉઝિટિવિટીને કોરોના હરાવી નથી શક્યું એ પુરવાર થયું છે અને કોરોના જ શું કામ, પૉઝિટિવિટીને કૅન્સર અને એઇડ્સ જેવી બીમારી પણ કશું કરી નથી શકી. કોરોનાથી ફાટી નહીં પડો, કોરોનાથી ડરો નહીં અને કોરોનાનો ભય મનમાં નહીં રાખો. બહુ સામાન્ય કહેવાય એવો એનો સ્વભાવ છે. બહુ સામાન્ય કહેવાય એવાં એનાં લક્ષણ છે. શ્વસનપ્રક્રિયામાં તકલીફ થાય છે અને પેશન્ટને વૅન્ટિલેટર પર રાખવો પડે છે એવી જે વાતો થઈ છે એ વાતો માત્ર સાંભળીને ડરવાને બદલે એ વિચારવાની જરૂર છે કે એવી નોબત ક્યારે અને કેવા સંજોગોમાં આવી છે. સામાન્ય તાવ સાથે પણ જો તબિયત ખરાબ થાય અને સિરિયસ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એમાં પણ આઇસીયુની જરૂરિયાત પડે જ છે એટલે એવું માનવાની બિલકુલ જરૂર નથી કે કોરોનાનું ઇન્ફેક્શન લાગે એટલે તરત જ આઇસીયુમાં જવું પડે. ના, જરા પણ નહીં અને મનમાં આવી નકારાત્મકતા લાવતા પણ નહીં. મન જો નકારાત્મક બન્યું તો એ ક્યાંક ને ક્યાંક શરીર પર એવી અસર કરશે કે તમારું શરીર કોરોનાને પગ પહોળા કરવાની તક પૂરી પાડી દેશે.
હકારાત્મકતા જીવનમાં આવશ્યક છે અને ખરાબ સમયે તો ખાસ. હકારાત્મકતાને અકબંધ રાખો અને હકારાત્મકતાની સાથે જીવન જીવો. કોરોના તમારું કશું બગાડી શકવાનું નથી અને કોરોના તમારો વાળ પણ વાંકો કરી શકવાનું નથી. કોરોના સામે જીતવા માટે પૉઝિટિવિટીની માત્ર આવશ્યકતા જ નથી. યાદ રહે, પૉઝિટિવિટી શ્રેષ્ઠ ઉપચાર પણ છે.

manoj joshi columnists