દેશ બીજેપી-મય: અત્યારે જે ચાલી રહ્યું છે એ સિત્તેરના દસકાનું પુનરાવર્તન

25 May, 2019 10:24 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

દેશ બીજેપી-મય: અત્યારે જે ચાલી રહ્યું છે એ સિત્તેરના દસકાનું પુનરાવર્તન

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

તમે જુઓ એ સમય અને એ સમયનાં ઇલેક્શનનાં રિઝલ્ટ, એવી સિચુએશન હતી કે કૉન્ગ્રેસ રીતસર સૂપડાં સાફ કરી નાખતી હતી. સિત્તેરના દસકાની વાત છે. આ તબક્કો આમ તો એના પણ પહેલાંથી ચાલતો આવતો હતો, પણ એ સમયે તો બીજા કોઈ સ્થાનિક પક્ષોનું પણ અસ્તિત્વ નહોતું એટલે એ સમયની વાત આપણે નથી કરતા, આપણે સીધા સિત્તેરના સમયગાળા પર આવીએ છીએ. કૉન્ગ્રેસ, કૉન્ગ્રેસ અને ચારેકોર કૉન્ગ્રેસ જ. પંચાયતના ઇલેક્શનથી માંડીને કૉર્પોરેશન, વિધાનસભા અને લોકસભામાં પણ કૉન્ગ્રેસ અને રાજ્યસભામાં પણ એનો દબદબો હતો. બીજી પાર્ટીઓ કંઈ પણ કરે, ઉપરથી નીચે પછડાય તો પણ કંઈ વળે નહીં. અરે, વિરોધ પક્ષના નેતા બનવા માટે જરૂરી કહેવાય એટલી સીટ સુધી પણ બિચારી પહોંચી ન શકે અને પછડાટ ખાઈ મોઢું લાલ રાખે, પણ હું કહીશ કે આનું નામ જ રાજનીતિ અને આનું નામ જ વાસ્તવિકતા.

આજે એ જ દિવસોનું પુનરાવર્તન થઈ રહ્યું છે. તમે જુઓ કે ગુજરાત અને મહારાષ્ટ્ર એવાં રાજ્યો છે જેમાં કૉન્ગ્રેસ હવાતિયાં મારે છે તો પણ ક્યાંય એ પહોંચી નથી શકતી અને બીજેપી-શિવસેના કે પછી આ બન્ને પક્ષોની યુતિ જ માત આપી જાય છે. ગુજરાતમાં તો આ વાત હવે ઇતિહાસ બની ગઈ છે. હું તો કહીશ કે ૧૯૯૫ પછી જન્મેલું ગુજરાતનું બાળક આજે યુવાન થઈ ગયું છે. ૨૩-૨૪ વર્ષની ઉંમર ધરાવતું, પુખ્ત વિચારધારા ધરાવતું એ બાળક તો જાણતું જ નથી કે કૉન્ગ્રેસ નામનો કોઈ પક્ષ એવો હતો જેણે આ વિશાળ લોકશાહી પર એકચક્રી શાસન ચલાવ્યું હતું. એકધારા બીજેપીના મારા પછીનું આ પિક્ચર છે અને આવું હવે દેશભરમાં બનવા માંડ્યું છે. આ તબક્કે કૉન્ગ્રેસે પોતાની માનસિકતા અને મનોદશા એકદમ શાંત રાખવાની છે. કૉન્ગ્રેસ માટે મારી કોઈ લાગણીઓ નથી કે ન તો મને એને માટે કોઈ વિશેષ પ્રેમ પણ, હા હું એટલું ચોક્કસ કહીશ કે સક્ષમ વિરોધ પક્ષ હોવો જ જોઈએ. પછી એ પંચાયતની વાત હોય તો ત્યાં પણ હોવો જોઈએ, કૉર્પોરેશનમાં પણ હોવો જોઈએ અને વિધાનસભા-લોકસભામાં પણ હોવો જ જોઈએ. વિરોધ પક્ષનું મહત્વ સમજાવવા મારે ઘરના રાજકારણને સમજાવવાની જરૂર છે. વિરોધ પક્ષ વાંકદેખી સાસુ કે પછી વાતે-વાતે છાસિયાં કરતી જેઠાણી જેવી હોય છે. કહો કે એ નાની-નાની વાતમાં રિસામણે બેસતી નણંદ જેવી પણ હોઈ શકે.

આ પણ વાંચો : ફિર એક બાર મોદી સરકાર : હવે સૌ કહીએ એક વાત, બાર બાર મોદી સરકાર

વિરોધ પક્ષને કારણે શાસક પક્ષ સજાગ રહે છે અને એણે જાગતી આંખે દરેક કાર્ય કરવાં પડે છે. જો એવું ન બને તો પેલી સાસુ, જેઠાણી કે પછી રિસામણે બેસવાની કળા ધરાવતી નણંદ દેકારો મચાવી દે છે અને આખા ગામમાં જઈને છાતી કૂટવા માંડે છે. આ પ્રક્રિયા માથાના દુખાવા જેવી લાગે ખરી પણ સમાજ માટે, સોસાયટી માટે, જનતા માટે આ લાભદાયી પ્રક્રિયા છે. દેશમાં થતા ભ્રષ્ટાચાર જો કોઈએ બહાર પાડ્યા હોય તો એ ભ્રષ્ટાચારમાંથી મોટા ભાગના ભ્રષ્ટાચાર વિરોધ પક્ષે બહાર પાડ્યા છે, જાહેરમાં લાવ્યા છે. વિરોધ પક્ષનું આ જ કામ છે. નાનુંસરખું પણ ખોટું થઈ જાય તો તરત જ ગોકીરો મચાવવાનો, પણ આજે અવસ્થા એવી આવી ગઈ છે કે વિરોધ પક્ષનું નામોનિશાન પણ રહ્યું નથી. ખરેખર બહુ ખરાબ છે, પણ એક હકીકત એ પણ છે કે આ તબક્કો અગાઉ પણ દેશમાં આવ્યો છે. ફરક માત્ર એટલો છે કે કૉન્ગ્રેસ જ્યારે જબરદસ્તી રીતે ફેલાયેલી હતી અને એક કે બે બેઠક મળતી હતી ત્યારે પણ આ પાર્ટીઓ સતત અને એકધારી પોતાના કામમાં મચેલી હતી. મચ્યા રહેવું એ જ વિકાસનો સિદ્ધાંત છે અને આ જ સિદ્ધાંતે આજના આ બીજેપીનું ઘડતર કર્યું છે.

manoj joshi columnists