ફોટો બહાદુર : કહો જોઈએ, તમે સહાય બડાઈ માટે કરો છો કે આત્મસંતોષ માટે?

12 June, 2019 09:49 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ફોટો બહાદુર : કહો જોઈએ, તમે સહાય બડાઈ માટે કરો છો કે આત્મસંતોષ માટે?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

અનાયાસ આપણી વચ્ચે વાત એવા એક વિષય પર ચાલી રહી છે જેમાં સત્કાર અને સન્માનની ભાવના કેન્દ્રમાં છે. બે દિવસથી ચાલી રહેલી એકવીસમી સદીના મહાત્માની વાતોમાં આજે અચાનક જ ધ્યાન એક એવી જગ્યા પર ગયું જે જોઈને ખરેખર ખૂબ દુખ થયું. લાંબી કતાર છે અને એ લાંબી કતારની બરાબર સામે એક ટેબલ પડ્યું છે. રૅશનનાં પૅકેટ પડ્યાં છે અને એ પૅકેટ આપવામાં આવે છે. પૅકેટ આપનારનું ધ્યાન કૅમેરા સામે છે અને લેનારાની નજર નીચી છે, ફોટો બહાદુર. આ પ્રકારનું સદ્કાર્ય કરનારાઓ અનેક હશે, પણ આવું કરીને ફોટો પાડી એ ફોટો બધા સુધી પહોંચાડવાનું કામ કરનારાઓ ખરેખર તો ફોટો બહાદુર હોય છે અને આવા ફોટો બહાદુરના કારણે જ સહાય લેનારાઓની નજર ઝૂકી જાય છે.

જ્યારે પણ સહાયની વાત આવે, સહકાર આપવાની ભાવના જાગે ત્યારે પહેલો સવાલ જાતને પૂછવો જોઈએ કે તમે સહાય શું કામ આપવા માગો છો, બડાઈ માટે કે પછી આત્મસંતોષ માટે? શું કામ તમારે કોઈને હાથ આપવો છે, નામના કમાવા માટે કે પછી દેખાદેખીની દિશામાં ભાગવા માટે? જો બડાઈ ખાતર આ કામ તમે કરતા હો કે પછી જો તમે દેખાદેખીની દિશામાં ભાગતા હો તો નહીં લંબાવો હાથ. ચાલશે, કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખીને ધારી લો કે જેને સહાયની જરૂર છે તેને એનું ફળ મળી જશે, તમારે ત્યાં જવાની જરૂર નથી. તમારા એક ફોટો માટે તમે કોઈને નીચા દેખાડો એ બિલકુલ આવશ્યક નથી. સામાજિક દૃષ્ટિએ આ એક એવું કૃત્ય છે જેની સજા તમાચાથી ઓછી હોવી જ ન જોઈએ.

આ પણ વાંચો : વો અંતિમ પલ : આ જીવનની અંતિમ ક્ષણ પહેલાંની તૈયારી તમે કરી ખરી?

ફોટો પડાવનારો પણ આ જ તો કામ કરતો હોય છે. એ આવી જ સહાયના ૨૦૦-૫૦૦ કે ૭૦૦ રૂપિયાના એક પૅકેટ સાથે કે ગાયના મોઢા પાસે ઘાસ ધરીને ઊભા રહીને ન દેખાતો તમાચો જ મારતો હોય છે. ગાયે ક્યારેય કોઈ દાવો નથી કર્યો કે મારા પેટમાં ભૂખની આગ લાગી છે એ ઠારવા આવો. હવે તમે ઠારવા પહોંચો છો તમારે એ વાતને, તમારા એ સદ્કાર્યને તમારા સુધી સીમિત રાખવાનું હોય. અનેકની એવી દલીલ છે કે આવું કરવાનો હેતુ પ્રેરણા આપવાનો હોય છે. બીજા આ જુએ અને એ પણ આગળ આવે, પણ સમાજના દૃષ્ટિકોણથી આખી વાતને જુઓ તો તમને પણ સમજાશે કે પ્રેરણા આપવા માટે ક્યારેય આ પ્રકારના ફોટોગ્રાફ્સનું કોઈ મહત્વ રહ્યું નથી અને ત્યાં સુધી કહેવા રાજી છું કે જો ફોટોગ્રાફ્સ પરથી પ્રેરણા લઈને બાળકોને નોટબુક કે પછી ગરીબોને બે ટંકનું રૅશન આપનારાઓની આ સમાજને જરૂર નથી. આવી દેખાદેખી તમારા સુધી સીમિત રાખવાની તૈયારી હોય અને આવી દેખાદેખીને કોઈ પ્રકારે આત્મશ્લાઘા બનાવવા ન માગતા હો તો જ તમારે સમાજસેવાની ભેખ ધરવી જોઈએ. આજે અઢળક એવા મહાનુભાવો છે પણ ખરા, જે સેંકડો લોકો સુધી સહાય પહોંચાડે પણ છે અને ખુદ તેના પરિવારને પણ એની ખબર નથી હોતી. સેવાનો પહેલો નિયમ છે, એમાંથી મેવા ખાવાની માનસિકતા છોડી દો, પણ આજે ફોટો બહાદુરો એટલા વધી ગયા છે કે તેને તો ચીંટુકડી સેવા સામે મબલક મેવા લઈ લેવા છે. શરમ કરો શરમ. કોઈને નીચાજોણું કરાવીને બહાદુરી સાથે લેન્સ સામે જોનારાઓ, ઉપરવાળો બધું જુએ છે.

manoj joshi columnists