પક્ષ બદલો, ટિકિટ મેળવો : તહેવારે-તહેવારે ધર્મ બદલાવવાનો આ તે કેવો ધર્મ?

17 April, 2019 09:14 AM IST  | 

પક્ષ બદલો, ટિકિટ મેળવો : તહેવારે-તહેવારે ધર્મ બદલાવવાનો આ તે કેવો ધર્મ?

ચાણક્ય

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

કેટલા નેતાઓએ પક્ષ બદલ્યા? જુઓ તો ખરા, તમને પોતાને ત્રાસ છૂટી જાય એ સ્તર પર પક્ષપલટો આ ઇલેક્શનમાં થયો છે અને આ પક્ષપલટાનાં કારણો પણ ગજબનાક જોવા મળ્યાં છે. કેટલીક જગ્યાએ ટિકિટના કારણે પેટમાં દુખાવો ઊપડ્યો છે તો કેટલીક જગ્યાએ આગોતરો અણસાર આવી ગયો હોવાથી પક્ષ છોડીને બીજાના ખોળામાં બેસીને ટિકિટ લઈ લેવામાં આવી છે. અજય દેવગણ અભિનિત અને મહેશ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ ‘ઝખ્મ’નો એક ડાયલોગ છે

મા ઔર મૂલ્ક કભી બદલે નહીં જાતે.

કેટલી સરસ વાત છે, કેટલી ઉમદા ફિલોસૉફી છે અને સાવ નગ્ન સત્ય છે આ. તમે મા ક્યારેય બદલી ન શકો અને તમે તમારું વતન પણ લોહીમાંથી કાઢી ન શકો. આ જ વાતને મને આગળ વધારીને કહેવું છે કે મા, મૂલ્ક અને મનોમંથન ક્યારેય બદલાય નહીં. જે માણસે આખી જિંદગી ભગવાની વાતો કરી હોય, રામમંદિરની વિચારધારા કેળવી હોય તે રાતોરાત પક્ષ બદલીને કેવી રીતે સેક્યુલરિઝમનાં ભાષણો આપી શકે? જેના શબ્દેશબ્દમાં હિન્દુત્વ ઝળકતું હોય તે કેવી રીતે પાર્ટી બદલીને રાષ્ટ્રવાદની બદલાયેલી પરિભાષા સાથે ચર્ચા કરી શકે?

- અને ધારો કે તે કરે તો શું ગળે ઊતરે ખરું? જરા વિચાર તો કરો, નવજોત સિંહ સિદ્ધુ કે શત્રુઘ્ન સિંહાના મોઢે તમે રાષ્ટ્રવાદની જે વિચારધારા સાંભળી હોય એ હવે રાતોરાત બદલાય તો તમને ઝાટકો લાગે કે નહીં? લાગવો જોઈએ કે નહીં?

આ પણ વાંચો : દુશ્મનને ઓળખો એના કરતાં મિત્રોને પહેલાં ઓળખી લો, તમારું ભવિષ્ય તેમના હાથમાં છે

એક સમય હતો કે પાર્ટી સાથે બનતું નહીં કે પાર્ટી સાથેના મતભેદ વધતા ત્યારે નવી પાર્ટી બનાવવામાં આવતી અને એ નવી પાર્ટીના આધારે ઇલેક્શન લડવામાં આવતું. પાર્ટી બનાવવાની ક્ષમતા ન હોય એ સહજ રીતે નિવૃત્તિ લેવાનું સ્વીકારી લેતા, પણ ક્યાંય આ રીતે બીજા પક્ષની સાથે બેસી જવાની ભાવના તો નહોતા જ ધરાવતા. તહેવાર આવે એટલે ધર્મ બદલાવવાની આ નીતિ માટે આપણે વાસ્તવમાં થોડા કડક થવાની જરૂર છે. લોકશાહીના પોતાના ફાયદાઓ છે એ હકીકત છે, પણ આ ફાયદાઓની સાથે આવી રહેલા ગેરલાભોને દૂર કરવાની જવાબદારી પણ લોકશાહીના લલાટે લખાયેલી છે. છૂટ એટલી જ આપવી જેટલી છૂટ સામેની વ્યક્તિ પોતાના શિરે ઉપાડી શકે. વ્યક્તિગત રીતે પણ આ વાત લાગુ પડે છે અને સામાજિક સ્તર પર પણ આ વાત એટલી જ અસરકારક છે. ચકલીને દારૂ પીવડાવો તો ચકલી ફૂલેકે ચડે. જો ઉંદરડી દારૂ પી જાય તો એ ઉંદરડી પેલાં ટૉમ ઍન્ડ જેરી કાટૂર્નના જેરીનો જોડીદાર બની જાય, પણ જીવનમાં ક્યાંય ટૉમ જેવી ફ્રેન્ડલી બિલાડી હોતી નથી અને એવી હોતી નથી એટલે જ ટૉમ ઍન્ડ જેરીની મીઠી દુશ્મની માણવાલાયક બની છે. આ જે કોઈ ઉંદરડીઓ પક્ષોની વંડી પર બેસીને ઠેકડા-ઠેકડી કરે છે એની સામે પગલાં લેવાય એ જરૂરી છે. આ પગલાં કાયદેસર લેવાય તો અતિ ઉત્તમ, પણ એવો કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી આ જવાબદારી મતદારોની બની જાય છે. મતદારો આવા પક્ષપલટું નેતાઓને જવાબ આપી જ શકે છે અને આ જવાબ એક જ હોય શકે, જાકારો.

manoj joshi columnists