અમાનુષી માનસિકતા : તપાસ કરવામાં આવે કે એ ઘટના ક્યાંની અને કોની નિગરાનીનું પરિણામ?

26 May, 2023 04:46 PM IST  |  Mumbai | Manoj Joshi

જો વિડિયોના મૂળ સુધી પહોંચી શકાયું તો જ આ ઘટનાના મૂળ સુધી પહોંચી શકાશે અને જો ઘટનાના મૂળ સુધી પહોંચી શકાયું તો જ આ ઘટના સાથે સંકળાયેલા આરોપીઓનાં મૂળ સુધી પહોંચી શકાશે અને તેમના સુધી પહોંચવું અત્યંત આવશ્યક છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

આપણે વાત કરીએ છીએ પેલા એક ઘૃણાસ્પદ વિડિયોની. એ વિડિયો સાથે જે ટેક્સ્ટ આવી છે એમાં લખ્યું છે કે આ કેરલાની ઘટના છે અને જેની ભારોભાર નિર્દયતા સાથે હત્યા કરવામાં આવી છે એ યુવક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર છે. કેરલામાં વધતા જતા મુસ્લિમ આતંકની દુહાઈ આપીને આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે જો આ જ ચાલતું રહ્યું તો આ દેશમાં હિન્દુઓએ જીવવું દુષ્કર થઈ જશે અને આપણી બહેન-દીકરીઓ ઘરની બહાર નહીં નીકળી શકે. પહેલી વાત, મુદ્દો અત્યારે હિન્દુ-મુસ્લિમનો નથી અને મુદ્દો અત્યારે ધર્માંધપણાનો પણ નથી. મુદ્દો છે આ પ્રકારના અમાનુષી કૃત્યનો અને એનો વિરોધ કરવો ત્યારે જ શક્ય બનશે જ્યારે એ ખબર પડે કે આ ઘટના ક્યાંની છે અને એ શોધવાનું કામ સરકારનું છે.

૫૦ સેકન્ડના આ વિડિયોમાં એક વૉટરમાર્ક સતત દેખાયા કરે છે, જેમાં સુદર્શન ન્યુઝ લખાયેલું છે, જે વિડિયોમાં સતત ફર્યા કરે છે અને વારંવાર એ લોગો આવ્યા કરે છે. આ સુદર્શન ન્યુઝ ક્યાંની છે, કોણ એનું કર્તાહર્તા છે અને એની પાસે આ વિડિયો ક્યાંથી આવ્યો એ જાણવા માટે સરકારે જે કોઈ પ્રયાસ કરવાના હોય એ કરવા જ રહ્યા. આ દેશમાં આ પ્રકારનો અમાનુષી વ્યવહાર કોઈ કાળે, કોઈ હિસાબે ચલાવી લેવો ન જોઈએ. આ દૃશ્ય જોઈને ખરેખર વિચાર આવી જાય કે સાલું આપણે આજે પણ રાવણરાજ વચ્ચે જીવીએ છીએ કે શું?

જો વિડિયોના મૂળ સુધી પહોંચી શકાયું તો જ આ ઘટનાના મૂળ સુધી પહોંચી શકાશે અને જો ઘટનાના મૂળ સુધી પહોંચી શકાયું તો જ આ ઘટના સાથે સંકળાયેલા આરોપીઓનાં મૂળ સુધી પહોંચી શકાશે અને તેમના સુધી પહોંચવું અત્યંત આવશ્યક છે. નિર્દયતાનો અંત લાવવા માટે પણ તેમના સુધી પહોંચવાનું છે અને સંસ્કૃત સમાજના પ્રહરી તરીકે પણ એ પાપીઓ સુધી પહોંચવું અનિવાર્ય છે. ખરેખર, રાક્ષસી કૃત્ય જ છે એ. કેરલાની ઘટના હોય તો કેરલા સરકારથી માંડીને એકેક અધિકારી સામે પણ પગલાં લેવાવાં જોઈએ અને ધારો કે આ પગલાં લેવાઈ ચૂક્યાં હોય, જે હજી સુધી મારા ધ્યાનમાં નથી આવ્યું પણ એમ છતાં ધારો કે ઍક્શન લેવાઈ ચૂકી હોય તો ઍક્શન એ સૌ સામે લેવી જોઈએ જે આ વિડિયોને આજે પણ જીવતો રાખી રહ્યા છે; કારણ કે પ્રેમથી પ્રેમ ફેલાતો નથી પણ નફરતથી નફરતનું પોત તો મોટું અને પહોળું બને જ છે. વિડિયો જોયા પછી એકમેક પ્રત્યે મનમાં જન્મતી ઘૃણા જ નવા ઘા ઊભા કરવાની ક્ષમતા મનમાં જન્માવે છે અને એવું બને છે એને જ લીધે ભાઈચારાનું બંધન મજબૂત નથી થતું. જો આ દેશમાં હિન્દુ-મુસ્લિમની માનસિકતાનો ક્ષય કરવો હોય, જો આ દેશમાં નવેસરથી ભાઈચારાની ભાવનાને બળવાન બનાવવી હોય અને જો આ દેશમાં શાંતિ અને સુખ સાથે સમૃદ્ધિની નવી વિકાસયાત્રા શરૂ કરવી હોય તો આવી ઘટના કે પછી ઘટના સાથે જોડાયેલા વિડિયો ખોટી રીતે વાઇરલ ન થાય એ જોવાની જવાબદારી સરકારની છે અને સરકારે આ બન્ને બાબતમાં સૌથી વધારે કડક થઈને કામ કરવાનું છે.

columnists manoj joshi