મિશન પાકિસ્તાન : યાદ રહે કે દુશ્મન માત્ર સામે જ નથી, આપણી બાજુમાં પણ છે

18 February, 2019 09:45 AM IST  |  | મનોજ નવનીત જોષી

મિશન પાકિસ્તાન : યાદ રહે કે દુશ્મન માત્ર સામે જ નથી, આપણી બાજુમાં પણ છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હા, આ હકીકત છે. દુશ્મન માત્ર સામે જ નથી. દુશ્મન જે દેખાય છે એ જ નથી. દુશ્મન આપણી આજુબાજુમાં પણ છે અને દુશ્મન આપણે જેમને ઓળખતા નથી એ પણ છે અને આપણે જેમને આપણા માનીએ છીએ એ પણ છે. હા, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સ્થાનિક સાથ વિના આ કામ અશક્ય છે. પુલવામા જ નહીં, મુંબઈમાં થયેલો આતંકવાદી હુમલો પણ સ્થાનિક સાથ વિના શક્ય નહોતો અને મુંબઈ પર થયેલા પહેલા આતંકવાદી હુમલામાં પણ આંતરિક સાથ મળ્યો જ હતો અને આ જે સાથ મળે છે એ સાથને લીધે જ આ આતંકવાદીઓ પોતાનાં કારનામાં કરી શકે છે. જરૂરી માત્ર દુશ્મનોને હણવા એ જ નથી, જરૂરી એ પણ છે કે આપણે આ દુશ્મનનોને સાથ આપનારાઓને પણ હણીએ. જ્યાં સુધી દેશમાં ગદ્દારો હશે, જ્યાં સુધી દેશની ઘોર ખોદનારા સ્વાર્થી લોકો પડ્યા હશે ત્યાં સુધી આ પ્રકારનો આતંક અકબંધ રહેશે.

આતંકવાદ ક્યારેય મરતો નથી, પણ એને ડામવો પડે. જો તમે એને બરાબર ડામી ન શકો તો પરિસ્થિતિ એવી સર્જાય કે આતંકવાદ સુષુપ્ત અવસ્થામાં પડ્યો રહે અને પછી એ સુષુપ્ત આતંકવાદ જ્વાળામુખીની જેમ કોઈ પણ તબક્કે ફાટે અને મોટી જાનહાનિ ઊભી કરે. પુલવામામાં એ જ થયું છે એવું કહી શકાય. આતંકવાદને ડામવો પડે, જમીનમાં ધરબી દેવો પડે. પેલા વાસ્તુરાક્ષસની જેમ જો એને બરાબર ધરતીમાં ઉતારી દેવામાં ન આવે તો એ ફરી માથું ઊચું કરે અને તબાહી સર્જે, એવું જ આતંકવાદમાં બને. ચાણક્ય કહેતા કે દેખીતા દુશ્મન કરતાં પણ અણદેખ્યા દુશ્મનો વધારે જોખમી છે. મસૂદ અઝહર ક્યારેય હિન્દુસ્તાન આવીને હિન્દુસ્તાની પ્રજાને ‘મિચ્છા મિ દુક્કડં’ નથી કરવાનો એ હકીકત છે અને એ સારું પણ છે કે તે જેવો છે એવા રૂપમાં તમારી સામે છે, પણ તમારી બાજુમાં ઊભા રહીને હાથ જોડીને તમને લલચાવનારું સ્માઇલ કરનારો ક્યારે તમારી પીઠમાં ખંજર મારશે એની તમને ખબર નથી અને એટલે જ તમે આ પ્રકારના આતંકવાદનો ભોગ બનો છો.

આ પણ વાંચો : એક મુદ્દાનો કાર્યક્રમ - મિશન પાકિસ્તાન

જો દુશ્મનોને હરાવવા હોય તો પહેલાં તમે તમારા ઘરમાં રહેલા દુશ્મનોને હટાવો, તેમને હણો, તેમને દેશમાંથી અને આ ધરતી પરથી દૂર કરો. આ બહુ જરૂરી છે. પુલવામાની ઘટના પછી આ ઘટના સાથે જોડાયેલા દેશના આંતરિક દુશ્મનોને કૉર્નર કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું હશે. જોકે માત્ર કોઈ એક ઘટનામાં સાથ આપનારા નહીં પણ કાયમ માટે આવા આતંકવાદીઓને સાથ આપનારાઓને કૉર્નર કરવા જોઈએ એવું કરવું પડશે. દેશમાંથી આતંકવાદ દૂર થાય એ માટે એક એવી નીતિ બનાવવી પડશે કે જેમાં મોતનો ડર રાખ્યા વિના ફિદાયીન બનનારાઓના પણ રૂંવાડાંઓ ઊભાં થઈ જાય અને પેટે બૉમ્બ બાંધતા કે પછી બૉમ્બ બનાવેલી ગાડીને હંકારી જતાં પહેલાં તેની આંખ સામે મોતથી પણ વધારે ભયાનક અવસ્થા ઊભી થાય.

manoj joshi columnists