કિરણકુમાર અને કોરોના- મહામારીથી ડરવાની જરૂર નથી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

28 May, 2020 11:52 AM IST  |  Mumbai | Manoj Joshi

કિરણકુમાર અને કોરોના- મહામારીથી ડરવાની જરૂર નથી એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

હવે અભિનેતા કિરણ કુમારની તબિયત સારી છે, તે સાજા થઇ ગયા છે.

બે દિવસ પહેલાં ગુજરાતી ઍક્ટર કિરણકુમાર હવે કોરોનાગ્રસ્ત છે, પણ આ વાતનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ જો કોઈ હોય તો એ કે કિરણકુમારને કોરોનાનું એક પણ લક્ષણ નથી. મહામારીથી ડરવાનું નથી અને એનાથી જરાપણ વિચલિત થવાનું નથી એનું ઉત્કૃષ્ટ ઉદાહારણ કિરણકુમાર અને તેમની સહજતા છે. એક પણ ગુજરાતી એવો નહીં હોય જે કિરણકુમારને ઓળખતો ન હોય. જનરેશન કોઈ પણ હોય, કિરણકુમાર સૌકોઈ માટે જાણીતા છે. ૭૦થી ૮૦ના દશકમાં તેમણે અઢળક ગુજરાતી ફિલ્મો કરી અને ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળને જાળવી રાખવાનો એકલે હાથે તેમણે પ્રયાસ કર્યો. ઉપેન્દ્ર ત્રિવેદીના સમયથી જ ઑલમોસ્ટ શરૂ થયેલા કિરણકુમાર-કાળને કોઈ ભૂલી શકે એમ નથી એવું કહેવામાં જરાપણ અતિશયોક્તિ નહીં કહેવાય. કિરણકુમારે એ પછી હિન્દી ફિલ્મો તરફ નજર દોડાવી અને તેમણે પોતાની આ સેકન્ડ ઇનિંગમાં હિન્દી ફિલ્મો પર રીતસરની પોતાની છાપ છોડી. એ પછી આવી થર્ડ ઇનિંગ ટીવી-સિરિયલ. કિરણકુમારે ત્યાં પણ બેસ્ટ કામ કર્યું અને આજે પણ તેમની એ ઇનિંગ ચાલુ છે. હિન્દી ફિલ્મોના પણ અનેક પ્રોજેક્ટ સાથે તે જોડાયેલા છે.
લોકો જે સમયે ઘરમાં શાંતિથી બેસી જવાનું પસંદ કરે એ ઉંમરે કિરણકુમાર ઍક્ટિવ છે અને એ જ દેખાડે છે કે તે જીવન પ્રત્યે પૉઝિટિવ છે. આ જે પૉઝિટિવિટી છે એ અદ્ભુત છે અને એ જ પૉઝિટિવિટીના કારણે કોરોના જેવા વાઇરસ પણ તેમનું કશું બગાડી શક્યા નથી. અત્યારે, આ સમયે પણ તેમને કોરોનાનાં કોઈ લક્ષણ નથી દેખાઈ રહ્યાં, રિપોર્ટ પૉઝિટિવ આવ્યા પછી પણ. આ બહુ મહત્ત્વની વાત છે. આ જ વાત દર્શાવે છે કે કિરણકુમાર જેવી હકારાત્મકતા મનમાં હશે તો તમને કશું નડવાનું નથી અને કોરોના તમારું કશું બગાડી શકવાનો નથી. કોરોનાની બીક રાખવાની છે, પણ એનાથી ડરી નથી જવાનું એ વાત તમને બે દિવસ પહેલાંના ‘મિડ-ડે’માં આવેલા નીતિન ભાનુશાળીના રિપોર્ટ પરથી પણ ખબર પડશે અને આ જ વાત કિરણકુમાર પણ સમજાવી રહ્યા છે. ઘરે જ છે અને એકદમ હેલ્ધી રીતે જીવી રહ્યા છે.
જરૂરી કહેવાય એવા તમામ પગલાંઓ લેવાનાં જ છે, પણ હવે કોરોના પૉઝિટિવ આવ્યો એટલે લાઇફ પર પ્રશ્નાર્થ મુકાશે એવી વાતો દૂર-દૂર સુધી ક્યાંય દેખાય નથી રહી અને દેખાવાની પણ નથી. યાદ રાખજો. હજી હમણાં જ કહ્યું હતું કે ધ્યાન ન રાખો તો માથાનો દુખાવો પણ તમને ચિંતાજનક અવસ્થામાં મૂકી શકે અને સામાન્ય તાવ પણ તમને આઇસીયુમાં ધકેલી દે. ધ્યાન ન રાખો તો. ધ્યાન રાખવાનું જ છે અને ધ્યાન રાખવામાં કશું ખોટું પણ નથી, પરંતુ કોરોના એટલે પૂર્ણવિરામ એવું તો બિલકુલ વિચારવાની જરૂર નથી. આંખ સામે છે કિસ્સાઓ. ગુજરાતમાં તો ૯૨ વર્ષના વડિલ પણ કોરોનાની સારવાર પછી તંદુરસ્તી સાથે પાછા આવ્યા છે તો ૭૦ અને ૮૦ વર્ષના વડિલોના તો ઢગલા છે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના બીજા હિસ્સામાં પણ આ પ્રકારના સકારાત્મક કિસ્સાઓ છે જે કોરોના ફુલસ્ટૉપ નથી એની ગવાહી આપે છે અને હકારાત્મકતા ફેલાવતાં કહે પણ છે, બી પૉઝિટિવ. ભલે પછી કોરોના પૉઝિટિવ હોય.
તમારું એ જંતુ કશું બગાડી શકવાનું નથી, જ્યાં સુધી તમે એને તમારા પર હાવી નહીં થવા દો.

manoj joshi columnists