માત્ર ઈશ્વરકૃપા : જેમ તમે ખુશ્બૂ અનુભવી શકો, વર્ણવી ન શકો એવું જ પ્રમુખસ્વામીનગરનું છે

25 January, 2023 02:08 PM IST  |  Mumbai | Manoj Joshi

બ્રહ્મવિહારી સ્વામી અને જ્ઞાનવત્સલ સ્વામીને મળવાનો મોકો મળ્યો અને તેમની સાથે સંવાદનું સાંનિધ્ય પણ પ્રાપ્ત થયું

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ (ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ) સૌજન્ય મિડ-ડે

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ થઈ એ સમયે અનેક એવા લોકો હતા જેમની આંખોમાંથી ચોધાર આંસુ નીકળતાં હતાં. અનેક લોકો એવા હતા જેમને એ સ્થળ છોડીને જવું નહોતું તો અનેક એવા લોકો પણ હતા જેમના મનમાં વૈરાગ્યભાવ ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે. આ બધાની પાછળ હું તો કહીશ કે માત્ર અને માત્ર પ્રમુખસ્વામી મહારાજની અસીમ કૃપા છે. મહોત્સવ માત્ર આનંદ-પ્રમોદ પૂરતો સીમિત રહે એને બદલે આ આખા મહોત્સવને જે રીતે સંપ્રદાયે લોકસેવાના ભાવનો આકાર આપ્યો એ ખરેખર અદ્ભુત વાત હતી. સવા કરોડ લોકોએ મહોત્સવની મુલાકાત લીધી અને એ મુલાકાત દરમ્યાન આવેલા આ મુલાકાતીઓમાંથી લાખો લોકોએ બ્લડ-ડોનેશન કર્યું. સ્વામીનારાયણ સંપ્રદાયની સૌથી સમાજોપયોગી વાતો પૈકીની એક છે વ્યસનમુક્તિ.

વ્યસનમુક્તિ અભિયાન આ મહોત્સવ દરમ્યાન પણ ચાલુ રહ્યું અને લાખો લોકોએ પોતાનાં દશકાઓ જૂનાં વ્યસન પ્રમુખસ્વામીના જન્મ શતાબ્દી મહોત્સવમાં છોડ્યાં, તો મહિલા અને બાળ ટૅલન્ટ રજૂ કરતા અઢળક શો થયા અને લાઇટ-ઍન્ડ-સાઉન્ડના પણ ૧૦૦થી વધારે શો થયા, જેનો લાભ કરોડો લોકોએ લીધો. આ આંકડાકીય માહિતી હજી પણ લાંબી થાય જો તમે એને વિસ્તારપૂર્વક લખવાની જહેમત ઉઠાવો; પણ સાહેબ, એ બધામાં પડવું નથી, કારણ કે જ્યાં આસ્થાનો સાથ હોય છે ત્યાં શ્રદ્ધા બેસુમાર હોય છે અને આ જ શ્રદ્ધાએ આર્કિટેક્ટથી માંડીને ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જેવા અઢળક લોકોને સ્વયંસેવક બનાવવાનું કામ કર્યું અને એ લોકોએ સહજ રીતે પોતાનું બધું કામ છોડીને આ પ્રમુખસ્વામીનગરના રોજબરોજના વહીવટને સુગમ બનાવ્યો તો અનેક લોકો એવા પણ હતા જેમણે લાંબા સમયથી બધું છોડીને અહીંની તૈયારીમાં જોડાવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો :  બસ એક સ્માઇલઃ અજાણ્યા સામે સસ્નેહ સ્માઇલ કરવામાં આપણને થતો ખચકાટ શું સૂચવે છે?

બ્રહ્મવિહારી સ્વામી અને જ્ઞાનવત્સલ સ્વામીને મળવાનો મોકો મળ્યો અને તેમની સાથે સંવાદનું સાંનિધ્ય પણ પ્રાપ્ત થયું. એ જ દિવસે આ જ સ્થળે એક કૉન્ક્લેવ પણ કરવામાં આવી હતી, જેમાં ગુજરાતનું ટૂરિઝમ મુખ્ય મુદ્દો હતો. મહત્ત્વના અને સર્વોચ્ચ કહેવાય એવા અનેક મહાનુભાવોએ એમાં ભાગ લીધો હતો. અધિકારીઓ પણ હતા અને એ અધિકારીઓ સાથે સ્વામી-ભગવંતો પણ હતા. કેવું કહેવાય, તમે ધર્મની સાથોસાથ તમારા રાજ્યને, તમારા રાષ્ટ્રને પણ સુદૃઢ બનાવવાના પ્રયાસ કરો. 

ખરેખર આ ધન્યતાની એ ચરમસીમા છે જેનો માત્ર સાક્ષાત્કાર જ થઈ શકે. એ કહેવા કે વર્ણવવા માટે તમારી પાસે શબ્દો નથી હોતા. એવી જ રીતે જેમ તમે ખુશ્બૂનો આનંદ વર્ણવી નથી શકતા. ખુશ્બૂને તમારે અંદર જ ભરવાની હોય છે. એ જે અનુભવ છે, એ જે અનુભૂતિ છે એ જ તમારો આનંદ અને એ જ્યારે પણ તમને યાદ આવે ત્યારે તમારા ચહેરા પર ખે સ્મિત પ્રસરી જાય એ તમારી ખુશી. પ્રમુખસ્વામી મહોત્સવ દરમ્યાન થયેલો આનંદ કંઈક એવો જ છે. આજે પણ એ દિવસ યાદ આવે ત્યારે રીતસર મનમાં ખુશી પ્રસરી જાય છે અને થાય છે કે જેમ મહોત્સવની ઉજવણી પણ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વિના શક્ય નહોતી એવી જ રીતે, ડિટ્ટો એવી જ રીતે, એ મહોત્સવમાં હાજર રહેવાની તક પણ તેમના આશીર્વાદ વિના શક્ય નહોતી. ખરેખર.

columnists manoj joshi