પૉલ્યુશન, પર્યાવરણઃજાતે કબર ખોદવાનો આ રસ્તો સર્વોત્તમ છે અને હાથવગો પણ

18 July, 2019 12:11 PM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પૉલ્યુશન, પર્યાવરણઃજાતે કબર ખોદવાનો આ રસ્તો સર્વોત્તમ છે અને હાથવગો પણ

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હમણાં આંકડાઓ આવ્યા. પૉલ્યુશન આધારિત આ આંકડાઓ દેશની પ્રસ્થાપિત એજન્સીના છે એટલે આપણે સ્વાભાવિક રીતે એ સ્વીકારવાના હોય. આંકડાઓ મુજબ દેશના ટોપ ટેન શહેરોમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થાય છે. પહેલી વાત કે જરા વિચારો, આટલા મોટા દેશમાં અમદાવાદ અને રાજકોટનો ક્રમ આમ ક્યાં આવતો હશે, પણ પૉલ્યુશનની વાતમાં આ બન્ને ચીંટુકડા શહેરો કેટલાં આગળ વધી ગયા અને એની એના શહેરીજનોને ભાન પણ નહીં હોય.
આ દોટ જાતે કબર ખોદવાની દિશામાં છે, જાતને સ્મશાન તરફ લઈ જવાની દિશામાં છે. જો આ દોટમાં સમજણ નહીં ઉમેરાય તો નક્કી છે કે આ શહેરો જીવવાલાયક નહીં રહે. શરમની વાત એ છે કે આવું લગભગ બધાં જ શહેરોમાં બનવાનું શરૂ થઈ ગયું છે. તમે દેશની બહાર નીકળીને કોઈ પણ વિકસિત દેશમાં જઈને જોઈ શકો છો. પર્યાવરણ માટે એ લોકોમાં કેવી સજ્જડ જાગૃતિ છે. બૅંગકોક ક્યાંય ઓછું ઊતરતું નથી. શાંઘાઈ પણ ક્યાંય પાછું પડે એવું નથી અને ન્યુ યોર્ક, ન્યુ જર્સી તો આમ પણ અવ્વલ છે, પણ વાત જ્યારે પર્યાવરણની આવે ત્યારે આ શહેરો જૂનવાણી વિચારધારાઓ લઈ આવવામાં સહેજ પણ કચાસ નથી છોડતાં. એક વત્તા એક જેવો સીધો હિસાબ એ કરે છે અને પર્યાવરણનું રક્ષણ કરે એ રીતે પ્લાન્ટેશન કરે છે. તમે અમદાવાદ જાવ અને જઈને જુઓ, ગરમ પવન રીતસર તમને બાફવાનું કામ કરે. રાજકોટ જઈને જુઓ, બપોરના બારથી ચાર વાગ્યા સુધી બહાર નીકળીને કામ કરનારાઓને સુવર્ણચંદ્રક આપવાનું તમને મન થઈ આવે. સૂરજ જાણે કે તમારી બાજુમાં ચાલતો હોય એવું લાગે અને તમારે એ તાપ એ જ માત્રામાં સહન કરતાં રહેવાનો.
પર્યાવરણ માટે જવાબદારી સાથે, સભાનતા સાથે સમજદાર બનવાની જરૂર છે. આ પ્રકારની વાતો કરતાં આવડશે કે પછી આ પ્રકારની ચર્ચાઓમાં ભાગ લેતા આવડશે એનો અર્થ એવો નથી થવાનો કે પર્યાવરણની જાળવણી થઈ જશે. ના, સહેજ પણ નહીં. આ દિશામાં નક્કર પગલાં લેવા પડશે અને એ નક્કર પગલાં દ્વારા તમારે પણ પૃથ્વી માટે, તમારા દેશ, તમારા રાજ્ય અને શહેર માટે સભાનતા લાવવાની રહેશે. જો વાત કરીએ અમદાવાદ અને રાજકોટની, તો તમને કલ્પના પણ નહીં આવે કે એના પૉલ્યુશનના કારણોમાં ટૂ-વ્હિલર્સ છે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

હા, આ શહેરો પાસે એટલાં વાહનો થઈ ગયાં છે કે તમે એની કલ્પના પણ ન કરી હોય. એક અનુમાન મુજબ, અમદાવાદની વસ્તી કરતાં ત્રીજા ભાગની સંખ્યાના ટૂ-વ્હિલર્સ છે. રાજકોટ તો એમાં પણ ચડિયાતું છે. વસ્તીની અડધોઅડધ સંખ્યામાં ટૂ-વ્હિલર્સ છે અને એ બધાં વાહનો રસ્તા પર રખડે છે. એક જ રસ્તા પર જવું હોય તો પણ દીકરો પોતાનું બાઇક લઈને નીકળે અને દીકરી એ જ રસ્તા પર કૉલેજ જતી હોય તો એ પોતાનું સ્કૂટી લઈને નીકળે. પપ્પાને પોતાનું સેલ્ફ-સ્ટાર્ટ એક્ટિવા જોઈએ એટલે એ પોતાની રીતે નીકળે અને મમ્મી, કિટ્ટી પાર્ટીમાં જવા માટે પોતાનું વ્હિકલ રસ્તા પર લઈ આવે. પેટ્રોલનો ધુમાડો છાતીમાં છો ભરાતો, માભો અકબંધ રહેવો જોઈએ. આ માભાએ જ આજે આખા દેશને કાળોમસ ધુમાડો પહેરાવી દીધો છે.

columnists manoj joshi