સર્વજન હિતાય,સર્વજન સુખાય રાજનીતિનો સાચો અર્થ આ એક જ છે અને આ અર્થમાંથી

08 April, 2019 09:58 AM IST  |  | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

સર્વજન હિતાય,સર્વજન સુખાય રાજનીતિનો સાચો અર્થ આ એક જ છે અને આ અર્થમાંથી

સર્વજન હિતાય, સર્વજન સુખાય.

ચાણક્ય કહેતા કે જે આ વાતને આંખ સામે રાખીને શાસન ચલાવે તે શાસક સાચો, એ શાસકની રાજનીતિ સાચી. આ હકીકત છે. રાજનીતિનો અર્થ જો કરવા બેસો તો આ જ ભાવાર્થ મળે તમને. જેમાં સર્વનું હિત જોવામાં આવતું હોય, સર્વ જનનું સુખ શોધવામાં આવતું હોય અને સમુદાય આખાને સુખી કરવાની ભાવના સાથે કામ કરવામાં આવતું હોય એ રાજનીતિ. રાજનીતિમાં આક્ષેપબાજીઓને અવકાશ નથી, રાજનીતિમાં ક્યાંય કોઈને ઉતારી પાડવાની વાત શીખવવામાં નથી આવતી. તમે તમારું કામ કરો, તમે તમારા કામને આગળ ધરો અને તમે તમારા કામને એ રીતે કરો કે જે અન્ય સૌના કામ કરતાં વધારે દીપી ઊઠે. સમયે આવ્યે તમારા કામને દર્શાવો અને તમારા કામને શ્રેષ્ઠ રીતે લોકોની સામે મૂકો. રાજનીતિમાં ક્યાંય રાજકારણની વાત નથી આવતી. નીતિ અને કારણ આ બે શબ્દો સાથે ‘રાજ’ શબ્દ જોડાઈને આખી વાતને જુદી દિશામાં લઈ જાય છે.

નીતિ હંમેશાં નિષ્ઠા સાથે જોડાયેલી હોય છે, જ્યારે કારણ હંમેશાં હેતુ કે સ્વહિત સાથે જોડાયેલું હોય છે. રાજનીતિમાં આંતરિક સુખની વાત નથી આવતી, એમાં ચંદનની જેમ જાતને ઘસીને પણ અન્યને ખુશ્બૂ આપવાની ભાવના હોય છે, અગરબત્તીની જેમ જાતને સળગાવીને પણ સુગંધ રેલાવવાની લાગણી હોય છે. પણ રાજકારણ એનાથી પર છે. રાજકારણમાં કારણસર ચાલનારી રાજનીતિ હોય છે. જે કંઈ થાય એ કારણ સાથે થાય, હેતુસર થાય. ચાણક્યએ કહ્યું છે, ભ્રષ્ટ અને દુષ્ટની મીઠી વાતોનો ક્યારેય ભરોસો કરવો નહીં. જો એ ભરોસો તમે કરશો તો તેનાથી છેતરાવાનું તમારા પક્ષે જ આવશે, કારણ કે ભ્રષ્ટ અને દુષ્ટ ક્યારેય પોતાનો સ્વભાવ બદલતો નથી. તે સ્વભાવ બદલ્યાનો અનુભવ કરાવીને તમને ગેરમાર્ગે દોરવે છે.

વાત સાચી છે. સિંહનો સ્વભાવ છે ત્રાડ પાડવી, પણ જ્યારે સિંહ અવાજ ન આવે એવી રીતે દબાયેલા પગલે, ધીમી ચાલે આગળ વધતો હોય ત્યારે એ શિકારની તૈયારી કરતો હોય છે. એની એ ચાલથી જો તમે છેતરાઓ તો એમાં વાંક સિંહનો નહીં, પણ વાંક ભ્રમમાં રહેનારી વ્યક્તિનો છે અને ભ્રમમાં રહેવું એ આ જગતનું સૌથી મોટું પાપ છે. ભ્રમને ભાંગવો પડે અને ભ્રમને તોડવો પડે. સપનાંઓ પૂરાં કરવા માટે પણ જાગવું જરૂરી છે. આજે દેશને જો કોઈ આવશ્યકતા હોય તો એ આવશ્યકતા છે એવા ભાવકની કે જે ખરા અર્થમાં દેશના એકેક નાગરિક સુધી સુખની વાછટ પહોંચાડી શકે. દેશને આવશ્યક છે એવી વ્યક્તિની જે સાચા અર્થમાં નાનામાં નાના માણસની તકલીફોને જાણી શકે અને એનું નિરાકરણ લાવી શકે. નિરાકરણ આવશે અને એણે આવવું જ પડશે, કારણ કે લોકશાહીની સૌથી મોટી મજા એ જ છે કે એના સંસદભવન સુધી પહોંચવા માટે તમારે પસાર તો સામાન્યમાં સામાન્ય માણસના મતથી જ થવું પડે છે.

manoj joshi Election 2019 columnists