માનવાધિકારની ચર્ચાઓ ખૂબ કરી, માનવ તરીકેનાં તમારાં કર્તવ્યોનું શું?

01 July, 2019 12:12 PM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

માનવાધિકારની ચર્ચાઓ ખૂબ કરી, માનવ તરીકેનાં તમારાં કર્તવ્યોનું શું?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ ભાવનગર જિલ્લાના એક ગામમાં વિડિયો કૉન્ફરન્સિંગ વખતે કર્તવ્યોને બદલે લોકોનો અધિકાર પર ઝુકાવ વધ્યો છે એ વિશે વાત કરી હતી. વાત સાવ સાચી છે. મેં એવો દેશજુવાળ ધરાવનારા લોકો જોયા છે જેમને દેશ માટે પોતાનું બધેબધું સમર્પિત કરી દેવાની તૈયારી હોય. જોકે હવે આવા લોકો એકલ-દોકલ જવલ્લે જ દેખાય. એક સમય એવો હતો ત્યારે પોતાના લોહીના છેલ્લા બુંદને પણ દેશદાઝમાં વાપરી દેવાની ઘેલછા ધરાવનારા લોકોનો તૂટો નહોતો. આ દેશદાઝમાંથી જ પ્રગટેલું આઝાદીનું સુખ આજે આપણે ભોગવી રહ્યા છીએ. એ દેશદાઝ એ કર્તવ્યપરાયણતામાંથી પ્રગટ થયેલી હતી. આજે આ દેશદાઝ નથી, કારણ કે લોકોને પોતાનાં કર્તવ્યો માટે સભાનતા નથી. જેટલી ચિંતા આજે માનવાધિકારોની કરવામાં આવે છે અને જેટલી પરવાહ અધિકારોના હનન માટે દેખાડવામાં આવે છે એની અડધી સભાનતા પણ પોતાનાં કર્તવ્યોની દિશામાં નથી. જો એ હોત તો આજે દેશની ઘણીબધી અવ્યવસ્થાઓ ઊભી જ ન થઈ હોત. સ્વચ્છ ભારત અભિયાનની જરૂર જ ન પડતી હોત. જો લોકો સમજતા હોત કે પોતાના દેશને ચોખ્ખો રાખવો એ પોતાની ફરજ છે, પોતાનું કર્તવ્ય છે. અધિકારોના ઝંડા લહેરાવવાનો અધિકાર તેમને જ છે જેમને પોતાની ફરજ, પોતાનાં કર્તવ્ય અને પોતાની જવાબદારી સમજાય છે. એ કર્તવ્ય નિભાવવાનું કૌવત તેઓ ધરાવે છે અને એ નિભાવવા માટેની સભાનતા પણ કેળવે છે.

દુઃખની વાત છે કે આ બાબતમાં આપણી પ્રજાને હજીયે સ્પૂન ફીડિંગ કરવું પડે છે. આ કહેવાની વાત જ નથી છતાં કહેવી પડી રહી છે. ભારતીય નાગરિક તરીકે તમને મળી રહેલા સંવિધાનિક તમામ અધિકારો ત્યારે જ મળે છે જ્યારે એની સાથે આવતાં તમારાં કર્તવ્યોને નિભાવવા માટે તમે કટિબદ્ધ હો.

આ પણ વાંચો : યોગ્ય કામ અને અયોગ્ય વ્યક્તિનો સાથઃ કલકત્તા એનું બેસ્ટ ઉદાહરણ છે

આ વાત માત્ર દેશની જ નથી, પણ તમારા પરિવારની, તમારા સમાજની પણ છે. તમારા પરિવારમાં જ તમને જે પણ આઝાદી મળી છે, જે પણ અધિકારો મળ્યા છે અથવા જે પણ પ્રિવલેજ મળી રહ્યા છે એની સાથે કેટલીક જવાબદારીઓ અને કર્તવ્યો પણ સામેલ છે એ વાત તમે ક્યારેય ભૂલતા નહીં. તમારાં બાળકોને પણ તેની સભાનતા કેળવવાજો. માત્ર અધિકારોની જ વાતો અનર્થ સર્જી શકે છે. માત્ર અધિકારોની જ ચર્ચાઓ સમાજમાં, દેશમાં, પરિવારોમાં અસ્થિરતા ઊભી કરશે. તમારા બાળકને કોઈ પણ સુખસગવડ તમે આપતા હો ત્યારે સંસ્કારોમાં આ વાત પણ વણાઈ જાય એ તમારી જવાબદારી છે. ૧૮ વર્ષની ઉંમરે હાથમાં ગાડીની ચાવી પકડાવતી વખતે તમારા દીકરાને ગાડી સાથે કેટલા લોકોના જીવનની જવાબદારીઓ તેના માથે છે એની સમજ આપવી એ તમારું કર્તવ્ય છે. યાદ રાખજો, કર્તવ્યની સભાનતા વિના અપાતા તમામ અધિકારો અરાજકતા લાવવાનું કામ કરે છે જે આપણે ઘણી વાર જોતા પણ હોઈએ છીએ. અત્યારના સમયમાં ફરી એક વાર નવેસરથી અધિકારોની સાથે કર્તવ્ય વિશે લોકોમાં અવેરનેસ લાવવાનો અને ઘર-ઘરમાં વ્યક્તિને પોતાના નાગરિક તરીકેના, પુત્ર તરીકેના, પિતા તરીકેના, ભાઈ તરીકેના, બહેન તરીકેના, સમાજના અંગ તરીકેના અને માનવ તરીકેના કર્તવ્યોની ટ્રેઇનિંગ આપવાનો સમય પાકી ગયો છે.

columnists manoj joshi