પૉલ્યુશન માટે જવાબદાર કોણ અને એ જવાબદારીમાંથી મુક્ત કેવી રીતે થવું?

18 March, 2019 11:00 AM IST  |  | મનોજ નવનીત જોષી

પૉલ્યુશન માટે જવાબદાર કોણ અને એ જવાબદારીમાંથી મુક્ત કેવી રીતે થવું?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગઈ કાલે વાત ચાલતી હતી હિન્દુસ્તાન ફરવાની અને એ જ વાતમાં એક મુદ્દો નીકળ્યો હતો પૉલ્યુશનનો. આ પૉલ્યુશન પણ આપણાં પાપને લીધે જ વધ્યું છે. એ વધારવાનો અપજશ પણ આપણે આપણને જ આપવો પડશે. કશું કર્યા વિના એક વખત રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસે જઈને નવા વેહિકલના આંકડાઓ લઈ આવશો તો તમને ખબર પડશે કે મુંબઈમાં, દેશમાં વાહનો કઈ ઝડપે વધતાં જાય છે. એક તો વધતાં વાહનો અને બીજું, એ વાહનોની જરૂર પડે ત્યારે સર્વિસ ન કરાવવાની માનસિકતા. પહેલાં વાત કરીએ આપણી માનસિકતાની.

આપણે એવું જ ધારીએ છીએ કે જ્યાં સુધી કોઈ ચીજ અટકે નહીં, બગડે નહીં કે કામ કરવાની ના ન પાડે ત્યાં સુધી એ ચીજ વાપરવાયોગ્ય જ હોય છે. શરીર હોય, સંબંધ હોય કે પછી વાહન કે બીજાં કોઈ ગૅજેટ્સ હોય; આપણે આ જ નીતિ રાખીએ છીએ. વાત અત્યારે વાહનની છે એટલે વાહન વિશે ચર્ચા કરીએ. છેલ્લે ક્યારે તમે તમારું વેહિકલ સર્વિસમાં આપ્યું એ જરા યાદ કરજો. ફ્રી સર્વિસની વાત હોય તો એ યાદ રાખીને લઈ લઈશું, પણ પછીની કોઈ સર્વિસ માટે આપણે તૈયાર નથી. આપણી દલીલ છે કે ખોટા પૈસા લૂંટી લેવામાં આવે છે. મારો પ્રશ્ન છે કે જો તમે એ જગ્યાએ હો તો એવું કરો ખરા, ખોટી રીતે પૈસા લૂંટી લો ખરા? જો તમારો જવાબ હકારાત્મક હોય તો બની શકે કે તે મેકૅનિક પણ પૈસા લૂંટતો હોય અને જો તમારો જવાબ નકારમાં હોય તો નૅચરલી તે માણસ પણ ખોટું કામ નથી કરતો. હમણાં મેં એક ઑટોમોબાઇલ મૅગેઝિનમાં વાંચ્યું કે આપણે ત્યાં થતા પૉલ્યુશનમાંથી સાઠ ટકા પૉલ્યુશનનું કારણ સમયસર સર્વિસ કરવામાં ન આવતાં હોય એવાં વાહનો છે.

પૉલ્યુશન ઘટાડવા માટે આપણે સજાગ થવું પડશે અને એ સજાગતા લાવવા માટે તમારે જાગૃત થવું પડશે. વાહનોનો અતિરેક પૉલ્યુશનનું કારણ છે જ છે, પણ સાથોસાથ વાહનને સર્વિસ ન કરાવવા માટેનું જે કારણ છે એ કારણ પણ એટલું જ જવાબદાર છે. યાદ રાખજો, નાનો માણસ ક્યારેય ખોટું કરતો નથી અને તેને ખોટું કરવામાં કોઈ રસ પણ નથી. પેટ્રોલ-પમ્પ પર પેટ્રોલ ભરતી એક વ્યક્તિએ મને એક વખત મીટર પર ‘ઝીરો’ દેખાડ્યો ત્યારે મેં તેને હસીને કહ્યું કે શું ફરક પડવાનો ઝીરો નહીં હોય તો? તેણે જવાબ આપ્યો કે તમે આવું માનો છો, બાકી બીજાને તો એમ જ લાગે કે પેટ્રોલમાં ચોરી કરીને લાભ અમને જ થવાનો. એવું જો કોઈ કરે તો પણ એનો લાભ તે પેટ્રોલ ભરનારા છોકરાને તો થવાનો જ નથી. એનો લાભ તો શેઠને થવાનો છે કે પછી જેની માલિકીનો એ પેટ્રોલ-પમ્પ હશે એ કંપનીને થવાનો છે. તમે જ વિચારો, બીજાને લાભ કરાવવા માટે તમે ચોરી કરો ખરા?

આ પણ વાંચો : શું કામ તમારે આ વેકેશનમાં ફૉરેનમાં ક્યાંય ફરવા જવાનું નથી?

જવાબ હકારાત્મક હોય તો તે કરે છે અને જો તમારો જવાબ નકારમાં હોય તો તે પણ નથી કરવાનો. મારે કહેવું છે તમને સૌને કે એક વખત જગ્યા બદલાવીને તમે જોશો તો તમને સમજાશે કે ચોરી કરવાનો વિચાર ક્યારેય કોઈને નથી આવતો હોતો.

manoj joshi columnists