ઑર્ગેનિક : હવે બધા શુદ્ધ, સાત્વિક અને સ્વચ્છ ખાદ્ય પદાર્થો મળે છે

30 May, 2019 01:02 PM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ઑર્ગેનિક : હવે બધા શુદ્ધ, સાત્વિક અને સ્વચ્છ ખાદ્ય પદાર્થો મળે છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ઑર્ગેનિક એટલે શુદ્ધ, સાત્વિક અને અવ્વલ દરજ્જાનું, કેમિકલ-ફ્રી ખાદ્ય પદાર્થ. પણ આજે મારે આ વાત અહીં એટલા માટે કરવી છે કે આપણે ત્યાં બધું હવે ઑર્ગેનિક જ છે. હમણાં ગુજરાત જવાનું થયું ત્યારે મેં જોયું કે તમામેતમામ કેરીના વેપારીઓ એક જ વાત કરે, અમારે ત્યાં ઑર્ગેનિક કેરી જ મળે છે. જૂનાગઢ સાઇડ પર પણ આ જ દાવો અને દક્ષિણ ગુજરાતમાં પણ આ જ દાવો. આપણી મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં પણ આ જ અવસ્થા છે. બધું ઑર્ગેનિક જ મળે છે. કહે તો છે જ પણ સાથોસાથ વિના સંકોચે બૉક્સ પર પણ મોટા અક્ષરે લખે કે આ ઑર્ગેનિક ફૂડ છે. ઑર્ગેનિકનો ભાવ પણ વસૂલવામાં આવે અને ઑર્ગેનિકના નામે જ માલ વેચવામાં આવે. મારું કહેવું એ છે કે ઑર્ગેનિક જો એટલું રેઢું હોય તો આપણને કોઈને આટલી બીમારી જ ન થઈ હોત. જો આપણે બધું ઑગેર્નિક લેતા હોત તો એવી પરિસ્થિતિ નિર્માણ ન થતી હોત કે જેમાં કૅન્સર, ટીબી જેવી બીમારી જોવા મળે.

નથી, તમે જેટલું વાંચો છો અને વેપારીઓ જેટલું ગાઈવગાડીને કહે છે એટલું ઑર્ગેનિક ફૂડ છે જ નહીં. શક્ય જ નથી કે આટલો પાક ઑગેર્નિક ફૂડનો આવતો હોય. ખોટી વાત છે, સદંતર છેતરપિંડી કરવામાં આવી રહી છે. કરવામાં આવતી આ છેતરપિંડી માટે હું તો કહીશ કે સરકારે જાગવું પડશે. જો સરકાર નહીં જાગે તો આ પ્રકારની છેતરપિંડી રાજાની કુંવરીની જેમ દિન દોગુના, રાત ચોગુના વધતી જશે અને વધેલી એ છેતરપિંડી સીધી તમારા સ્વાસ્થ્યને અસર કરશે. યાદ રાખજો, જ્યારે ચેડાં તમારા ખાનપાનમાં થવા માંડે ત્યારે માની લેવું કે ઘોર કળિયુગ આવી ગયો છે.

આ પણ વાંચો : મોબાઇલ અને ઇન્ટરનેટ : સ્વતંત્રતા આપનારી આ જણસે સંયુક્તપણાની ભાવના છીનવી લીધી

પાણીમાં ભેળસેળ, શાકભાજીમાં ભેળસેળ, અનાજમાં ભેળસેળ અને આ બધી ભેળસેળનો એક જ હેતુ, માલદાર થવું છે. માલદાર થવું એ ગુનો નથી, પણ શ્રીમંતાઈ માટે છેતરપિંડી કરવી એ અત્યંત હીન કૃત્ય છે. આ હીન કૃત્ય કરનારા સૌકોઈએ સમજવું પડશે કે ભલે ખરીદદાર ન જોતો હોય, પણ તમારો માંહ્યલો તો આ બધું જુએ જ છે અને સાહેબ, એ પણ યાદ રાખજો કે ઉપર ક્યાંય સ્વર્ગ-નર્ક નથી. એ બધું તો અહીં જ છે અને કર્મનો હિસાબ પણ અહીં જ પૂરો કરીને જવાનું છે. જગતને છેતરનારાઓની સાથે એવું-એવું બને છે કે જે સાંભળીને તમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય અને તમારા હૈયાના ધબકારા મંદ પડી જાય. આપણે એ વિશે વધારે વાત અહીં નથી કરવી અને કોઈ નામની ચર્ચામાં પણ નથી પડવું, પણ કરેલાં કર્મોનું એવું તે વાહિયાત પરિણામ મળે છે કે જે જોવાની અને ભોગવવાની પણ તાકાત ન રહે. બહેતર છે કે ખાનપાન સાથે કોઈ પ્રકારની છેતરપિંડી નહીં. શુદ્ધ વાપરો, સાત્વિક વાપરો અને નિરાંતની ઊંઘ કરો. આપણે ત્યાં સરકારી કાયદાઓ પણ આ ભેળસેળ માટેના છે અને એમાં કડક સજાની જોગવાઈ પણ છે; પણ એ કડક સજા કોઈને થઈ નથી, થતી નથી એટલે ભેળસેળ કરનારાઓ ફાટીને ધુમાડે ચડ્યા છે. પણ આગળ કહ્યું એમ નીતિમત્તાને પ્રામાણિક રહેવાની જરૂર છે, અંદરના માંહ્યલાને જાગૃત રાખવાની જરૂર છે. જો એવું નહીં કરો તો બનશે એવું કે કર્મનો હિસાબ અહીં જ ચૂક્તે કરવો પડશે.

manoj joshi columnists