બી લેટેડ ગાંધી જયંતી : ગાંધીજીને માત્ર યાદ નહીં, તેમણે ચીંધ્યા માર્ગે ચાલવું એ જ સાચી શ્રદ્ધાંજલિ

03 October, 2022 01:08 PM IST  |  Mumbai | Manoj Joshi

બાપુ કહેતા રહ્યા અને એકધારું કહેતા રહ્યા કે સત્યના માર્ગ પર ચાલો અને બાપુએ હાથ જોડીને, વીનવીને કહ્યું કે અહિંસાને ક્યારેય ભૂલો નહીં.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

રવિવારે ગયેલી ગાંધી જયંતીએ પીસ નહીં વાંચીને બે-ચાર વાચકોએ મેસેજ કર્યા કે તમે ગાંધીજીને ભૂલી ગયા. ના, જરા પણ નહીં. ગાંધીજી કોઈ તિથિ કે વાર નથી કે એ યાદ રાખવા પડે. શબ્દો પણ ટૂંકા પડે એવી વિરલ વ‌િભૂતિ એવા મહાત્મા ગાંધી કોઈ કાળે ભુલાવાના નથી અને કોઈ ભૂલવાનું નથી, પણ મહત્ત્વનું એ નથી કે એ તમને યાદ રહે. મહત્ત્વનું એ છે કે તેમને અને તેમના સિદ્ધાંતોને યાદ રાખવામાં આવે એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે.

મહાત્મા ગાંધી ડગલે ને પગલે લોકોને સમજાવતા રહ્યા છે કે જીવનને સાદગી સાથે જીવશો તો એટલી જ ઓછી તકલીફ પડશે. ગાંધી એ જ વાત પણ સમજાવતા રહ્યા છે કે જો તમે સહજ રહેશો તો દુનિયા તમારી સાથે સહજ જ રહેવાની છે. બાપુ કહેતા રહ્યા અને એકધારું કહેતા રહ્યા કે સત્યના માર્ગ પર ચાલો અને બાપુએ હાથ જોડીને, વીનવીને કહ્યું કે અહિંસાને ક્યારેય ભૂલો નહીં. બાપુના આ દરેક સિદ્ધાંતને જીવનમાં ઉમેરીને જો તમે એનું પાલન કરવાના હો અને એ પછી તમે બાપુને વીસરી જવાના હો તો બાપુને કોઈ વાંધો નથી કે તમે એને કેમ ભૂલી ગયા. મહાત્મા ગાંધી કહેતા જ હતા કે મારા વિચારો જ મારું જીવન છે. તેમના વિચારોની અમલવારી થાય, જીવનમાં એનો પ્રવેશ કરવામાં આવે અને પ્રવેશેલા એ તમામ વિચારોને દૃઢતા સાથે, પૂરી શ્રદ્ધા સાથે જીવનનો હિસ્સો બનાવવામાં આવે એનાથી ઉત્તમ બીજું શું હોઈ શકે?

ગાંધી જયંતી આવી અને ગઈ. અનેક લોકોએ ગળામાં સૂતરની આંટી પહેરીને ફોટો પડાવી લીધો અને સોશ્યલ મીડિયાના ડિસ્પ્લેમાં એ ફોટો ગોઠવીને દુનિયાને દેખાડી પણ દીધું કે પોતે ગાંધીજીને યાદ કર્યા છે, પણ સાહેબ, ગાંધીજીને યાદ નથી કરવાના, તેમણે ચીંધ્યો છે એ માર્ગને યાદ રાખવાનો છે અને એના પર ચાલતા રહેવાનું છે. આ જ બાપુની ઇચ્છા હતી અને આ જ બાપુની ભાવના હતી. અનેકાનેક વખત સ્વાસ્થ્યને કફોડી હાલતમાં મૂકીને પણ બાપુએ સિદ્ધાંતો પર જોખમ નથી આવવા દીધું. અનેક વખત જીવને જોખમમાં મૂકીને, શાખને દાવ પર લગાડીને પણ બાપુએ આદર્શને આંચ આવવા નથી દીધી. આ જે ભાવ છે એ ભાવે જ તેમને રાષ્ટ્રપ‌િતનો દરજ્જો અપાવ્યો છે.

ગાંધીજીના નામે અનેક પ્રકારના વિવાદો પણ જોડાયા છે, તેઓ અળખામણા રહ્યા, પણ એ બધા વચ્ચે મહાત્મા ગાંધીએ ક્યાંય પોતાના વિચારો સાથે બાંધછોડ થવા ન દીધી એનાથી ઉત્તમ તો બીજું શું હોઈ શકે? આ જ સ્વભાવ, આ જ વિચારધારા માણસને આમઆદમીમાંથી મહાત્મા બનાવવાનું કામ કરે છે અને એ જ માહાત્મ્ય જન્માવવાનું પણ કામ કરે છે. તમે નક્કી કરજો કે તમારે એ વ્યક્તિને યાદ રાખવા છે કે તેમણે જે માર્ગ ચીંધ્યો, જે માર્ગ તેમણે દેખાડ્યો એ માર્ગ પર આગળ વધીને જીવનને અને રાષ્ટ્રને બન્નેને વધારે ઉજાગર બનાવવા છે?

જ્યાં સુધી સત્ય જીવશે ત્યાં સુધી મહાત્મા ગાંધી હયાત રહેશે. જ્યાં સુધી અહિંસાનો સિદ્ધાંત પૃથ્વી પર અકબંધ રહેશે ત્યાં સુધી મહાત્મા ગાંધી આપણી વચ્ચે રહેશે અને તેમને આપણી વચ્ચે સદાય રાખવાનો આ એક જ રસ્તો છે. તેમની વિચારધારાને જીવનધારા બનાવી આગળ વધો.

columnists manoj joshi mahatma gandhi gandhi jayanti