યોગ્ય કામ અને અયોગ્ય વ્યક્તિનો સાથઃ કલકત્તા એનું બેસ્ટ ઉદાહરણ છે

30 June, 2019 02:20 PM IST  |  મુંબઈ | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

યોગ્ય કામ અને અયોગ્ય વ્યક્તિનો સાથઃ કલકત્તા એનું બેસ્ટ ઉદાહરણ છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મમતા બૅનરજીએ કલકતા અને પશ્ચિમ બંગાળમાં ભરપૂર કામ કર્યું છે. જો તમારે કલકત્તા જવાનું બને તો સામાન્યમાં સામાન્ય માણસને પૂછજો, એ આ જ કહેશે અને આ સાચો જ જવાબ છે અને એમાં કશું ખોટું પણ નથી. શહેરની આખી સિકલ બદલી નાખી છે. તમને માનવામાં નહીં આવે પણ આપણાં દેશનાં ચાર મેટ્રો સિટીમાં મેક્સિમમ પ્લાન્ટેશન અને વૉટર બોડી સૌથી વધારે કલકત્તામાં ડેવલપ કરવામાં આવ્યાં છે અને એ પણ છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન. શહેરની સૂરત બદલાઈ ગઈ છે, તો સાથોસાથ શહેરની રોનક પણ એકદમ નોખી કરી નાખી છે અને એમ છતાં પણ, એમ છતાં પણ આ જ કલકત્તાવાસીઓનું માનવું છે કે દીદી એક બાબતમાં ખોટું કરે છે.

મમતાદીદી જે રીતે નરેન્દ્ર મોદી અને બીજેપી સાથે મોરચા ખોલે છે એ ઑરિજિનલ બંગાળીઓને પણ ગમી નથી રહ્યું. લોકસભાનું આ વખતનું પરિણામ પણ એ જ દેખાડે છે. મોઢા પર દીદીની તારિફ હતી અને વોટ બીજેપીને આપવામાં આવતા હતા. આવું બન્યું શું કામ એ જરા જાણવું અને સમજવું જોઈએ.

દીદીની સંગત. અડધું કલકત્તા અત્યારે એવું કહે છે કે દીદી કામ કરવામાં અને રિઝલ્ટ આપવામાં શ્રેષ્ઠ છે, પણ તેની આજુબાજુમાં જે ખોટા લોકો ગોઠવાઈ ગયા છે એ લોકોની ચડામણીને લીધે દીદીનો સ્વભાવ છેલ્લા થોડા સમયથી બદલાયો છે. દીદી હવે નાની-નાની વાતમાં અગ્રેસિવ થઈ જાય છે, ઝડપી પણ ખોટા નિર્ણયો લે છે. ખોટા પણ અને ખોટી વ્યક્તિઓ દ્વારા સૂચવવામાં આવ્યા હોય એવા પણ. આ કોઈ અંગત રાગદ્વેષથી કહેવામાં આવેલી વાત નથી, પણ આ બંગાળીઓ પાસેથી જાણવા મળી એ હકીકત છે. દીદીએ પશ્ચિમ બંગાળમાં પુષ્કળ કામ કર્યું છે, તેણે અઢળક મહેનત કરી છે અને એ મહેનત ઊડીને આંખે વળગે છે, પણ આપણે ત્યાં એક ગુજરાતી કહેવત છે - કર્યા-કારવ્યા પર પાણી ફેરવી દેવું. દીદી અત્યારે એ જ કરી રહ્યાં છે. બધું સરખું કર્યા પછી એ હવે કાચા કાનના બનીને આજુબાજુમાં જે કોઈ સ્વાર્થી ટોળી જમા થઈ છે એના કહેવા મુજબ અને એના દોરવ્યા મુજબ ચાલે છે. જેને લીધે બને છે એવું કે જે પાર્ટી સાથે એક સમયે મસ્તમજાનાં સંબંધો હતાં એ સંબંધોમાં ખટાસ આવી ગઈ છે.

આ પણ વાંચો : સમય બદલાય છેઃ અયોગ્ય સમયે લીધેલો સાચો નિર્ણય પણ અયોગ્ય પુરવાર થતો હોય છે

બંગાળીઓ પણ ઈચ્છે છે કે દીદી અને બીજેપીનું સંગઠન સાથે રહે. બંગાળીઓની ખ્વાહિશ પણ છે કે મુંબઈ જેવું જ એટ્રેકશન કલકત્તાનું ઊભું થાય અને બંગાળીઓ પણ ઈચ્છે છે કે દેશ આખાની હાઈએસ્ટ ચીટર કંપનીઓ ધરાવતા કલકત્તાનું નામ ક્લીન સિટીમાં આવે, પણ આ બધું રોકવાનું કામ દીદીના મળતિયાંઓ કરી રહ્યા છે. કામ યોગ્ય છે, પણ અયોગ્ય વ્યક્તિનો સાથ છે એટલે આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આટલી મહેનત પછી પણ દીદી પશ્ચિમ બંગાળમાં લોકચાહના ગુમાવી રહ્યાં છે. ગુમાવાઈ રહેલી આ લોકચાહનાની અસર લોકસભા સમયે જોવા મળી ગઈ અને હવે વિધાનસભા ઇલેકશન સમયે દેખાવાની છે. આશા રાખીએ એ પહેલાં સૌના મનમાં રામ વસે.

જય શ્રીરામ.

columnists manoj joshi