કોઈની હાર ઈવીએમના કારણે, કોઈની હાર અણસમજુ મતદારોના કારણે

23 May, 2019 12:47 PM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

કોઈની હાર ઈવીએમના કારણે, કોઈની હાર અણસમજુ મતદારોના કારણે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આ તમે વાંચતા હશો ત્યાં સુધીમાં મતગણતરી શરૂ થઈ ગઈ હશે અને ન્યુઝ-ચૅનલો પણ દેકારા કરતી થઈ ગઈ હશે. આ વખતે પહેલી વખત કદાચ એવું બનશે કે આજે રાત સુધી પણ પિક્ચર ક્લિયર ન થાય અને છેક આવતી કાલે એની સ્પષ્ટતા આવે. આ એક ધારણા છે. અપેક્ષા રાખીએ આપણે કે એવું ન બને અને આપણને વહેલી ખબર પડે કે દેશમાં કઈ પાર્ટીની સરકાર બને છે. જોકે વાત અત્યારે જીતની નથી, વાત આજે હારની કરવાની છે. આજે થનારી હાર સૌથી વધારે મહત્વની છે, આજે થનારી હાર સૌથી વધારે ધ્યાન ખેંચનારી બની રહેવાની છે. આજે થનારી હારનાં ઠીકરાં કાં તો ઈવીએમ પર ફોડવામાં આવશે અને કાં તો આ હાર માટે મતદારોને જવાબદાર ગણી લેવામાં આવશે.

એક્ઝિટ પોલ આપણે ત્યાં દરેક વખતે સાચા પડતા હોય એવું નથી બન્યું. આમ તો ૨૦૦૦ની સાલથી છેક હમણાં સુધીના તમામ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે, પરંતુ એ પણ હકીકત છે કે ૨૦૧૪નો એક્ઝિટ પોલ અક્ષરસ: સાચો પડ્યો હતો. અરે, એવું પણ કહી શકાય કે ધારણા કરતાં પણ વધારે સારું પરિણામ એ સમયે બીજેપીએ આપ્યું હતું. જો એવું જ આ વખતે બન્યું, એક્ઝિટ પોલ સાચો પડ્યો તો બીજેપી સરકાર બનાવશે અને જો એવું બન્યું તો કૉન્ગ્રેસ અને એના સાથીપક્ષો દોષનો આખો ઢગલો ઈવીએમ પર ઢોળી દેશે. ઈવીએમ વિશે આપણી અગાઉ પણ વાત થઈ છે અને ઈવીએમ વિશે આપણે અગાઉ પણ લંબાણપૂર્વક ચર્ચા કરી છે. બે દિવસ પહેલાં એક વિડિયો પણ આવ્યો કે જેમાં ઈવીએમમાં ચેડાં કેવી રીતે થતાં હોય છે એ દેખાડવામાં આવ્યું, પણ ગણતરીના કલાકોમાં જ પુરવાર થઈ ગયું કે એ વિડિયો ફેક છે અને ઈવીએમ સાથે એવાં ચેડાં શક્ય નથી જ નથી. આ તો થઈ આડ વાત, આપણી વાત ચાલે છે આજે આવી રહેલાં રિઝલ્ટની અને રિઝલ્ટ જો કૉન્ગ્રેસની વિરુદ્ધ આવ્યું તો વધુ એક વખત ઈવીએમ ગાળો ખાશે.

આ જ વાત બીજેપીના દૃષ્ટિકોણથી કરીએ. ધારો કે બીજેપીની વિરુદ્ધ રિઝલ્ટ આવ્યું તો મતદારોના નામે દોષ જશે. વાત એમાં ખોટી પણ નથી. જનાધાર જે ઇચ્છતું હોય છે એ થતું હોય છે. જો મતદારો તમને ઇચ્છતા ન હોય તો તમે એમાં કશું ન કરી શકો. બીજેપીને ક્યાંય પણ પછડાટ મળે એવું દૂર દૂર સુધી દેખાતું નથી, પણ મારું કહેવું એટલું જ છે કે ધારો કે બીજેપીની વિરુદ્ધ પરિણામ આવ્યું તો દોષ મતદારોનો ગણાવાનો છે.

આ પણ વાંચો : શાસક પક્ષ વર્સસ વિરોધ પક્ષ : લોકશાહી માટે બન્ને મહત્વના, બન્ને અદકેરા છે

મતદારોએ પણ આ રિઝલ્ટ પરથી સમજવાનું છે કે આવતા મહિનાઓમાં વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે. લોકસભા અને વિધાનસભા ઇલેક્શન વચ્ચે આટલું ઓછું અંતર હોવું એ મારી દૃષ્ટિએ મહારાષ્ટ્ર માટે સારી વાત છે. કેન્દ્રમાં રહેલી નવી સરકારનો મહત્તમ લાભ મહારાષ્ટ્રની નવી સરકાર લઈ શકે એવું બની શકે છે. અન્ય રાજ્યોને આ પ્રકારનો ચોખ્ખો ફાયદો નથી થતો. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત વિધાનસભા ઇલેક્શન નવી સરકારની રચના પછી લગભગ અઢી વર્ષો રચાઈ છે જેથી ‘મામાના ઘરે પીરસવામાં મા’નો ઘાટ હોય તો પણ ગુજરાતને એ લાભ પૂરો નથી મળતો એ હકીકત છે. આપણે વિધાનસભામાં આ કામ કરી શકીએ છીએ અને એ કરવામાં જ આપણી બૌદ્ધિકતા છે.

manoj joshi columnists