સુરતકાંડ : કોઈનો જીવ આટલો સસ્તો કેવી રીતે હોઈ શકે?

27 May, 2019 11:58 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સુરતકાંડ : કોઈનો જીવ આટલો સસ્તો કેવી રીતે હોઈ શકે?

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં ભીષણ આગ

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જેટલું મુંબઈ મને વહાલું છે એટલું જ સુરત મને પ્રિય છે. બહુબધા મિત્રો સુરતમાં રહે છે અને તેમને મળવાનું અત્યંત નિયમિત રીતે બન્યા કરે છે. સુરત જવાનું પણ વારંવાર બને એવું કહું તો પણ ખોટું નથી. વર્ષમાં વીસેક વખત તો જવાનું બને જ છે અને એટલે જ મજાકમાં કહેતો પણ હોઉં છું કે ભવિષ્યમાં એક ઘર સુરતમાં લઈ લેવાનો છું.

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગમાં આગ લાગી અને એ આગમાં ૨૦થી વધુ સ્ટુડન્ટ્સના જીવ ગયા. હવે એ ઘટનાનું પોસ્ટમૉર્ટમ શરૂ થયું છે અને એટલે બધાના વાંક બહાર આવવાનું શરૂ થયું છે. મને કહેવું છે એ કે જેકાંઈ બન્યું એ દેખાડે છે કે આપણે ત્યાં શાકભાજી મોંઘાં હોઈ શકે, ફ્રૂટ્સ મોંઘાં હોઈ શકે છે, પણ માણસનો જીવ બહુ સસ્તો છે. સાચા અર્થમાં કહું છું હું આ? સુરતમાં અગાઉ પણ આવી જ ઘટના બની હતી અને ટ્યુશન ક્લાસમાં આગ લાગતાં એક બાળક સહિત બે જણના જીવ ગયા હતા. ક્લાસ, સ્કૂલ જેવા કૅમ્પસમાં તમારાથી કેવી રીતે બેદરકારી થઈ શકે, કઈ રીતે બેદરકારી રાખી પણ શકાય?

ઘટનાની ગંભીરતાનો અંદાજ ન હોય એવું બની પણ કેવી રીતે શકે? આવો જવાબ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે એટલે આ વાત વધારે અચરજકારક લાગે છે. તમે જે જગ્યાએ કામ કરો છો, ફરજ બજાવો છો એ જગ્યા જ તમને સતત ગંભીર બનાવવાનું કામ કરે છે અને એ પછી તમારો બચાવ એવો છે કે ઘટનાની ગંભીરતાનો અણસાર નહોતો મળ્યો. મારું કહેવું એ છે કે આવા જવાબ આપનારાઓ કેટલા બેદરકાર છે કે ફાયર જેવા ડિપાર્ટમેન્ટમાં રહ્યા પછી પણ એ એવું માને છે કે ઘટનાની ગંભીરતાનો અણસાર તો સામેવાળી વ્યક્તિ આપશે. ફટ છે આવું માનનારાઓને. આ વાત એ બધાને લાગુ પડે છે જે બધા ઇમર્જન્સી સર્વિસ અને સેવા સાથે જોડાયેલા છે.

આ પણ વાંચો : અવાચક અવસ્થા: લોકસભા રિઝલ્ટ પછી પણ વિરોધ પક્ષ જવાબ આપવાની સ્થિતિમાં નથી

બાળકોના જીવ ગયા. જરા કલ્પના તો કરો કે એ બાળકો જ્યારે ઘરેથી નીકળ્યાં હશે ત્યારે શું નક્કી કરીને અને શું વિચારીને નીકળ્યાં હશે? તેમના મનમાં શું ચાલતું હશે અને તેમણે કેવાં-કેવાં સપનાં જોયાં હશે. આપણે મંગળ પર પહોંચી જવાના દાવાઓ કરતા થઈ ગયા, પણ સાલું ચાર માળના બિલ્ડિંગની અગાસી પર પણ પહોંચી શક્યા નહીં. હું કહીશ કે આ ઘટનામાં બેજવાબદાર રહેનારાઓને શોધવા એ પણ માણસાઈનું ખૂન છે. આ ઘટના પછી જવાબદાર સૌકોઈએ સામે આવીને શરણાગતિ સ્વીકારવી જોઈએ. એ બાળકોની ચીસ, એ બાળકોનો દેકારો અને એ બાળકોની રૂંવાડાં ઊભાં થઈ જાય એવી રાડો તમે કલ્પી શકો છો. કોઈને મરવું નથી હોતું અને કોઈને મરવાની ઇચ્છા પણ નથી થતી. કોઈ ઇચ્છતું નથી કે અકાળે અંત આવે અને કોઈ એવી ધારણા પણ નથી રાખતું અને છતાં આવું બન્યું. બાળકોના જીવ ગયા અને બાળકોના આયુષ્ય પર અંતિમવિરામ મુકાઈ ગયું. આ અંતિમ વિરામ મૂકનારાઓને ઍટલિસ્ટ ડામ તો દેવા જ જોઈએ, જેથી તેમને ખબર પડે, તેમને સમજાય કે દાઝ્યા પછી કેવી ભયાનક પીડા થાય છે.

surat columnists manoj joshi