૩૩ ટકા મહિલાઓને : કહો જોઈએ, કોણે આ નિયમનું પાલન ચુસ્તપણે કર્યું છે?

18 April, 2019 09:47 AM IST  |  | મનોજ નવનીત જોષી

૩૩ ટકા મહિલાઓને : કહો જોઈએ, કોણે આ નિયમનું પાલન ચુસ્તપણે કર્યું છે?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

રાજકારણમાં ૩૩ ટકા મહિલાઓને પ્રવેશ મળે, મહિલાઓના અવાજને પ્રાધાન્ય મળે, તેમના સવાલ અને તેમની મૂંઝવણને પણ સ્થાન મળે એવા હેતુથી ટિકિટની વહેંચણીમાં ૩૩ ટકા અનામતની જાહેરાત દેશના તમામ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી હતી અને આ જાહેરાત પછી નારીને પ્રાધાન્ય આપવાનું પણ શરૂ થયું; પણ પહેલા અને બીજા વર્ષો, એ પછી ફરી પરિસ્થિતિ એ જ આવી ગઈ જેમાં મહિલા ઉમેદવારોને હાંસિયાની બહાર ધકેલી દેવામાં આવ્યાં. આજે જુઓ તમે ૩૩ ટકા શું, લોકસભા ઇલેક્શનમાં ૨૩ ટકા સુધી પણ મહિલાઓની અનામત જાળવવામાં નથી આવી અને તેમને પ્રાધાન્ય નથી અપાયું. આ જે અવસ્થા છે એ અવસ્થા જ દેખાડે છે કે નારીશક્તિ અને મહિલા સશક્તીકરણની જેકોઈ વાતો થાય છે એ વાતો માત્ર હવામાં છે અને એ વાતોનો કોઈ અર્થ નથી સરતો. જો તમને એવું લાગતું જ નથી કે ૩૩ ટકા મહિલાઓ આ સત્તા પર પહોંચી શકે તો તમે કયા મોઢે એવી વાતો કરી હતી કે ૩૩ ટકા મહિલાઓને તમે લોકસભા અને વિધાનસભામાં સામેલ કરશો?

પ્રશ્ન એ નથી કે તમે પ્રાધાન્ય આપવામાં નિષ્ફળ ગયા છો, પણ પ્રશ્ન એ છે કે તમે જાહેરાત કરી દીધા પછી વાસ્તવિકતાથી દૂર શું કામ ભાગો છો? જો આજે પણ આ દેશની મહિલા રાજકારણ માટે સક્ષમ ન હોય તો તમારે એ સમજવું પડે કે તમે તમારી જ ઍનૅલિસિસમાં નિષ્ફળ ગયા હતા. તમારે એ પણ સ્વીકારવું પડે અને સ્વીકારીને જાહેર પણ કરવું પડે કે તમે કયા કારણસર તમારા રાજકીય એજન્ડામાં નારીઓને સમાવિષ્ટ કરવા રાજી નથી. ભારતીય જનતા પાર્ટી હોય કે કૉન્ગ્રેસ કે પછી ભલે હોય શિવસેના, સૌકોઈએ એકબીજાની દેખાદેખીમાં આ વાત સ્વીકારી પણ લીધી હતી અને આ વાતનો અમલ કરવાની તૈયારી પણ કરી દીધી હતી, પણ લોકશાહીના એક પણ સ્તર પર તમને એવું સૂઝ્યું નહીં કે મહિલાઓને આપવામાં આવેલું ૩૩ ટકા અનામતનું પ્રૉમિસ આ સ્તર પર પૂરું કર્યું. કૉર્પોરેશનથી માંડીને, ગ્રામપંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ આ વાતને પાળવામાં ન આવી અને વિધાનસભા તથા લોકસભા તો આંખ સામે છે જ છે.

આ પણ વાંચો : પક્ષ બદલો, ટિકિટ મેળવો : તહેવારે-તહેવારે ધર્મ બદલાવવાનો આ તે કેવો ધર્મ?

જો ૩૩ ટકાની લાયકાત નથી તો પછી આ પ્રકારનાં વચનો શું કામ અને ધારો કે એ લાયકાત નથી અને તમે સાચા છો તો પછી શું કામ એ માટે મહિલાઓને તૈયાર કરવાની માનસિકતાનો અભાવ રાખવાનો. રાજકારણમાં મહિલાઓ જેટલો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ કોઈ નથી આપી શકતું એ હકીકત છે. રાજકારણ મહિલાઓના લોહીમાં છે એવું કહેવું એ જરા પણ અતિશયોક્તિ નથી. જો તમને ક્યાંય પણ એવું લાગે કે આ વાત ખોટી છે તો તમારા જ શબ્દોને સાચા પુરવાર કરવા માટે મહિલાઓને તૈયાર કરો. મહિલાઓને રાજકારણ માટે તૈયાર કરવા માટે કાર્યક્રમ થવા જોઈએ, જે નથી થઈ રહ્યા. એને માટેના સેમિનાર થવા જોઈએ એ પણ નથી થઈ રહ્યા અને કાર્યક્રમ કે સેમિનાર નાના સ્તરે થવા જોઈએ. જો એ થાય તો જ નાનામાં નાના સેન્ટરની મહિલાઓ પણ એમાં ભાગ લેવાનું શરૂ કરે અને રાષ્ટ્રને લાભદાયી બને એવા રાજકારણને કાર્યક્ષેત્ર બનાવે.

manoj joshi columnists