હાથરસ અને બળાત્કાર: સન્માન પણ સ્વીકાર્ય નહીં અને માત્ર સજા પણ આવકાર્ય

08 October, 2020 10:18 AM IST  |  Mumbai | Manoj Joshi

હાથરસ અને બળાત્કાર: સન્માન પણ સ્વીકાર્ય નહીં અને માત્ર સજા પણ આવકાર્ય

પ્રતીકાત્મક તસવીર

નીચલી જાતિ અને ઉપલી જાતિ. ઉચ્ચ વર્ણ અને નિમ્ન વર્ણ. શું છે આ બધું. શિક્ષિત દેશની વાત કરીએ છીએ, વિકાસશીલ હોવાનો દાવો કરીએ છીએ અને એ પછી પણ આ પ્રકારની વાતો થાય છે અને આ પ્રકારની વાતોની સાથે કહેવાતી નીચલી જાતિના લોકો સાથે દુર્વ્યવહાર પણ થાય છે! શરમની પણ ચરમસીમા છે આ અને આ ચરમસીમાને હવે પડતી મૂકવાની જરૂર છે. આની શરૂઆત પણ ત્યાંથી જ થવી જોઈએ જ્યાંથી આ પ્રકારની વાતોની શરૂઆત થઈ છે. ઉત્તર પ્રદેશથી. હા, શરૂઆત પણ યોગી આદિત્યનાથજીના રાજ્યથી જ થવી જોઈએ અને હું માનું છું કે એનો શુભારંભ પણ હાથરસ ગામેથી જ થવો જોઈએ. જો સત્યવચનને આંખ સામે રાખવું હોય તો યુપી ગવર્મેન્ટે હાથરસની દીકરી સાથે ન્યાય કરવો જોઈએ અને જેને યુપીના કહેવાતા ભદ્ર સમાજના લોકો નીચલી જાતિની ગણાવે છે એ દીકરીનું મંદિર બનાવવું જોઈએ. આ મંદિરને રાજ્યની સંપત્તિ પણ જાહેર કરવી જોઈએ. જો આ પ્રકારનું પગલું લેવામાં આવશે તો જ આંખો ખૂલશે દુનિયાની અને તો જ સભાનતા આવશે કહેવાતા ઊંચી જાતિના લોકોમાં.
આ જાતિવાદ મનથી કાઢવાની આવશ્યકતા છે અને એ મનથી ત્યારે જ નીકળશે જ્યારે એમના જાતિવાદને નિમ્ન સ્તર પર લઈ આવવામાં આવશે. આવું કરવાનું કહેવા પાછળનો હેતુ માત્ર એક જ કે દેશમાંથી આ જાતિવાદનો અંત આવે. જાતિવાદ શહેરોમાં નથી, હા નથી જ, પણ એનો અર્થ એવો નથી કે એનો દેશનિકાલ થઈ ગયો છે. જાતિવાદ મારા અને તમારા મનમાં નથી, પણ એનો અર્થ એવો પણ નથી કે રાષ્ટ્રના દરેક નાગરિકોના મનમાંથી એ નીકળી ગયો છે. આજે પણ આવી વર્ણવ્યવસ્થાના આધારે જીવનારાઓનો તોટો નથી. કબૂલ કે દેશ વિશાળ છે એટલે એને કાઢવાની પ્રક્રિયા ખોરંભાયેલી રહે, પણ એનો અર્થ એવો પણ નથી થતો કે એ પૂર્ણપણે નીકળે ત્યાં સુધી દેશની દીકરીએ એવું કૃત્ય સહન કરવાનું જેવું કૃત્ય હાથરસની દીકરીએ સહન કર્યું.
હાથરસની દીકરીને યુપી સરકાર વિરાંગના જાહેર કરે. ગામેગામ એના સ્ટૅચ્યુ મુકાવે. એની ઓળખ જાહેર થવાની વાતે આવું પગલું ન લેવું જોઈએ એવી દલીલ કરવાની જરૂર નથી. ખાસ તો ત્યારે જ્યારે એ દીકરી અત્યારે દરેકેદરેકના મોઢે ચડી ગઈ છે. આ દીકરીની ઓળખ જાહેર કરીને પણ યુપી સરકાર અન્ય આવી દીકરીઓમાં હિંમત ભરવાનું કામ કરશે અને એ જરૂરી પણ છે. છેલ્લા બે દિવસથી એકધારી એવી વાતો આવી રહી છે કે યુપીમાં આ પ્રકારના કિસ્સાઓ સામાન્ય છે. એક ન્યુઝ ચૅનલે તો અનેક ગામોનાં નામ સાથે દીકરીઓનાં નામ પણ જાહેર કર્યાં કે આ ગામની આ દીકરીઓએ આવો જ ત્રાસ સહન કર્યો છે અને આ વિસ્તારોમાં કાયમી આવો પાપાચાર ચાલી રહ્યો છે. શરમ આવે છે યુપીને મંદિરોની રાજધાની કહેવામાં પણ, ધર્મ હોય ત્યાં અધર્મને સ્થાન હોતું નથી અને અધર્મ છે ત્યાં ધર્મની આવશ્યકતા રહેતી નથી.
હાથરસની દીકરીને રાજ્ય સ્તરના માન-સન્માન મળશે, રાજ્ય સ્તરનું બહુમાન મળે અને મરણોત્તર સ્વીકાર મળે જેથી જે કોઈ દીકરી સાથે ખોટાં પગલાં ભરવામાં આવે છે એ સૌના મનમાં પણ સન્માનની ભાવના જન્મે તો સાથોસાથ દીકરીઓ સાથે ખોટું કરનારાઓને પણ જડબેસલાક ફડાકો પડે. જરૂરી છે આ. માત્ર સન્માન પણ નહીં ચાલે હવે અને માત્ર સજા પણ સ્વીકાર્ય નહીં ગણાય.

manoj joshi columnists uttar pradesh