બીજાની ભૂલોમાંથી શીખો નહીં તો તમે ભૂલોની ભરમાર ઊભી કર્યા કરશો

09 April, 2019 09:29 AM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ - મનોજ જોષી

બીજાની ભૂલોમાંથી શીખો નહીં તો તમે ભૂલોની ભરમાર ઊભી કર્યા કરશો

જ્યારે પણ ચાણક્યની વાત નીકળી છે ત્યારે લોકોએ એ વાતને, તેમના વિચારને અને ચાણક્યનીતિને વધાવી છે. ગઈ કાલની ચાણક્યની વાત વાંચીને એક વાચકમિત્રનો ફોન આવ્યો કે ચાણક્યની કોઈ એક એવી વાત કહો જે જિંદગીભર સાથે રાખવા જેવી હોય.

સાવ સાચું કહું તો ચાણક્યની એકેક વાત, તેમની એકેક નીતિ અને તેમની એકેક સલાહને જિંદગીભર સાથે રાખવી જોઈએ એવું હું દૃઢપણે માનું છું; પણ એમ છતાં જો કોઈ એક વાતને સામાન્ય લોકોની દૃષ્ટિએ પસંદ કરવાની આવે તો મને પહેલી વાત આ યાદ આવશે. ચાણક્ય કહેતા, ‘બીજાની ભૂલોમાંથી શીખો, જો એ જ વાતનો પ્રયોગ જાત પર કરવા જશો તો આખી જિંદગી ટૂંકી પડશે અને મંઝિલ હાથમાં આવશે જ નહીં.’

આ એક વાત એવી છે જે આજના વિદ્યાર્થીઓથી માંડીને ગૃહિણી અને ગૃહિણીથી લઈને એકેક યુવા, નોકરિયાત, વેપારીને લાગુ પડે છે. જીવનમાં જરૂરી નથી કે બધા જ અનુભવ તમે લો કે પછી બધા જ પ્રયોગો તમારા પર કરો. ના, જરા પણ જરૂરી નથી. જો તમે ઇચ્છતા હો કે તમારે આગળ વધવું છે, નવા માઇલસ્ટોન સ્થાપિત કરવા છે તો ઓછામાં ઓછા કડવા અનુભવ મળે એ માટે પ્રયાસશીલ રહો અને એવું કરવા માટે બીજાની ભૂલોમાંથી માર્ગદર્શન લઈને આગળ વધો. સારી અને સાચી વાતનું પુનરાવર્તન હોય, ક્યારેય ભૂલનું પુનરાવર્તન ન હોય. જો તમે ભૂલથી પણ ભૂલનું પુનરાવર્તન કરો તો એનો અર્થ સીધો એ થાય છે કે તમને તમારી ઇમેજથી માંડીને તમારા સમય સુધ્ધાંની કદર નથી, તમને તમારા માન-સન્માનની પણ કિંમત નથી અને તમને તમારા અહોભાવનું પણ મૂલ્ય નથી. ન કરો ક્યારેય આવી ભૂલ. બીજાની ભૂલમાંથી શીખો અને આગળ વધો. નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે જો સૌથી વધારે કંઈ જરૂરી હોય તો એ છે સમય. જો સમય હશે તો જ તમે તમારી એ ઊંચાઈ માટેના જરૂરી સંઘર્ષને પૂરતો સમય આપી શકશો, પણ જો સમયનો અભાવ હશે તો ચોક્કસપણે તમને હેરાનગતિ ભોગવવી પડશે.

આ પણ વાંચોઃ સર્વજન હિતાય,સર્વજન સુખાય રાજનીતિનો સાચો અર્થ આ એક જ છે અને આ અર્થમાંથી રાજનીતિ જન્મે છે 

મોટા ભાગના હેતુઓ અધવચ્ચે તૂટી પડવા પાછળનાં કારણોમાં મુખ્ય કારણ એક જ છે; વ્યક્તિ નાસીપાસ થઈ જાય છે અને તે પોતાનો હેતુ, મકસદ કે ધ્યેય છોડી દે છે. જો નાસીપાસ ન થવું હોય તો કામને સરળ બનાવી દો અને નિયમ બનાવી લો. બીજાની ભૂલોમાંથી શીખવું છે, જાતે ભૂલો કરવાની ભૂલ નથી કરવી. નવી ભૂલ કરો, ચાલશે. તમારી આ નવી ભૂલોમાંથી તમારા પછીની પેઢી શીખશે, પણ જૂની ભૂલોનું પુનરાવર્તન કરવાનો કોઈ હક તમને મળતો નથી અને જો એ હક મળતો ન હોય તો એક સરળ માનસિકતા રાખવી હિતાવહ છે. એવી ભૂલો જાતે નથી કરવી, જે બીજા કરી ચૂક્યા છે. બીજાની ભૂલોમાંથી શીખીને આગળ વધવું છે, નવી ઊંચાઈ હાંસલ કરવી છે અને સફળતા મેળવવી છે.

manoj joshi columnists