ખુદી કો કર બુલંદ ઇતના : એક સારી નેતાગીરી કેવું પરિણામ લાવે છે એ નરી આંખે દેખાય છે

28 November, 2023 03:15 PM IST  |  Mumbai | Manoj Joshi

છેલ્લા થોડા સમયથી આ જે વાતાવરણ ઊભું થયું છે એ ખરેખર ખુશીની વાત છે. તમારા દેશના વડા પ્રધાન દેશના પહેલા સ્થાનિક ફાઇટર પ્લેનમાં જાય અને એની હવાઈ મુસાફરી કરે એ કંઈ નાનીસૂની વાત નથી

પ્રતીકાત્મક તસવીર

વારાણસીમાં ગઈ કાલે પ્રગટેલા ૨૧ લાખ દીવડાના પ્રકાશે દેવદિવાળીને ઊજળી બનાવી દીધી. અગાઉ દિવાળીએ અયોધ્યા પણ દીવાના પ્રકાશમાં ઝગારા મારતું થઈ ગયું હતું, તો આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં પણ જ્યારે રામલલ્લા મંદિરમાં બિરાજશે ત્યારે પણ દેશઆખો ઝગારા મારે એવું આયોજન કરવામાં આવ્યું છે. તમે જુઓ સાહેબ, તહેવારો કયા સ્તરે ઊજવાઈ રહ્યા છે અને કયા સ્તરે રાષ્ટ્રવાદ તહેવારમાં બહાર આવી રહ્યો છે. ખુદી કો કર બુલંદ ઇતના... હા, આ બુલંદીની વાત છે અને વાત દેશના શિખરની છે. એક સારી નેતાગીરી કેવું પરિણામ લાવે છે એ અત્યારે નરી આંખે જોઈ શકાય છે અને દેશ આ જ જોવા માગતું હતું. દેશને અત્યારે જે આગેવાની મળી છે, દેશને અત્યારે જે નેતા મળ્યા છે એ નેતા થકી જ દેશ ઊજળો છે એવું કહેવામાં રીતસરની ગર્વની અનુભૂતિ થાય છે. એવા ગર્વની જે તમને મનથી, દિલથી ગદ્ગદ કરી દે. ગદ્ગદ પણ કરે અને સાથોસાથ તમને હર્ષની લાગણી પણ આપે.

છેલ્લા થોડા સમયથી આ જે વાતાવરણ ઊભું થયું છે એ ખરેખર ખુશીની વાત છે. તમારા દેશના વડા પ્રધાન દેશના પહેલા સ્થાનિક ફાઇટર પ્લેનમાં જાય અને એની હવાઈ મુસાફરી કરે એ કંઈ નાનીસૂની વાત નથી અને ધારો કે કેટલાક વાંકદેખાને એવું લાગતું હોય કે એ નાની વાત છે, તો તેણે જવાબ તૈયાર રાખવો જોઈએ કે અગાઉ કેમ એક પણ વડા પ્રધાન આ સાહસ કરવા રાજી નહોતા?!

દરેક વાતમાં અકોળાઈ મનમાં રાખવી, દરેક બાબતમાં વાંકદેખા બની રહેવું અને દરેક બાબતમાં નુકતેચીની કરતા રહેવું એ કોઈ ગુણ નથી એ સહેજ તમારી જાણ ખાતર. જે સમયે વિરોધ પક્ષ સાચો હોય એ સમયે એને સહયોગ કરો અને જે ક્ષણે શાસક પક્ષ સાચું કામ કરતો હોય, સારું કામ કરતો હોય એ સમયે એને પણ એટલી જ હૂંફ અને પ્રેમ સાથે આવકારો. લોકશાહીનો આ જ સાચો અર્થ છે અને લોકશાહી એમાં જ જળવાયેલી રહેતી હોય છે. સરદાર પટેલે એક વખત ગાંધીજીને કહ્યું હતું કે જે સમયે વિરોધ પક્ષ માત્ર વિરોધની નીતિ પર આવી જશે એ સમયે આપણા દેશની લોકશાહી જોખમાશે.

આજે એવું જ બન્યું છે. નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો, તેમને ઉતારી પાડવા અને તેમને નીચા દેખાડવાના પ્રયાસમાં સતત લાગેલા રહેવું એ જાણે એક ફૅશન થઈ ગઈ છે. પત્રકારથી માંડીને વિરોધ પક્ષ અને કૉર્પોરેટ્સથી માંડીને પાનના ગલ્લે ઊભા રહીને વાંકદેખાઓ આ એક જ કામ કરે છે અને એમાં તેમને મજા આવે છે, પણ સાહેબ, સાચી મજા તો ત્યારે આવે જ્યારે કોઈ તમને સતત પાછળ રાખવાનો પ્રયાસ કરતું હોય અને તમે પૂરપાટ વેગે આગળ ભાગતા હો. દેશ આગળ વધે છે અને દેશના નેતાઓ પણ લોકચાહનામાં આગળ વધે છે. એનાથી વિશેષ આપણને શું જોઈએ?
તમે જ કહો.

manoj joshi columnists varanasi ayodhya diwali