યારી, દોસ્તી અને ભાઈબંધીની વાત ફ્રેન્ડશિપ ડે સમયે જ શું કામ?

09 January, 2019 09:46 AM IST  |  | Manoj Joshi

યારી, દોસ્તી અને ભાઈબંધીની વાત ફ્રેન્ડશિપ ડે સમયે જ શું કામ?

તસવીર સૌજન્યઃયુ ટયુબ

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

હા, શું કામ ત્યારે જ જ્યારે ફ્રેન્ડશિપ ડે હોય અને બધા ભાઈબંધીની વાતો મોટા ઉપાડે કરી રહ્યા હોય. શું કામ એ જ સમયે જગતનો આ સૌથી સુખદ સંબંધ યાદ કરવાનો અને શું કામ એ જ સમયે ભાઈબંધીની દુહાઈઓ આપવાની. યાદ રાખજો, જરૂર પડે ત્યારે નહીં પણ જરૂરિયાત સમયે આવે એ ભાઈબંધ. ગઈ કાલે તો દુનિયા આખીએ જઈ-જઈને એકબીજાને ભાઈબંધીના પટ્ટા બાંધી લીધા હશે ને એ પટ્ટા સાથે સંબંધોની દુહાઈઓ પણ આપી દીધી હશે, પણ આજે, ચોવીસ કલાક પછી પણ જે ભાઈબંધ સંપર્કમાં રહેશે એ જ ભાઈબંધ સાચો ભાઈબંધ છે. હું નાનો હતો ત્યારે આવું કંઈ નહોતું ને એટલે જ અમે ભાઈબંધીનો દિવસ નહીં પણ ભાઈબંધીનાં વર્ષો ઊજવતાં. આજની ભાઈબંધી તકલાદી થઈ ગઈ છે એવું કહેવામાં મને જરાપણ ખચકાટ નથી થતો. ભાઈબંધીમાં સ્વાર્થ ઉમેરાઈ ગયો છે અને સ્વાર્થના સંબંધોને ભાઈબંધીનું નામ આપી દેવામાં આવ્યું છે. અજાણતાં કે પછી જાણી જોઈને વિશ્વાસ જીતી લેવાના બહાને કે નામે. ભાઈબંધીમાં ક્યારેય યાદ નથી દેવડાવવું પડતું કે આપણી વચ્ચે દોસ્તી છે અને ભાઈબંધીમાં ક્યારેય એ પણ યાદ નથી દેવડાવવું પડતું કે તારે મારું ધ્યાન રાખવાનું છે. ધ્યાન રાખવાના સમયે બાજુમાં આવીને પહેલો ઊભો રહી જાય એનું નામ ભાઈબંધ અને જરૂર ન હોય ત્યારે પહેલો રવાના થઈ જાય એનું નામ મિત્રતા. મિત્રતા અત્યંત કીમતી સંબંધ છે. આ સંબંધ ઉંમરના એક સ્તર સુધી જ બંધાતા હોય છે એ પણ એટલું જ સાચું છે. સ્વાર્થ વિના અને કામ વિના જોડાયેલી દોસ્તીમાં મોટા ભાગે સંબંધો માટેની લાગણી હોય છે. નોકરીમાં મળી ગયા હોઈએ ત્યારે કે પછી ધંધા દરમ્યાન જોડાઈ ગયા હોઈએ ત્યારે એમાં નાનો અમસ્તો પણ સ્વાર્થ હોય જ છે અને એ રહે પણ ખરો. એમાં કંઈ ખોટું નથી, પણ ખોટું એ છે કે એ બન્યા પછી તમે એને નિસ્વાર્થ ભાવના, ભાઈબંધીના કે યારીદોસ્તીના સંબંધો માની લો.

આ પણ વાંચોઃ તાત્કાલિક વેચવાના છે : હિન્દુ તહેવારો, જેની સામે વૉટ્સઍપ-બહાદુરોને બહુ તકલીફો છે

સ્કૂલ દરમ્યાન થયેલી મિત્રતા લાંબો સમય ટકે તો મારી દૃષ્ટિએ તમે ભાઈબંધીને લાયક ઉમેદવાર છો. જો કૉલેજ દરમ્યાન દોસ્તી થઈ હોય અને એ અકબંધ રહે તો એવું ધારવું કે ભાઈબંધી માટે હવે તમે યોગ્યતા ધરાવો છો અને સ્કૂલ-કૉલેજ પછી આ સંબંધો રચાય તો એવું ધારવું કે ભાઈબંધીની ઉંમર વટાવીને તમે પાકટ-મિત્રતાના દ્વારે ઊભા છો. આ પાકટ-મિત્રતામાં તમારી પીઠ પાછળ આડા-અવળા કે ઊંધા-ચત્તા શબ્દો બોલાય તો એનો રંજ રાખીને ભાઈબંધીને ગાળો નહીં ભાંડવાની, કારણ કે એમાં સ્વાર્થની ભાવના કોઈ પણ ઘડીએ સપાટી પર આવી શકે છે. સપાટી પર આવતી આવી ભાવના જ તમને યાદ કરાવી શકે છે કે દોસ્ત ક્યારેય જમીનદોસ્ત ન કરે અને જમીનદોસ્ત કરે એ ક્યારેય દોસ્ત હોય નહીં.

columnists