વિકાસની રાજનીતિ જ શ્રેષ્ઠ : ખાલી પેટે ક્યારેય ભજન થાય નહીં એ આપણે સૌ જાણીએ છીએ

14 March, 2024 12:58 PM IST  |  Mumbai | Manoj Joshi

કૉન્ગ્રેસના શાસનમાં આપણે સળગતું કાશ્મીર જોઈ લીધું અને માઓવાદી, નક્સલવાદીઓને પણ જોઈ લીધા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

સમાજવાદી પાર્ટીના ગઢ સમાન આઝમગઢમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલી વાત યથાર્થ છે. તેમણે કહ્યું કે પૂર્વાંચલે હંમેશાં જાતિવાદ અને તૃષ્ટીકરણની રાજનીતિ જોઈ છે, પણ હવે એણે વિકાસની રાજનીતિ જોવાની છે. એ વિકાસની રાજનીતિ, જેમાં સાંજ પડ્યે શહેરથી માંડીને વ્યક્તિગત વિકાસનો અનુભવ થતો હોય, સુખાકારી આંખ સામે જોઈ શકાતી હોય. કેટલી સાચી વાત. આપણા વડવાઓ કહી ગયા છે કે ખાલી પેટે ભગવાનને ભજી ન શકાય અને એટલે જ ખાલી પેટે ક્યારેય ભજનમાં મન નથી લાગતું. જો પેટ ભરાયેલું હોય, ઓડકાર ખાઈ લીધો હોય તો અને તો જ તમારા મનમાં રહેલી દેશદાઝને આગ મળે અને દેશ માટે કશું કરવાનું મન થાય. આજે દેશના યુવાનો, જેને રાજકારણમાં લેશમાત્ર પણ રસ નથી તે યુવાનો, વડા પ્રધાનની વાત સાંભળવા તલપાપડ શું કામ હોય છે? શું કામ તેઓ નરેન્દ્ર મોદીને પોતાના આદર્શ માને છે અને શું કામ તેઓ વડા પ્રધાન કહે એ કરવા તૈયાર રહે છે?

આ જ જવાબ છે, તેમનું પેટ ભરેલું છે. તેમને ખબર છે કે તેઓ બહુ સહજ રીતે વિકાસ કરી રહ્યા છે અને એ વિકાસને કારણે તેમની ફૅમિલીને સુખ-સુવિધા અને સાધન-સંપન્નતા પ્રાપ્ત થઈ છે, થતી રહેવાની છે. જો મારો દેશ વિકાસ કરતો હોય, જો હું વિકાસના માર્ગે હોઉં અને જો હું એ બધું અનુભવી પણ રહ્યો હોઉં તો સ્વાભાવિક છે કે હું વિકાસના રસ્તે જ આગળ વધું.

કૉન્ગ્રેસના શાસનમાં આપણે સળગતું કાશ્મીર જોઈ લીધું અને માઓવાદી, નક્સલવાદીઓને પણ જોઈ લીધા. કૉન્ગ્રેસના શાસનમાં આપણે સળગતું ગુજરાત પણ જોઈ લીધું અને કૉન્ગ્રેસના શાસનમાં ડૉનની જીવતીજાગતી ફૅક્ટરી બની ગયેલા ઉત્તર પ્રદેશને પણ જોઈ લીધું. આજે પણ એ બધાં રાજ્યો આ જ દેશમાં છે અને આજે પણ એટલાં જ પ્રવૃત્ત છે, પણ એ પ્રવૃત્તિમાં હવે માત્ર ને માત્ર વિકાસની વાત છે. જો મારું પેટ ભરાયેલું હોય, જો મારા પરિવારનું પેટ ભરાયેલું હોય તો મને બીજી કોઈ વાતમાં રસ નથી.

આઝમગઢની ગુનેગારી ઘટી છે, નક્સલવાદ સાથે જોડાનારા લોકોની સંખ્યા ઘટી છે તો કાશ્મીરમાં પણ આતંકવાદીઓને સાથ આપનારાઓ ઘટ્યા અને અમદાવાદમાં પણ એ જ અવસ્થા આવી છે. કોઈને બીજી દિશામાં જવું નથી. ખોટું કરીને હવે પૈસા કમાવાની લાલચ રહી નથી, કારણ કે દેશમાં વિકાસ છે અને એવો વિકાસ છે જે ઊડીને આંખે વળગે છે. તમે નજર કરશો તો તમને પણ દેખાશે કે આપણું નવું ભારત વાયુવેગે આગળ વધતું જાય છે. બુલેટ ટ્રેન આવવાની છે એ નક્કી છે, પણ એની પહેલાં ભારતીય રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું શાસન આવી ગયું છે. ભારતીય બૌદ્ધિકતા સાથે બનતાં હથિયારો પણ હવે દેશની સેના વાપરતી થઈ છે. પાવર માટે બહાર નજર નથી કરવી પડતી અને દેશ ચલાવવા માટે આપણે હવે વર્લ્ડ બૅન્ક પાસે હાથ નથી લંબાવવો પડતો. એ પણ તમામ પ્રકારના ટૅક્સનું માળખું તોડી માત્ર જીએસટી નામના ટૅક્સ પર આવ્યા પછી.

દેશ વિકાસ કરે છે અને રાજનીતિ હંમેશાં વિકાસની હોવી જોઈએ. ચાણક્ય કહેતા કે જે શાસકના શાસનમાં પ્રજા સુખનો અનુભવ કરે છે તે શાસકના અમરત્વ માટે પણ પ્રજા જ પ્રાર્થના કરે છે.

columnists narendra modi manoj joshi