મતદાન:આજે ચૂક્યા તો આવતાં પાંચ વર્ષ સુધી ફરિયાદ કરવાનો તમને હક નહીં રહે

21 October, 2019 01:02 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

મતદાન:આજે ચૂક્યા તો આવતાં પાંચ વર્ષ સુધી ફરિયાદ કરવાનો તમને હક નહીં રહે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હા, તમારાથી ફરિયાદ નહીં થઈ શકે કે આ સરકાર કાંઈ કામ નથી કરતી અને આ સરકાર સાવ નકામી છે. તમે મંત્રાલયની પણ ફરિયાદ નહીં કરી શકો અને તમે મુખ્ય પ્રધાનની પણ ફરિયાદ નહીં કરી શકો, પણ જો તમારે હકપૂર્વક ફરિયાદ કરવી હોય, હકપૂર્વક રાવ કરવી હોય અને એ અધિકાર જોઈતો હોય તો તમારે આજે ઘરની બહાર નીકળવું પડશે અને આળસ કર્યા વિના, કોઈ પણ જાતની કામચોરી કે અવળચંડાઈ કર્યા વિના સીધું મતદાન-કેન્દ્રમાં જઈને મતદાન કરવું પડશે.
મતદાન. અમૂલ્ય દાન છે આ મતદાન. લોકશાહીને અકબંધ રાખવા માટે અને લોકશાહીની તંદુરસ્તી માટે એની આવશ્યકતા છે. જો રક્તદાન માણસને જીવતો રાખે છે તો લોકશાહીને જીવતી રાખવા માટે મતદાન આવશ્યક છે. એક તબક્કો હતો કે લોકોને મતદાન પ્રત્યે અરુચિ આવી ગઈ હતી. ૩૦ અને ૩૫ ટકા મતદાન વિશે પણ વાંચ્યું છે અને એનાથી ઓછા મતદાનની પણ વાતો સાંભળી છે, પણ થૅન્ક ગૉડ, નવી જનરેશન પોતાની જવાબદારી સમજે છે. છેલ્લાં થોડાં વર્ષોથી મતદાન માટે જે જાગૃતિ આવી છે એ જાગૃતિ આજે પણ આપણે અકબંધ રાખવાની છે અને સવારનું પહેલું કામ, મતદાન કરવાનું છે. ભૂલ્યા વિના, ચૂક્યા વિના.
વિશ્વની સૌથી મોટી લોકશાહી હિન્દુસ્તાનની છે. આ લોકશાહી આપણા આધાર પર ટકી છે, મારા અને તમારા મત પર, વોટ પર આધારિત છે. લોકશાહીમાં એકેક વોટનું મૂલ્ય અમૂલ્ય છે. જો એ ચૂક્યા તો ક્યાંક ને ક્યાંક તમે દેશ સાથે ગદ્દારી કરી ગણાશે. નહીં કરતા આવી ગદ્દારી. રાષ્ટ્રને અકબંધ રાખવા અને આ રાષ્ટ્રના શ્રેષ્ઠ એવા મહારાષ્ટ્ર રાજ્યના વિકાસ માટે, એના ગ્રોથ અને એને વધુ મજબૂત બનાવવા માટે એકેક વોટની આવશ્યકતા રહેવાની છે અને એ આપવાનો છે, ભૂલ્યા વિના.
ઘણાને એવી આદત હોય છે કે તે નિરાંતે મતદાન માટે નીકળે છે, પણ હું કહીશ કે આ કામમાં નિરાંત શોધવાની જરૂર નથી. એક દિવસ આરામથી જાગવાની લાય પણ મનમાં નહીં રાખતા. ગઈ કાલે રવિવાર હતો, રજા માણી લીધી અને એ પછી પણ ધારો કે રજા માણવી હોય તો કશું ગુમાવવાનું નથી. સવારનું પહેલું કામ મતદાનનું કરીને પછી આખો દિવસ રજા માણજો, કોઈ ના નથી પાડવાનું. જો સમયસર ન જવું એ પણ યોગ્ય વાત તો નથી. દિવસ દરમ્યાન કોઈ પણ ઇમર્જન્સી આવી જાય અને એ ઇમર્જન્સીમાં ભાગવું પડે તો એવા સમયે કરી લીધેલું કામ જ સાથે આવવાનું છે. નિરાંત જ્યાં હોવી જોઈએ ત્યાં હોવી જોઈએ. ઇલેક્શન કમિશન મૂર્ખ નથી કે એ ૭ વાગ્યામાં મતદાનની વ્યવસ્થા કરે છે. આપણા વડીલો પણ મૂર્ખ નહોતા કે તેઓ સવારે પહેલું કામ મત આપવાનું કરતા અને પછી પોતાના કામધંધે લાગતા. સરકારી નોકરી હોય અને આજના દિવસે રજા હોય તો બ્રશ કરીને મતદાન માટે નીકળી પડજો અને પાછા આવતાં મસ્તમજાનાં ગાંઠિયા-જલેબી સાથે લાવીને ઘરના બધા સાથે સવારનો નાસ્તો કરજો.
કોને મત આપવો એ કહેવાનું નથી, શું કામ મત આપવો એ પણ કહેવા જવાનું નથી, પણ મત આપવામાંથી ચૂકવાનું નથી એ હકીકત પણ વીસરવાની નથી. મતદાન આવશ્યક છે. રક્તદાન જેટલું જ મૂલ્યવાન અને મહત્ત્વનું છે. માઇન્ડ ઇટ.

manoj joshi columnists