ગુલાબો સિતાબો- એક નવા અધ્યાયની શરૂઆત થશે અને એ પણ મહાનાયકના શુભ હસ્તે

20 May, 2020 11:06 PM IST  |  Mumbai | Manoj Joshi

ગુલાબો સિતાબો- એક નવા અધ્યાયની શરૂઆત થશે અને એ પણ મહાનાયકના શુભ હસ્તે

કોરોનાએ સાચા અર્થમાં ઇન્ડસ્ટ્રીને બદલવાનું શરૂ કરી દીધું છે


આમ તો જગજાહેર છે કે ‘ગુલાબો સિતાબો’ હવે ઍમેઝૉન પર વર્લ્ડ પ્રીમિયર કરવાની છે. તારીખ પણ આવી ગઈ. ‘ગુલાબો સિતાબો’ના બીજા જ દિવસે વાત આવી ગઈ ‘શકુંતલાદેવી’ની અનાઉન્સમેન્ટની. વધુ એક વખત ઍમેઝૉન અને વધુ એક વાર ડાયરેક્ટ વર્લ્ડ પ્રીમિયર. કોરોનાએ ફિલ્મી દુનિયાને બદલવાનું શરૂ કરી દીધું અને એ પણ ઑથેન્ટિક રીતે. આ બાબતમાં ઑલમોસ્ટ એક વીક પછી વાત કરવાનું મુખ્ય કારણ એક માત્ર એટલું કે વિવાદ થશે એ સ્વાભાવિક રીતે દેખાઈ રહ્યું હતું અને નારાજગી આવી પણ ગઈ સામે. થિયેટર્સ ઓનર્સ અને મલ્ટિપ્લૅક્સ કંપનીઓનો વિરોધ સામે આવવા માંડ્યો છે અને એ વિરોધમાં ક્યાંક અને ક્યાંક દરેકનું હિત પણ જોવાની કોશિશ થઈ છે. એ હિતની કે પછી એ વિરોધની વાત અત્યારે બાજુ પર મૂકીને આપણે વાત કરીએ કોરોના દ્વારા જે ચેન્જ લાવવાનું શરૂ થયું છે એની.
કોરોનાએ સાચા અર્થમાં ઇન્ડસ્ટ્રીને બદલવાનું શરૂ કરી દીધું છે. હવે જ્યારે લૉકડાઉન ખૂલશે ત્યારે અનેક બાબતોમાં પહેલાં મનોમંથન થશે અને એ મનોમંથન પછી ઘણા નવા ફેરફારો પણ જોવા મળશે. ડિજિટલ પ્લૅટફૉર્મને આ લૉકડાઉનનો બહુ મોટો લાભ થશે, પણ એ લાભને કઈ રીતે લેવો એ વાત દરેક પ્લૅટફૉર્મના સંચાલકોએ સમજવી પડશે. જે ડિજિટલ પ્લૅટફૉર્મ આજ સુધી બેફામ ઍડલ્ટ કૉન્ટેન્ટ આપી રહ્યું હતું એ જ પ્લૅટફૉર્મને આ લૉકડાઉનના પીરિયડમાં પરિવારના સભ્યો યાદ આવી ગયા. આચારસંહિતા વિનાનું કૉન્ટેન્ટ અપલૉડ કરવાનું પાપ એમણે પણ ભોગવવું પડ્યું અને બધાએ એકસાથે ફૅમિલી કૉન્ટેન્ટ માટે જવાનો વારો પણ આવી ગયો. તમે જુઓ, તમામ પ્લૅટફૉર્મ પર એવી પરિસ્થિતિ નિર્મિત થઈ કે પારકા પાસે જઈને પણ બાળકો માટેનાં અને ફૅમિલી માટેનાં કૉન્ટેન્ટ માગવા પડ્યાં.
‘ગુલાબો સિતાબો’ એક સારી શરૂઆત છે એવું હું કહીશ. ‘ગુલાબો સિતાબો’થી સૌકોઈ વચ્ચે એવું પ્રસ્થાપિત થશે કે ડિજિટલ પ્લૅટફૉર્મ હવે માત્ર યંગસ્ટર્સ પૂરતું સીમિત નથી રહેવાનું. હવે એ ફૅમિલી પ્લૅટફૉર્મ બનશે. જરૂરી હતું આ સ્ટૅપ. ડિજિટલ પ્લૅટફૉર્મ પર જો ઍડલ્ટ સાહિત્ય જ આવશે તો એ સાહિત્ય પરિવારને બગાડવાનું કામ કરશે અને આ સાહિત્યને લીધે પરિવાર બગડે એ કોઈ હિસાબે ન પોસાશે. બગડતું બીજ વૃક્ષ ઊભું થયા પછી જ એનું પરિણામ દેખાડવાનું કામ કરતું હોય છે. બીજ બગડશે, સંસ્કાર ખોટાં મળશે અને એ ખોટાં સંસ્કારની અસર લાંબા સમયે જ દેખાશે, વિપરીત સંજોગોમાં જ દેખાશે. જે સમયે સમય બદલાશે એ સમયે તમને ખબર પડશે કે ખોટાં સંસ્કારનું સિંચન થઈ ગયું, પણ એ સુધારવાનો સમય નહીં રહે અને સુધારવાનો સમય નહીં રહે ત્યારે અફસોસ કરવા સિવાય કોઈ આરો નહીં વધે. ‘ગુલાબો સિતાબો’થી એક નવો અધ્યાય શરૂ થવાનો છે અને આ અધ્યાયની શરૂઆત પણ મહાનાયકથી થઈ રહી છે. ઉત્તમ છે, શ્રેષ્ઠ છે અને બેસ્ટ છે. શુભ શરૂઆત થવી જોઈએ અને આ શરૂઆતનો અધ્યાય હવે લંબાય એવી શક્યતા છે. કોરોનાએ ચેન્જ આપવાની શરૂઆત કરી દીધી છે અને આ ચેન્જ એ જ નવું જીવન છે. આ નવા જીવનને આવકારી શકશો તો જ તમે આગળની જિંદગીને જીવી શકવાના છો, ખુશી સાથે જીવી શકશો અને શ્રેષ્ઠત્તમ જીવી શકશો.

manoj joshi columnists