પ્રફુલ્લિત રહેવાનો મંત્ર: ઝિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ

27 December, 2018 12:54 PM IST  |  | Manoj Navneet Joshi

પ્રફુલ્લિત રહેવાનો મંત્ર: ઝિંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જો તમે મનથી પ્રફુલ્લિત નહીં હો, ખુશ નહીં હો તો તમે ખુશ રહી પણ નહીં શકો અને બીજા કોઈને ખુશ પણ રાખી નહીં શકો. બાહ્ય દેખાવ પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી. તમે ગોરા હો કે કાળા કે પછી તમે ભલે હો ઘઉંવર્ણા, બ્યુટી-પાર્લરમાં જઈને બેસી રહેશો તો પણ એનાથી કોઈ ફરક નથી પડવાનો અને પેડિક્યૉર કે મૅનિક્યૉર કરાવીને આવશો તો પણ કોઈને પરવા નહીં હોય જો તમે મનથી અને હૃદયથી ખુશ નહીં હો તો.

હું એક મિત્રને ખૂબ જ સારી રીતે અને નજીકથી જોઈ રહ્યો છું. તેને જીવલેણ બીમારી છે. એ પછી પણ હું જ્યારે તેની સાથે ફોન પર વાત કરું ત્યારે મને ક્યારેય એવો અણસાર નથી આવતો કે તેને જીવ લઈ શકે એવો કોઈ પ્રૉબ્લેમ છે. ક્યારેય નહીં. તેની વાતમાં, તેના ઉચ્ચારોમાં કે પછી તેની વાત કરવાની રીતમાંથી ક્યારેય મેં એ વાત પકડી નથી. હંમેશાં મેં જોયું છે કે તેની સાથે વાત કરો ત્યારે તે ખુશમિજાજ હોય. જીવન જીવવાની આ રીત છે અને આ જ સાચી રીત છે અને આ જ રીતે જીવવું જોઈએ એવું તે માને છે અને હું પણ તેની એ હિંમતને આ જ બાબત માટે માનની નજરે જોઉં છું.

તકલીફ રહેશે, પ્રૉબ્લેમ રહેશે અને મુશ્કેલીઓ પણ રહેશે. કાયમ માટે રહેશે, જ્યાં સુધી જીવશો ત્યાં સુધી રહેશે અને તકલીફ કે મુશ્કેલી રહે એનું નામ જ તો જિંદગી છે. હમણાં જ ગોલ્ડન વર્ડ્સ કહેવાય એવું એક વાક્ય વાંચ્યું હતું : ‘તકલીફો છેને? ચિંતા ન કરો, મૃત્યુ પછી બધું શાંત થઈ જશે.’ અત્યંત અસરકારક એવા આ શબ્દો છે. જો જિંદગીભર તકલીફો રહેવાની હોય અને એ રહેવા માટે જ સર્જાઈ હોય તો પછી શું કામ એની ચિંતા કરવી, શું કામ એને તમારા મન પર અને તમારી ખુશી પર અસર કરવા લાયક મોટી બનાવવી. મન પ્રફુલ્લિત છે ત્યારે શું કામ ચિંતાઓને મનમાં ઘર બનાવવાની પરવાનગી આપવી.

થોડે આંસૂ હૈ, થોડી ખુશી; આજ ગમ હૈ તો કલ હૈ ખુશી. જિંદગીની આ જ રીત છે અને આ જ રીતે જિંદગી આગળ વધવાની છે. તકલીફોને, પીડાઓને અને ખુશીઓને ક્યાંય બૅગમાં લઈને ફરો નહીં. આ ક્ષણને, આ પળને અને આ ઘડીને પ્રેમથી માણી લો અને પ્રેમપૂર્વક એને જીવી લેશો તો જીવન જીવ્યાનો આનંદ તમને મળશે અને સાથોસાથ તમારી આજુબાજુના અને આસપાસના સૌને પણ એ ખુશી અને આનંદ તમે આપી શકશો. બ્યુટી-પાર્લરમાં જવાને બદલે દરરોજ હાર્ટ-પાર્લરમાં જાઓ અને જીવનભર ખુશ રહેવાની ટિપ્સ શીખ્યા કરો.

manoj joshi columnists