વાત, સમર વેકેશનની : બાય ધ વે, આ વેકેશનમાં તમે કેટલા દેશના સ્ટૅમ્પ મરાવવાના છો?

21 March, 2023 04:57 PM IST  |  Mumbai | Manoj Joshi

હવે લોકો ૧૨ દિવસમાં ૩ કન્ટ્રી ફરીને આવી જાય અને ૧૫ દિવસમાં તો ૬ કન્ટ્રી ફેરવીને પાછા લઈ આવવાના ટૂર-પ્લાન પણ દેખાડવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે )

વેકેશન આવે અને એમાં પણ ઉનાળુ વેકેશન આવે ત્યારે ફરવા જવાનો પ્લાન બનવા જ માંડ્યો હોય. ખાસ કરીને ગુજરાતીઓને આ વાત વધારે અસરકારક રીતે લાગુ પડે છે. પહેલાં એક સમય હતો કે વેકેશન પડવાના દિવસો આવે અને મામા કે માસીના ઘરેથી ફોન આવી જ જાય, ફઈબાના ઘરેથી પણ ફોન આવી જાય કે ક્યારે મોકલો છો છોકરાઓને રોકાવા? એ ફોન પછી તરત જ પ્લાનિંગ શરૂ થવા માંડે અને જો તેમને ત્યાંથી કોઈ આવવાનું હોય તો પહેલાં એ લોકો આવી જાય એનો વિચાર કરીને આખો પ્લાન બને, પણ હવે, હવે એવું રહ્યું નથી. હવે મામાને ત્યાં જવાનો ક્રેઝ ઓછો થઈ ગયો હોય એવું લાગે છે.

હવે ફરવાનો ક્રેઝ છે, પણ ફરવાના આ ક્રેઝમાં ફરવા કે પછી નવી જગ્યા જોવાનો ઉત્સાહ નથી રહ્યો, પણ જાણે હાથતાળી આપીને નીકળી જવું હોય એવું દેખાય છે. એક સમય હતો કે એક જગ્યાએ જઈને એ જગ્યા એવી રીતે જોવામાં આવતી જાણે ત્રણ દિવસ પછી તો ત્યાંના રસ્તા આપણને મોઢે થવા માંડે. હવે લોકો ૧૨ દિવસમાં ૩ કન્ટ્રી ફરીને આવી જાય અને ૧૫ દિવસમાં તો ૬ કન્ટ્રી ફેરવીને પાછા લઈ આવવાના ટૂર-પ્લાન પણ દેખાડવામાં આવે છે. આને ફરવા જવું ન કહેવાય, આને અલગ-અલગ દેશના વિઝાનો સ્ટૅમ્પ મરાવવા ગયા કહેવાય. ગુજરાતીઓને માત્ર અને માત્ર સ્ટૅમ્પ મરાવવા હોય છે એવું કહેવું જરાય અતિશયોક્તિ ન ગણાય, કારણ કે આપણે દેખાદેખીમાં માનીએ છીએ, આપણે આંકડા ગણવામાં માનીએ છીએ. ચાર કન્ટ્રી ફર્યા, છ કન્ટ્રી ફર્યા એવું કહેવાની આપણને મજા આવે છે, આપણે ગર્વનો અનુભવ કરીએ છીએ અને આપણને એમાં આપણું ઐશ્વર્ય ઝળકતું દેખાય છે.

આ પણ વાંચો: હૅન્ડલ વિથ કૅર : તમારી હયાતી અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે એ સહેજ પણ ભૂલતા નહીં

આપણે ફરવાનો શોખ નથી ધરાવતા, પણ આપણે ફરવાના નામે મોટાઈ દેખાડવાનો શોખ ધરાવીએ છીએ. મોટાં શહેરોનાં નામો બોલવાની આપણને આદત છે અને આપણી એ આદતને લીધે જ આપણે આપબડાઈ હાંકવાનું કામ કરવા અને એમાં બીજું કોઈ પહોંચી ન શકે એનું ધ્યાન રાખવા જ ફરવા જઈએ છીએ. ફરવા જનારાઓમાંથી ૫૦ ટકા લોકો એવા હોય છે જેણે પોતાનું શહેર અને પોતાના શહેરની ૭૦ ટકા જેટલી જોવા જેવી જગ્યા જોઈ નથી હોતી. ફરવા જવું, વેકેશનમાં સમયનો સદુપયોગ કરવો અને ફરવા જવાનો આનંદ લેવો એ ખરેખર તો મનને પ્રફુલ્લિત કરવાની અને તનને શાંતિ આપવાની પ્રક્રિયા છે, પણ મુંબઈકરને આ વાત સમજાતી નથી. 

ચાર દિવસમાં પાંચ શહેર ફરીને આવનારા મુંબઈકર ફરવા માટે નીકળે ત્યારે જાણે લૂંટવા માટે નીકળ્યા હોય એ પ્રકારે નીકળતા હોય છે અને પછી પાછા આવ્યા પછી આંગળીના વેઢે માત્ર નામો ગણાવતા હોય છે કે ક્યાં-ક્યાં ફરી આવ્યા અને ક્યાં-ક્યાં જઈ આવ્યા. ફરવું એ એક આહ્‍લાદકતાનો અનુભવ છે. બે જગ્યા ઓછી જોવાશે તો ચાલશે, પણ જે જગ્યા જોવાની છે અને માત્ર આંખોથી જ નહીં, દિલથી જુઓ, મનથી પણ અનુભવો.

columnists manoj joshi