મન સે રાવણ જો નિકાલે, રામ ઉનકે મન મેં હૈ:સહજ અને સરળ વાત સમજાશે ક્યારે?

08 October, 2019 02:44 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

મન સે રાવણ જો નિકાલે, રામ ઉનકે મન મેં હૈ:સહજ અને સરળ વાત સમજાશે ક્યારે?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

અફસોસ, દર વર્ષે રાવણને જલાવવા માટે હોંશભેર બહાર નીકળીએ છીએ, પણ ક્યારેય એક રામને જન્મ આપવાની તૈયારી દર્શાવી નહીં. અફસોસ, દર વર્ષે રાવણને મારવા માટે ઉત્સાહભેર આગળ આવીએ છીએ, પણ એટલા જ ઉત્સાહ સાથે ક્યારેય એવું કર્યું નહીં કે રાવણનો જન્મ જ ન થાય. રાવણને બાળતાં પહેલાં એનું સર્જન કરવાનું કામ પણ આપણે જ કરીએ છીએ અને રાવણને મારતાં પહેલાં તેને સજાવવાનું કામ પણ આપણે જ કરીએ છીએ. મોટામાં મોટા રાવણ બનાવીને રાજી થવું છે અને રસ્તા પર રખડતા રાવણથી ધ્રૂજવું છે. રાવણની છાતીમાં તીર ભોંકીને આનંદ માણવો છે અને સોસાયટીમાં રહેલા રાવણથી મોઢું સંતાડીને નીકળી જવું છે.
આ બેમોઢાળી નીતિમાંથી બહાર આવવું પડશે. સત્ય સ્વીકારવું પડશે અને સત્ય સ્વીકારવાની સાથોસાથ સંહારની ક્ષમતા લાવવી પડશે. અસત્યનો સાથ બહુ આપી દીધો, હવે સત્યના માર્ગે ચાલીને અંદર રહેલા રાવણનો નાશ કરવાનો સમય આવી ગયો છે. સમય આવી ગયો છે અંદરના રાવણનો ધ્વંસ કરવાનો, સમય આવી ગયો છે અંદરના રામને જાગ્રત કરવાનો. નહીં ધારો એવું કે રાવણના પૂતળાનો નાશ કરવાથી વિજયોત્સવ ઊજવવાની પરવાનગી તમને મળે છે. ના, જરાય નહીં. એ પ્રતીક છે પણ સાચો રાવણ અંદર જીવે છે, અંદર શ્વસે છે અને ભુરાયો થઈને અંદર પોતાનું ઘર મજબૂત કરે છે. ઈર્ષ્યા, સ્વાર્થ, દગાખોરી, કિન્નાખોરી જેવા અનેક રાવણને આપણે મનમાં સંઘરી રાખ્યા છે. નાશ આજે એ રાવણોનો કરવાનો છે. કરો એનો નાશ તો તમે સાચા રામ. કરો એનો નાશ તો તમે સાચા વિજય ઉત્સવના ભાગીદાર.
આજના વિજયાદશમીના દિવસે ઍટ લીસ્ટ એટલું તો નક્કી કરીએ કે આંખ સામે થતા અન્યાય સામે અવાજ ઉઠાવીશું. બહુ જશ લઈ લીધો રામની બહાદુરીનો. બહુ કરી લીધી ભવાઈમાં રામ બનીને મજા. હવે અંદરનો રામ જગાડવાનો છે, અંદરનો કૃષ્ણ જગાડવાનો છે. જો અંદરનો રામ જાગશે તો જ અંદરનો રાવણ નાશ પામશે અને અંદરનો રાવણ વીંધવો હશે તો રામને જાગ્રત કરવો પડશે. ડર મનમાંથી કાઢવો પડશે અને ભય મનમાંથી કાઢવો પડશે. સમજવું પડશે કે રાવણ ત્યાં સુધી હયાત છે જ્યાં સુધી સમાજમાં રહેતી બહેન-દીકરીઓ દુખી છે. યાદ રાખવું પડશે કે રાવણ ત્યાં સુધી શ્વસતો રહેશે જ્યાં સુધી બહેન-દીકરીઓનાં શિયળ પર નજર નાખનારાઓ જીવતા છે અને યાદ રાખવું પડશે કે રાવણ ત્યાં સુધી અકબંધ છે જ્યાં સુધી બહેન-દીકરીઓએ પોતાની જાતને સંકોરીને જીવવાનું છે. લોકલના ડબામાં બહેન-દીકરીઓ સાથે શરીર ઘસીને મનની વિકૃતિ કાઢનારા રાવણનો નાશ કરવાનો છે અને સ્ટેશન પર બહેન-દીકરીઓ સાથે છેડતી કરીને ભીડમાં ખોવાઈ જવાનો મનસૂબો રાખનારા રાવણનો ધ્વંસ કરવાનો છે. વધ કરવાનો છે એ રાવણનો જેને લીધે બહેન-દીકરીઓને પોતે સભ્ય સમાજમાં જીવે છે એ વાત ફલિત નથી થતી. અને મારવાનો છે એ રાવણ જેને લીધે બહેન-દીકરીઓને આજે પણ લાગે છે કે તે રાક્ષસો વચ્ચે જીવી રહી છે. નહીં બાળો તો ચાલશે રાવણ, નહીં મારો તો ચાલશે એ પૂતળાને. કાં તો આ રાવણનો વધ કરો અને જો એ રાવણ તમારામાં પણ ક્યાંક જીવતો હોય તો એનો વધ કરો. આ વધ એ જ વિજયાદશમી. આ ધ્વંસ એ જ વિજયોત્સવ.

columnists manoj joshi