કોરોના-વૅક્સિન : ઇઝરાયલ અને ઇટલીના દાવા સાચા હોય તો પણ આ યાદ રાખવું

11 May, 2020 09:41 PM IST  |  Mumbai | Manoj Joshi

કોરોના-વૅક્સિન : ઇઝરાયલ અને ઇટલીના દાવા સાચા હોય તો પણ આ યાદ રાખવું

લૉકડાઉન ઉપાડી લેવામાં આવે તો પણ એવું ધારવાનું નથી કે હવે બધાને બહાર નીકળવાની આઝાદી મળી ગઈ છે.


ઇઝરાયલે સૌથી પહેલાં દાવો કર્યો છે કે એણે વૅક્સિન શોધી લીધી છે. ઇઝરાયલની જાસૂસી સેના મોસાદે આ કામ કર્યું છે અને મોસાદને જેકોઈ જાણે છે તે સમજી શકે છે કે મોસાદ આ કામ કરી શકે. તે વૅક્સિન બનાવી પણ શકે અને ચાઇનાની લૅબમાં પહોંચીને ત્યાંથી આખી ફૉર્મ્યુલા ચોરી પણ આવી શકે છે. મોસાદની આ તાકાત છે અને મોસાદને કારણે જ આજે ઇઝરાયલ આજુબાજુમાં દુશ્મનોથી ઘેરાયેલું છે એ પછી પણ સલામત છે અને સતત વિકાસ કરતું જાય છે. ઇઝરાયલે દાવો કર્યો એના ચારેક કલાકમાં જ ઇટલીનો દાવો પણ આવ્યો કે એણે વૅક્સિન શોધી લીધી છે. બન્ને દેશોએ આમ જોઈએ તો ઑલમોસ્ટ સરખા અંતરે જ દાવો કર્યો છે અને એ બન્નેના દાવાને નકારી શકાય એમ નથી અને સાથોસાથ એ પણ હકીકત છે કે બન્ને દેશોના દાવાને હજી સુધી વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા માન્યતા આપવામાં આવી નથી. કમર્શિયલ પ્રોડક્શન શરૂ થયાની વાત પણ ઇઝરાયલ દ્વારા કરાઇ છે. આ દાવો સાવ જ હવામાં હોય એવું કેવી રીતે કહી શકાય? અફકોર્સ, ન કહી શકાય, કારણ કે એક દેશ જ્યારે આવો દાવો કરતું હોય ત્યારે એ દાવાની પાછળની અનેકગણી જવાબદારી પણ આવતી હોય છે.
મુદ્દો વૅક્સિનનો નથી, મુદ્દો વૅક્સિન ક્યારથી સૌકોઈને મળે છે એનો છે અને ઇઝરાયલ સાથેના સંબંધોને જોતાં ધારી શકાય કે આપણને વૅક્સિન મળવામાં કોઈ પ્રૉબ્લેમ નહીં થાય. ચાઇનાએ કોરોનાને માત આપવા માટે એણે કયો મેડિકલ રૂટ ઉપયોગમાં લીધો એના વિશે ચાઇનાએ કોઈની પાસે ફોડ પાડ્યો નથી. લૉકડાઉનનો રસ્તો દેખીતો રસ્તો હતો અને એનો અમલ સૌકોઈ કરી રહ્યું છે, પણ મેડિકલ સેક્ટરનો કયો રસ્તો ચાઇના માટે કારગત નીવડ્યો એ એણે દુનિયાને ચીંધ્યો નથી, પણ ઇઝરાયલ એવું નહીં કરે.
ઇઝરાયલ ઇન્ડિયા સહિતના સૌકોઈ દોસ્ત દેશો સાથે એ રસ્તો સામે ચાલીને શૅર કરશે એ નક્કી છે, પણ એ જ્યારે શૅર કરશે ત્યારે પણ વૅક્સિન જન-જન સુધી પહોંચવાની નથી. એ જન-જન સુધી પહોંચે એને માટે હજી રાહ જોવાની છે, એટલે વૅક્સિન મળી ગયાના સમાચાર એકબીજાને વૉટ્સઍપ પર પહોંચાડનારા યાદ રાખે કે આ સહજ અને સરળ વાત નથી. નથી એવું બનવાનું કે તમે દોડીને મેડિકલ સ્ટોર પર પહોંચી જાઓ અને તમને વૅક્સિન આપી દેવામાં આવશે. રાજીપો વાજબી છે તમારો, પણ એનાથી અંત હાથવેંતમાં આવી ગયો એવું ધારવું જરા વધારે પડતું છે. વૅક્સિન ઇન્ડિયા સુધી પહોંચતાં ઓછામાં ઓછા ત્રણ મહિના પકડીને ચાલવાનું છે. એ પછી આ વૅક્સિન સીધી જ સૌકોઈને આપી દેવામાં નથી આવવાની. એની પણ સ્ટ્રૅટેજી બનાવવામાં આવશે અને અત્યારના તબક્કે એવું લાગે છે કે એ સ્ટ્રૅટેજીમાં રેડ ઝોન સૌથી અગ્રીમ સ્થાન પર હશે. એમાં પણ રેડ ઝોનના હૉટસ્પૉટ એરિયા સૌથી પહેલાં હાથમાં લેવામાં આવશે. હૉટસ્પૉટમાં રહેલા સૌકોઈને પહેલાં વૅક્સિન આપવામાં આવશે અને એ પછી ઊતરતા ક્રમે રેડ, ઑરેન્જ અને ગ્રીન ઝોનનો વારો આવી શકે છે, પણ આમ જ ક્રમ લેવાશે અને આ જ રીતે એમાં આગળ વધાશે એટલે કોઈએ એવું માનવું કે ધારવું નહીં કે વૅક્સિન મળી ગઈ છે એટલે ફરવાની આઝાદી મળી ગઈ છે. ના, જરાય નહીં. લૉકડાઉન ઉપાડી લેવામાં આવે તો પણ એવું ધારવાનું નથી કે હવે બધાને બહાર નીકળવાની આઝાદી મળી ગઈ છે. ના, વૅક્સિન જ્યાં સુધી આપવામાં ન આવે ત્યાં સુધી લૉકડાઉન પછી પણ લૉકડાઉન ચાલુ છે એવું જ માનવામાં સૌકોઈની ભલાઈ છે.

columnists manoj joshi