બકવાસની ચરમસીમા અને પરાકાષ્ઠા : હું ગાંધી છું અને ગાંધી ક્યારેય માફી ન માગે

28 March, 2023 02:51 PM IST  |  Mumbai | Manoj Joshi

આ મહાત્મા ગાંધીના સિદ્ધાંતો તમે એક વખત જાણો તો તમને ખબર પડે કે તેઓ ક્યાંય કોઈનું અપમાન કરવાનું સૂચવતા નહોતા અને ધારો એ કે થયું પણ હોય તો માફી માગવામાં સહેજ પણ સંકોચ નહોતા રાખતા.

રાહુલ ગાંધી ફાઇલ તસવીર

સુરતના કેસના ચુકાદા અને લોકસભાના સભ્યપદેથી બરખાસ્ત થયા પછી રાહુલ ગાંધીએ પ્રેસ-કૉન્ફરન્સમાં આ સંદર્ભનું સ્ટેટમેન્ટ કર્યું છે. વાત આગળ વધારતાં પહેલાં કહી દઉં કે આ પ્રકારનું સ્ટેટમેન્ટ કર્યું છે. એક્ઝૅક્ટ તેમના શબ્દો આ ન હોય એવું બની શકે, પણ એનો સંદર્ભ તો આ જ હતો કે હું ગાંધી છું અને ગાંધી ક્યારેય માફી ન માગે.

સુરતના કેસમાં આવેલા ચુકાદા વિશે આપણે કોઈ વાત નથી કરવી કે નથી આપણે લોકસભાના સભ્યપદ ગુમાવવા વિશે વાત કરવી. આપણે તો વાત કરવાની છે પેલા મહાત્મા ગાંધીને ઇનડિરેક્ટ ટાંકીને કરવામાં આવેલા વાણીવિલાસની. સાહેબ, જે મહાત્મા ગાંધીને તમે ક્વોટ-અનક્વોટ ટાંકી રહ્યા છો એ આ દેશ, આ રાષ્ટ્રના પિતા છે અને ભારત સરકારે, રાધર કહો કે કૉન્ગ્રેસ સરકારે જ તેમને ભારતના રાષ્ટ્રપિતા જાહેર કર્યા છે. આ મહાત્મા ગાંધીના સિદ્ધાંતો તમે એક વખત જાણો તો તમને ખબર પડે કે તેઓ ક્યાંય કોઈનું અપમાન કરવાનું સૂચવતા નહોતા અને ધારો એ કે થયું પણ હોય તો માફી માગવામાં સહેજ પણ સંકોચ નહોતા રાખતા. ગાંધીજીની માફીની વ્યાખ્યા બહુ વિશાળ છે. કજિયા કરતાં તેઓ માફીને પ્રાધાન્ય આપતા અને આજે જગતભરના સાયકોલૉજિસ્ટ એ જ દિશામાં આગળ વધવાનું કહે છે.

આ પણ વાંચો: ટોચ પર પહોંચવું અઘરું નહીં, પણ એ સ્થાન પર ટકવું અઘરું અને કપરું છે

માફી માગીને મહાન બનવાની પ્રક્રિયા બહુ સહજ છે અને આ સહજ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ભાર નથી લાગતો. મહાત્મા ગાંધીને આડકતરી રીતે કે પછી સ્પષ્ટતા કર્યા વિના ટાંકીને રાહુલ ગાંધીએ જંગનું એલાન કરતા હોય એ પ્રકારનું નિવેદન તો કરી દીધું, પણ એ નિવેદનમાં વધુ એક વખત તુમાખી અને ક્યાંક ને ક્યાંક અહંકાર વધારે ટપકતો જોવા મળે છે. કબૂલ કે અત્યારે તેમની મનોદશા એ સ્તરની હોઈ શકે અને હોય પણ શું કામ નહીં. સુરતમાં થયેલા કેસનો ચુકાદો તેમણે ધાર્યો હતો એના કરતાં સાવ વિપરીત આવ્યો અને વિપરીત આવેલા એ ચુકાદાએ પુરવાર કર્યું કે આ દેશમાં નાના-મોટા કોઈને તેના કદ અને વર્ચસ્વના આધારે જોવામાં નથી આવતા, પણ તેમણે કરેલી ભૂલના આધાર પર જ મૂલ્યાંકન કરવામાં આવે છે.

રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ જવું એ પણ તેમને ડિસ્ટર્બ કરે એવી જ પ્રક્રિયા છે. આવી અવસ્થામાં માણસે વધારે સભાન થવાની અને વિપશ્યના જેવી શિબિરમાં જઈને જાતને શોધવાની કોશિશ કરવી જોઈએ, જે ખરેખર દેશ માટે પણ હિતાવહ છે. જાત સાથે સંતુલન કેળવવાનું કાર્ય કરતી વિપશ્યના જેવી અનેક શિબિર આપણા વડા પ્રધાન કરી ચૂક્યા છે અને એટલે જ તેઓ ક્યાંય રઘવાટ નથી દેખાડતા. રઘવાટ તેમનામાં આવતો જ નથી, કારણ કે રઘવાટ શબ્દ જ તેમની ડિક્શનરી અને જીવન-યાત્રામાં રહ્યો નથી. રાહુલ ગાંધીએ ખરેખર આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે, કારણ કે તેઓ જે ગાંધીની વાત કરે છે એ અમારા ગાંધી તો આ પ્રકારના નહોતા જ નહોતા. તેઓ તો માફી માગીને મહાન બનવાની માનસિકતા ધરાવતા હતા અને એટલે જ આજે પણ અમારે માટે આદરણીય સ્થાન પર બિરાજમાન છે. હા, ઇન્દિરા ગાંધીના નામની પાછળ લાગતા ગાંધીની વાત તેમણે કરી હોય તો એ તેઓ જાણે.

columnists manoj joshi