એવા લોકોને લાવો સામે, જે દુનિયા આખી માટે દૃષ્ટાંત સમાન છે

10 June, 2019 09:55 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

એવા લોકોને લાવો સામે, જે દુનિયા આખી માટે દૃષ્ટાંત સમાન છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

યુ-ટ્યુબ ડોટકોમનો સદુપયોગ કરીને એના દ્વારા સકારાત્મક વાતો લોકો સુધી પહોંચાડીએ એ વિશે ગઈ કાલે વાત કહ્યા પછી કેટલાક મિત્રોના ફોન આવ્યા, યંગસ્ટર્સના મેસેજ આવ્યા કે આ કામ કરવું કઈ રીતે અને એની દિશા કેવી હોવી જોઈએ?

સામાન્ય રીતે મેસેજના જવાબો આપવાની બાબતમાં કે પછી અજાણ્યા નંબરો પર વાત કરવાની બાબતમાં હું આળસુ છું એવું કહું તો ચાલે ખરું, પણ સંજોગોવશાત મોટા ભાગના ફોન પણ રિસિવ થયા. મેસેજ પર પુછાયેલા એ સવાલનો જવાબ હું અહીંયા આપવા માગું છું. આ કામ એવી રીતે કરવાનું છે કે દુનિયાને પ્રેરણા મળે અને તમારી આજુબાજુમાં રહેલાં સૌ કોઈને એ દિશામાં કામ કરવાનું દૃષ્ટાંત મળે. યુ-ટ્યુબ પર એવા લોકોને લાવવાના છે જે જગત આખા માટે શ્રેષ્ઠ ઉદાહરણ સમાન છે. તમને એક સજ્જનની વાત કહું.

રાજકોટમાં એક ભાઈ છે, એ ભાઈનું નામ કોઈને ખબર નથી, પણ બધા એમને ‘કૂતરા ભગત’ કહે છે. આ કૂતરા ભગતના બન્ને પગે પાટા બાંધ્યા હોય અને તેમના હાથમાં એક થેલી હોય. એ થેલીમાં રોટલા-રોટલીઓ હોય. સવારે એ ઘરેથી નીકળે ત્યારે એ આખી થેલી ભરીને નીકળે અને જ્યાં પણ કૂતરા જોવા મળે ત્યાં તે એ કૂતરાઓનું પેટ ભરે. દુનિયા આખી એ વાત સ્વીકારશે કે પ્રામાણિકતા અને વફાદારીમાં જો કોઈ શ્રેષ્ઠ પ્રાણી હોય તો એ ડોગી છે. આ ડોગીઓના પાલક પિતા જો કોઈ હોય તો એ છે આ કૂતરા ભગત. સાચું કહું તો તેમનું સાચું નામ મને પણ અત્યારે યાદ નથી, પણ આ કૂતરા ભગતને તમે મળો તો તમને એવું લાગે કે જાણે કોઈ ઓલિયા આત્માને તમે મળી રહ્યા છો. એમની આજુબાજુમાં રખડતાં કૂતરાઓનું એક મોટું ઝૂંડ હોય અને એ કોઈની બીક તેમને લાગે નહીં. પગે પાટા બાંધવાનું કારણ પણ તમને કહી દઉં.

આ પણ વાંચો : યુટ્યુબનો સદુપયોગ કેવી રીતે કરવો : શરૂ કરો સત્કારની વાતો અહીંથી, પહોંચાડો એને સૌ સુધી

તેમને પગે કૂતરાઓએ ખૂબ બટકાં ભર્યાં પછી તેમણે આ સેફ્ટી માટે કર્યું છે. અજાણી ગલીમાં જાય તો અજાણ્યા કૂતરાઓ સ્વાભાવિક રીતે તેમના ઈરાદાને પારખી ન શકે એટલે એ હુમલો કરી બેસે, પણ હરામ છે જો એ કૂતરાનો પ્રતિકાર કરે તો. બુચકારા બોલાવીને જ શાંત કરવાના અને કૂતરાને ક્યારેય હટ નહીં કહેવાનું. આ કૂતરાઓના પાલક પિતા ક્યારેય કોઈને સામેથી મળવા નથી જતાં, ક્યારેય તેમણે કોઈની પાસે દાનની માગણી નથી કરી અને એ પછી પણ તે દરરોજ ઓછામાં ઓછા સોથી બસ્સો રોટલાં-રોટલી કૂતરાઓને ખવડાવી દે અને ઓછામાં ઓછું પચાસ લિટર દૂધ પીવડાવી દે. વિયાયેલી ડોગી મળે તો એ તેમની માટે બીજા દિવસે અચૂક શીરો બનાવીને લઈ આવે અને એ કૂતરીને ખવડાવે. આવાં અનેક સદ્ગૃહસ્થ છે જે ખરેખર દુનિયાભર માટે પ્રેરણાદાયી છે. અમદાવાદમાં એક વડીલ છે, એનું એક જ કામ છે. એ સવારથી નીકળીને રસ્તા પરનો કચરો એકત્રિત કરે છે. નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાનો સંદેશો આપ્યાને પાંચ વર્ષ થયાં પણ આ મહાશય લગભગ આઠ વર્ષથી આ કામ કરે છે. પોરબંદર પાસે એક સ્વજન ગાંડાઓની સેવા કરે છે. આ ગાંડાઓએ અનેક વખત તેમના પર હુમલો કર્યો છે પણ એમ છતાં, સ્વજન પોતાનું કામ કર્યા કરે છે અને એ પણ પૂરી નિષ્ઠાથી.

યુ-ટ્યુબ જેવા માધ્યમથી આ મહાત્માઓને અને તેમનાં કામોને દુનિયા સમક્ષ મૂકવાની જરૂર છે એવું મારું દૃઢપણે માનવું છે.

manoj joshi columnists youtube