દેશ ત્યારે જ ભ્રષ્ટાચાર મુક્ત બને જ્યારે રાજકારણીઓને પૈસાનો મોહ ન હોય

04 June, 2019 10:15 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

દેશ ત્યારે જ ભ્રષ્ટાચાર મુક્ત બને જ્યારે રાજકારણીઓને પૈસાનો મોહ ન હોય

પ્રતાપચંદ્ર ષરંગી

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતાપચંદ્ર ષરંગીની વાતોનો આજે અંતિમ દિવસ છે. આમ તો તેમની વાતો જેટલી વધારે થાય અને જેટલી વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી છે, પણ આપણે અહીં મર્યાદા બાંધીશું. કેટલીક મર્યાદા વાજબી રીતે સ્વીકારવી જોઈએ.

પ્રતાપચંદ્ર આ અગાઉ પણ લોકસભા ઇલેક્શનમાં ઊભા હતા. એ સમયે તેમની સંપત્તિ હતી ૭,૭૨,૦૦૦ રૂપિયાની અને આ વર્ષે આ રકમ ૧૦ લાખ પર પહોંચી છે. જો કોઈને એવું લાગતું હોય કે છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે સવાત્રણ લાખ રૂપિયાની કમાણી કરી તો એ ધારણા ખોટી છે. આ વધેલી રકમ એ તેમની પાસે જે એક નાનકડું ખેતર છે એ ખેતરની વધેલી કિંમત છે. આ ખેતર આમ તો માત્ર ૭૦૦ વાર જગ્યાનું છે. આપણે ત્યાં જુહુમાં આ સાઇઝથી પણ મોટા બંગલા છે જ્યારે પ્રતાપચંદ્ર ષરંગી પાસે આટલું ખેતર છે અને એ ખેતરમાં તે રોજબરોજના પાક લે છે. એમાં શાકભાજી ઉગાડે છે અને એ જ શાકભાજી તે ઘરે રાંધવામાં વાપરે છે. જો કોઈ દિવસ એમાં શાક કે ભાજી ન થઈ હોય તો એ રોટલો અને છાસ કે પછી બે દિવસ પહેલાં કહ્યું હતું એમ લીચો અને રોટલો જમી લે છે. લીચો આમ તો તેમને માટે દરરોજ રાતનો ખોરાક તો છે જ, પણ જો કોઈ બપોરે શાક ન મળે તો એ બપોરે પણ લીચો બનાવીને ખાઈ લે છે.

૨૦૧૪માં લોકસભામાં તેમને હાર મળી હતી. એ સમયે પણ તેમને બીજેપીએ ટિકિટ આપી હતી, પણ એ સમયે રવીન્દ્રકુમાર જેના જીતી ગયા હતા. રવીન્દ્રકુમાર જેના ઉદ્યોગપતિ અને આસામના મીડિયા ટાયકુન પણ ખરા. તેમને ત્યાં ન્યુઝ વર્લ્ડ ઓડિશા નામની એક ન્યુઝ-ચૅનલ ચાલે છે. છેલ્લાં પાંચ વર્ષમાં પ્રતાપચંદ્ર ક્યાંય રોકાયા નહીં કે અટક્યા નહીં. આ જ કામ સ્મૃતિ ઈરાનીએ પણ કર્યું અને અમેઠીની હાર પછી તેણે પણ એ જ નિષ્ઠાથી કામ ચાલુ રાખ્યું જે નિષ્ઠા આજના સમયમાં જે-તે સમયના જીતેલા કૅન્ડિડેટ પણ નથી દેખાડતા. હું કહેતો આવ્યો છું કે કૉન્ગ્રેસ અહીં જ માર ખાઈ રહી છે. બીજેપી એવી જ રીતે વર્તે છે જાણે એ જીતવા જ આવી હોય અને કૉન્ગ્રેસ એવી જ રીતે વર્તી રહી છે જાણે એ હારવા જ માગતી હોય. આ આખી ગેમને કૉન્ગ્રેસે મનથી જ પડતી મૂકી દીધી હોય એવું છેલ્લા એક દસકાથી દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં તો એનાથી પણ લાંબા સમયથી આ વાત સ્પષ્ટ થઈ રહી છે.

આ પણ વાંચો : પ્રતાપચંદ્ર ષરંગી : દુર્જનોથી ખદબદતા આ યુગમાં ઊગેલો એક સજ્જન સૂર્ય

વાત પ્રતાપચંદ્ર ષરંગીની છે. આ વખતે પણ ષરંગી સામે જેનાની ઉમેદવારી હતી તો કૉન્ગ્રેસમાંથી પટનાયક હતા, પણ આ બન્નેના કામની સામે પ્રતાપચંદ્ર સૌકોઈની સામે ઊભરી આવ્યા. બાલાસોર બેઠક પર તેમણે જે રીતે કામ કર્યું છે એ અદ્ભુત હતું. બીજેપી પણ બીજા કોઈ ઉમેદવાર વિશે વિચારે અને પ્રતાપચંદ્ર અપક્ષ ઉમેદવારી નોંધાવે તો પણ તેમની જીત સ્પષ્ટ હતી. સ્વાભાવિક છે કે જે દેખાતું હતું એ જ રિઝલ્ટ આવ્યું અને પ્રતાપચંદ્ર હવે લોકસભામાં પ્રધાન છે. તેમના પ્રધાનપદમાં સૌથી સારી વાત એ છે કે તેમને પૈસાની કોઈ મમત નથી, ભૂખ નથી અને જ્યારે પૈસાની ભૂખ ન હોય, મમત ન હોય ત્યારે તેને ખરીદવાના કોઈ રસ્તા મળતા નથી. કાશ, આખી લોકસભાના દરેક સંસદસભ્યની પૈસાની ભૂખ ઈશ્વર મારી નાખે અને દેશઆખો ભ્રષ્ટાચાર-મુક્ત બને. આમ તો છેલ્લાં પાંચ વર્ષથી ભ્રષ્ટાચારની માત્રા ઘટી છે ખરી, પણ ઘટેલી આ માત્રા વચ્ચે પણ દેશ સંપૂર્ણ ભ્રષ્ટાચાર-મુક્ત નથી એ પણ સ્વીકારવાનું કામ પણ સજ્જતા સાથે કરવું જોઈએ.

columnists manoj joshi