જમ્મુ-કાશ્મીર અને લદાખઃ શંકા હોય એ PMની ગઈ કાલની 40મિનિટની સ્પીચ સાંભળે

10 August, 2019 09:57 AM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જમ્મુ-કાશ્મીર અને લદાખઃ શંકા હોય એ PMની ગઈ કાલની 40મિનિટની સ્પીચ સાંભળે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

જમ્મુ-કાશ્મીરને એક સ્ટેટમાંથી બે યુનિયન ટેરેટરી જાહેર કરી એમાં તો જગત આખામાં દેકારો બોલી ગયો. કેટલાકને પેટમાં બળતરાં ઊપડી ગઈ તો કેટલાકની આંખોમાં આંસુ આવી ગયા. પાકિસ્તાન પોતાની સ્ટ્રેટેજીમાં લાગી ગયું અને કાશ્મીરમાં બેઠેલા ભારત-વિરોધીઓએ પણ દેકારો મચાવી દીધો. બધાનો એક જ હેતુ હતો, એક જ નીતિ હતી કે ભારતનો આ નિર્ણય ખોટો છે એ સાબિત કરવું અને દર્શાવવું કે જમ્મુ-કાશ્મીરને આનાથી સૌથી મોટું નુક્સાન થશે.

જમ્મુ-કાશ્મીર માટે એક વખત કહ્યું હતું કે એ પ્રદેશ જ આપણો છે એવું માનવાની જરૂર નથી, પણ એ પ્રદેશની એકેક વ્યક્તિ આપણી છે એવું સમજીને ચાલવાની જરૂર છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીએ આપેલી સ્પીચમાં તેમણે આ જ વાતને પોતાના શબ્દોમાં દર્શાવી છે. જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોને મળનારો લાભ હવે મળશે. આજ સુધી એ લોકો આ લાભથી વંચિત રહ્યા અને એને જ લીધે આતંકવાદથી માંડીને દુશ્મન દેશની વાતોમાં વિશ્વાસ કરવાની માનસિકતા આવી ગઈ. એક્યભાવ મનમાં ક્યારેય આવ્યો જ નહીં અને એટલે જ જ્યારે પણ કાશ્મીર જવાનું બન્યું છે ત્યારે તેમની વાતોને નોંધી છે. તમારી ઇન્ડિયન ફિલ્મ. આ શબ્દ જ્યારે એમના મોઢે આવતો ત્યારે હૈયામાં એક સેરડો પડી જતો. વેદના થતી અને દુઃખ પણ પારાવાર થતું. થતું કે તમે અમારા છો, આપણા જ છો અને એ પછી પણ તમને ઇન્ડિયન ફિલ્મો લાગે છે. આ બધા સાથે બનતું. કાશ્મીરમાં તો ખાસ બનતું. કાશ્મીરી હોટેલમાં તમે સ્ટૅ કરો એ પહેલાં

તમારી પાસે રજિસ્ટરમાં એન્ટ્રી કરાવે એમાં પણ ખાસ લખેઃ ઇન્ડિયન.
ભારતીય પ્રત્યેની આ જે કોઈ સૂગ હતી એ પાકિસ્તાનના પાપે હતી. પાકિસ્તાનીઓ ઈચ્છતા નહોતા કે ભારતીય અને કાશ્મીરીઓ એકબીજાને પોતાના પ્રેમમાં સમાવે અને એ જ કારણે એવી હાલત હતી કે એકબીજાને જ્યારે પણ જોવામાં આવતાં ત્યારે સૂગથી અને કાં તો નફરતથી જ આંખો મંડાતી. આ હકીકત છે. એકેક ભારતીય એવું માનતો થઈ ગયો હતો કે કાશ્મીરી છે તો એ આતંકી હોઈ શકે છે જ્યારે સામા પક્ષે, કાશ્મીરીઓને એવું લાગતું હતું કે આ ભારતીયોની હકુમતને કારણે આજે તે સૌ કોઈ સુખથી વંચિત છે. સુખથી દૂર રાખવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ પાકિસ્તાન હતું. પાકિસ્તાન ઈચ્છતું હતું કે કાશ્મીર એને મળે. આ એક માત્ર એવી જગ્યા હતી કે જ્યાંથી દેશમાં દાખલ થઈ શકાતું. આ એકમાત્ર સળગતો પ્રશ્ન હતો જેમાં સહકાર મળી જવાની શક્યતા મહત્તમ હતી. જોકે ભલું થજો, જમ્મુનું કે, એણે ક્યારેય બની બેઠેલા કાશ્મીરીઓને સહકાર આપવાનું કામ કર્યું નહીં, ક્યારેય કોઈને સાથ આપ્યો નહીં અને એ જ કારણે પાકિસ્તાનની મેલી મુરાદ કાશ્મીર રિજિયન પૂરતી સિમિત રહી પણ એમ છતાં, ભૂલવું ન જોઈએ - આતંકવાદ અને કૅન્સર એકસમાન છે. આગળ વધે તો તમને ખબર પણ ન પડવા દે અને તહસનહસ કરી નાખે.

હવે તહસનહસનો પ્રશ્ન નીકળી ગયો છે અને કલ્પનાતિત રીતે એ પ્રશ્નનો અંત આવ્યો છે. કોઈએ ધાર્યુ નહોતું કે મોદી સરકાર આ રીતે અને આટલી શિફતથી આ પ્રશ્નનો અંત લાવશે. આ અંત એ ત્રણ વિસ્તાર જમ્મુ, કાશ્મીર અને લદાખને નવો સુખનો સૂર્યોદય દેખાડશે એ નક્કી છે, કોઈ શંકા નથી એ વાતમાં.

manoj joshi columnists