કૉલમ : આજનું કહેવાતું ઇન્ટેલિજન્ટ બૉક્સ મંદબુદ્ધિનું પ્રતીક છે

25 April, 2019 09:58 AM IST  |  | મનોજ નવનીત જોષી

કૉલમ : આજનું કહેવાતું ઇન્ટેલિજન્ટ બૉક્સ મંદબુદ્ધિનું પ્રતીક છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

એક સમયે આપણે ત્યાં ટીવીને ઇડિયટ બૉક્સ ગણવામાં આવતું, પણ આજના ટીવી કન્ટેન્ટને જોઈને કહેવાનું મન થાય છે કે એ સમયનું ટીવી જરાપણ ઇડિયટ બૉક્સ નહોતું, સાચા અર્થમાં એ ટીવી ઇન્ટેલિજન્ટ હતું અને આજે, ટીવી ઇન્ડસ્ટ્રી જેને ઇન્ટેલિજન્ટ બૉક્સ કહે છે એ ખરા અર્થમાં મંદબુદ્ધિનું પ્રતીક લાગે છે. આજનું આ ટીવી ખરેખર માથાનો દુખાવો છે. ન્યુઝ-ચૅનલ હોય તો એને પણ આ જ વાત લાગુ પડે અને જનરલ એન્ટરટેઇનમેન્ટ ચૅનલોને પણ આ વાત લાગુ પડે છે. તમે એ દિવસોના ટીવી-શો યાદ કરો, એ સમયના મનોરંજક પ્રોગ્રામોનું લિસ્ટ કાઢીને એને આજના પ્રોગ્રામો સાથે સરખાવો, તમે પણ મારી વાત સાથે બિલકુલ સહમત થઈ જશો.

અલ્ટિમેટલી વાત આવીને ઊભી રહે છે કન્ટેન્ટ પર અને કન્ટેન્ટને જ્યારે પણ અવગણવામાં આવ્યો છે ત્યારે એણે ઘોર ખોદવાની ચાલુ કરી છે. ફિલ્મ હોય કે પછી ટીવી કે પછી રંગભૂમિ, નામ ક્યારેય ચાલતાં નથી અને એ ચાલવા પણ ન જોઈએ. કન્ટેન્ટ જ સર્વોપરી હોવા જોઈએ. વીસ વર્ષ પહેલાંની એકેક સિરિયલ જુઓ તમે, તમને રીઅલાઇઝ થશે કે એ સમયે ખરેખર વાર્તાનું મહkવ કયા સ્તર પર હતું, પણ હવે એવું બિલકુલ રહ્યું નથી. એકેક ઍપિસોડની વાર્તા સાથે આવતા શો જુઓ અને આજના શો જુઓ. શ્રેષ્ઠ નૉવેલના રાઇટ્સ લઈને બનાવવામાં આવતી એ સમયની સિરિયલો જુઓ અને આજની સિરિયલો જુઓ તમે. તમને કહેવાનું મન થઈ આવે કે તમારા દેશમાં ટીવીના નામે ઊકરડો પીરસવામાં આવે છે. આ બધામાં હું ક્યાંય રાઇટર્સનો વાંક નથી કાઢવાનો, એ તો બિચારા જે માગશે એ નાછૂટકે આપી દેવાનું કામ કરશે. બહુ સારા રાઇટર હશે એ ટીવી તરફ જવા જ રાજી નહીં થાય. કામની કમી હશે તો તે નાટક કરી લેશે કે પછી કામ માટે સ્ટ્રગલ કરી લેશે, પણ ટીવી માટે કામ કરવા રાજી જ નહીં થાય. મારા અનેક એવા રાઇટર ફ્રેન્ડસ છે જેની પાસે ટીવીનું નામ પણ બોલી શકાતું નથી. તે લોકો ટીવી સાથે જોડાવા રાજી જ નથી. હું તેમની આ નારાજગી જોઉં ત્યારે મને ખરેખર થાય કે આપણે ખૂબ સારા રાઇટરને તો ટીવી પર લાવી જ નથી શકતા તો પછી ટીવીની દુનિયાને શું બટકા ભરવાના?

આ પણ વાંચો : નેવર એન્ડિંગ સિરિયલ, નેવર એન્ડિંગ હેડેક : આરંભ છે એનો અંત કદાપિ નથી

ટીવી, આજનું ટીવી પહેલાં કરતાં હજાર દરજ્જે નબળું અને વિકલાંગ છે એવું કહેવામાં મને કોઈ સંકોચ નથી થઈ રહ્યો. પહેલાંનું ટીવી હેલ્ધી હતું અને પહેલાંનું ટીવી સાચા અર્થમાં માનસિક તંદુરસ્તી આપવાનું કામ કરતું હતું. વીકમાં બેચાર કે વધીને છ સિરિયલો જોવાની હતી જેની માટે અઠવાડિયા પહેલેથી જ રાહ જોવાતી અને લોકો પોતાના ઘરના શેડ્યુઅલ એ મુજબ બનાવતા. ટીવી સામે ફૅમિલી બેસી રહ્યું હોય તો તમને એનો અફસોસ નહોતો થતો, પણ આજે ટીવી સામે બેસી રહેવાનો અર્થ હું તો ખરેખર ચિંતાજનક જ ગણું છું. મારા ઘરમાં ટીવી ચાલુ કરવાની મનાઈ નથી પણ હા, મારા ઘરમાં મારા આવ્યા પછી ટીવી ચાલુ રાખવાની મનાઈ ચોક્કસ છે. આ મનાઈ કરવાનું કારણ હિટલરશાહી નથી, પણ આ મનાઈનો હેતુ પારિવારિક સ્વાસ્થ્ય છે. હું કહીશ કે દરેક ઘરના પુરુષોએ આવો નિયમ બનાવવો જોઈએ કે તે ઘરમાં આવે એટલે ટીવી બંધ થઈ જવું જોઈએ, છેક ત્યાં સુધી જ્યાં સુધી તે ઘરમાં રહે. લાભદાયી છે, એક વખત પ્રયોગ કરીને જોઈ લેજો.

manoj joshi columnists