બજરંગ દળ અને હનુમાન ચાલીસા : ચાલો, આપણે સૌ આયાત શીખવાની શરૂઆત કરીએ

17 May, 2023 02:21 PM IST  |  Mumbai | Manoj Joshi

દરેક ધર્મ પોતાના સ્થાને છે અને દરેક ધર્મે અન્ય તમામ ધર્મોને એ માન-સન્માન આપવું જોઈએ જે પોતે પોતાના ધર્મ માટે ઇચ્છી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

વાત આગળ વધારતાં પહેલાં એક ખુલાસો, આયાત સામે મારો કોઈ વિરોધ નથી અને આયાત શીખવાની બાબતમાં હું આજે પણ એટલો જ ઉત્સાહી છું જેટલો ઉત્સાહ અને ઉમંગ મને વેદ-પુરાણ કે અન્ય શાસ્ત્ર શીખતી વખતે મળતો કે મળે છે. મેં પ્રયાસ પણ કર્યા છે કુરાન શીખવા અને સમજવા માટે અને અંગ્રેજીમાં મળતા કુરાનના અનઑફિશ્યલ તરજુમા પણ વાંચ્યા છે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે કુરાન કે આયાત સામે ક્યારેય કોઈ વિરોધ હતો નહીં અને એ જન્મવાનો પણ નથી. દરેક ધર્મ પોતાના સ્થાને છે અને દરેક ધર્મે અન્ય તમામ ધર્મોને એ માન-સન્માન આપવું જોઈએ જે પોતે પોતાના ધર્મ માટે ઇચ્છી રહ્યા છે, પણ મુદ્દો એ છે કે મોટા ભાગના લોકો આ જ વાત ભૂલી જાય છે.

કર્ણાટકમાં એ જ બન્યું. 

પહેલાં બજરંગ દળનો વિવાદ અને એ વિવાદ વચ્ચે હનુમાન ચાલીસા સામે ઊભો થતો વિવાદ. જેણે અનેકાનેક પ્રકારના ગજગ્રાહ ઊભા કર્યા અને એ ગજગ્રાહ વચ્ચે જ વાત આગળ વધતી રહી, પણ મારું કહેવું એ છે કે હનુમાન ચાલીસા કે પછી બજરંગ દળ સામેનો આ વિરોધ કર્ણાટકમાં જ શું કામ વકર્યો? શું કામ અન્ય કોઈ રાજ્યોમાં આ બન્ને સામે વિરોધ નથી અને શું કામ કોઈને એવું ક્યારેય લાગ્યું નથી કે બજરંગ દળ દાદાગીરી કરે છે કે પછી હનુમાન ચાલીસાને કારણે અશાંતિ પ્રસરે છે? 

હકીકત એ છે કે આ બધા વાંધાવચકા અને તકલીફો ત્યારે જ જન્મતી હોય છે જ્યારે કોઈના પેટમાં પાપ હોય અને પૂછવાનું મન થાય છે કે શું કામ બજરંગ દળ પર ભારતમાં બૅન હોય? શું કામ હનુમાન ચાલીસાના પાઠ જાહેરમાં કરવા પર રોક મૂકવામાં આવવો જોઈએ? શું હવામાં ગુંજતી આયાત કોઈને નડે છે ખરી?

આ પણ વાંચો: જો તમે સરળ અને સહજ જીવન ઇચ્છતા હો તો એક વખત ‘ધ કેરલ સ્ટોરી’ જોઈ આવજો

નથી નડતીને? 

તો પછી શું કામ હનુમાન ચાલીસા પણ કોઈને ખૂંચવી જોઈએ, ખૂંચવી પણ શું કામ જોઈએ અને ચચરાટ પણ શું કામ થવો જોઈએ? જરા કહો તો ખરા કે બજરંગ દળ કોને નડ્યું અને જેને નડ્યું તેને શું કામ નડ્યું? નડતરને એ જ દૃષ્ટિકોણથી જોવાને બદલે, તકલીફને એ જ વિચારાધારાથી લેવાને બદલે એક વખત વિચારવાની તો તસ્દી લો કે આજે નડતર બનતી વાત, તમારા જ ભવિષ્યને વધારે સજ્જ બનાવવાનું કામ કરવાની છે અને એટલે જ આજે કડક હાથે કામ લેવામાં આવે છે. 

લવ-જેહાદ સામે લડત ચલાવતી સંસ્થાઓનું સન્માન થવું જોઈએ અને એ પ્રકારનાં સન્માન આજે પણ ઇસ્લામિક વિચારધારા પર ચાલતા દેશોમાં થાય જ છે. સ્વાભાવિકપણે કોઈ ઇચ્છતું નથી કે જીવનશૈલીથી માંડીને વ્યવહાર સુધ્ધામાં અત્યંત અલગ રીતભાત ધરાવતા બે પરિવારો એક થાય અને ખાસ કરીને તો એ પરિવાર હિન્દુ-મુસ્લિમ હોય. કારણ કે પ્રેમના જેહાદમાં એ જ પ્રેમનો ગેરઉપયોગ કરવાની માનસિકતા સેંકડો વખત અગાઉ દેખાડી દેવામાં આવી છે અને એવું બન્યું છે એટલે તો બજરંગ દળ જેવી સંસ્થાઓએ આગળ આવીને હિન્દુ દીકરીઓના રક્ષક બનવાનું કામ કર્યું છે. ખોટી સુફિયાણી વાત રહેવા દેજો કે અમને એવી કોઈ આવશ્યકતા નથી. હા, રહેવા જ દેજો. કારણ કે કેટલીક ઘટનાઓ જીવનમાં ઘટે એ પછી જ એનું વિકરાળ સ્વરૂપ આંખ સામે આવતું હોય છે.

columnists manoj joshi karnataka