નવી સરકાર, નવી નીતિ: જો જો તમે, આ વખતે મોદી સરકાર પુરબહારમાં ખીલશે

01 June, 2019 10:46 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

નવી સરકાર, નવી નીતિ: જો જો તમે, આ વખતે મોદી સરકાર પુરબહારમાં ખીલશે

નવી સરકાર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગુરુવારે શપથવિધિ પૂરી થઈ ગઈ અને ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે તો કેન્દ્ર સરકારે ખાતાંઓની ફાળવણી પણ કરી નાખી. મોદી સરકાર હવે ટૉપ ગિયરમાં છે. જો જો તમે, આ વખતે મોદી સરકાર પુરબહારમાં ખીલીને કામ કરશે. એવું નથી કે હવે આ સરકારને અનુભવ થઈ ગયો છે. આની માટેનાં કારણો જરાં જુદાં છે. તમારે જો ચકાસવું હોય તો ચકાસી લો ગુજરાતના ભૂતકાળને. પહેલી વખત જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે જે પ્રકારનાં કામો થયાં હતાં એના કરતાં બીજી વખત સરકાર બની ત્યારે એ કાર્યોમાં બહુ મોટો ફરક આવી ગયો હતો. પહેલી વખત સરકાર બનાવ્યા પછી બીજેપીએ ધીરજ સાથે રમવાનું હતું અને એ જ કામ કર્યું હતું મોદી સરકારે. ધીરજ સાથે અમુક પગલાં લેવામાં આવ્યાં અને ધીરજ સાથે જ અમુક નિર્ણયો ટાળી પણ દેવામાં આવ્યા, પરંતુ આ વખતે વાતાવરણ જુદું છે. ઓપનિંગ બૅટ્સમૅન જેમ ક્રિઝ પર ટકે અને તેને બૉલ મોટો દેખાવા માંડે એવી જ રીતે આ સરકારને હવે ચણોઠી જેવો દેખાતો બૉલ ફુટબૉલ જેવો દેખાવા માંડ્યો છે. હવેના ફટકાઓ જુદા હશે અને એ ફટકાઓ ટી૨૦ને પણ ભુલાવી દે એવા હશે.

ગઈ ટર્મમાં પણ કામો થયાં છે અને થયેલાં એ કામોનું જ પરિણામ આ લોકસભાના ઇલેક્શન સમયે દેખાયું છે. જરા વિચારો કે વિરોધીઓ નરેન્દ્ર મોદીની પહેલી ઇનિંગનાં કામોથી ત્રાહિમામ પોકારી ગયાં હતાં તો હવે તો બૅટિંગની સ્ટાઇલ પણ બદલવાની છે. બદલાયેલી સ્ટાઇલ વચ્ચે જે ફટકાઓ લાગશે એ ખરેખર ખતરનાક હશે એવું કહેવામાં મને કોઈ જાતનો સંકોચ નથી થતો. જોકે એક વાત એ પણ નક્કી છે કે આ વખતે કરવા માટે સરકાર પાસે ખાસ કોઈ એજન્ડા પણ હજી સુધી હાથમાં નહીં આવ્યો હોય એટલે આ વખતે એ કામ પણ ત્વરા સાથે કરવાનું છે. ગયા વખતે તો અનેક એવી યોજનાઓ લાવવામાં આવી કે જે ખરાઅર્થમાં અદ્ભુત પરિણામ લાવનારી હતી. જનધન યોજના, ઉજ્જવલા યોજના અને ઇન્શ્યૉરન્સ માટેની જે યોજના હતી એ યોજનાથી સીધો નાનો વર્ગ સરકાર સાથે જોડાયો.

આ પણ વાંચો : ક્રિટિસાઇઝ કોઈને પણ કરો, ક્યારે પણ કરો; પણ એની રીત સાચી હોવી જોઈએ

દેશ હવે વિકાસની રાહ પર છે અને વિકાસનું એવું છે કે એને જો તમે બોલાવો નહીં તો એ આવે પણ નહીં. આ કેન્દ્ર સરકારે વિકાસને ઘરમાં બેસાડી રાખવાનો છે. વિકાસની વાતોએ જ આ સરકારને સૂંડલો ભરીને વોટ આપ્યા છે. હવે આ વોટને સાર્થક પુરવાર કરવાના છે. મારું અંગત માનવું છે કે આ સરકાર આ કામ કરી શકશે. ક્યારેય કોઈ કામ અઘરું નથી હોતું, બસ એ કરવાની દાનત હોવી જોઈએ. અત્યારે એવું દેખાય છે કે આ સરકાર ફરી એક વખત મેદાનમાં ઊતરીને ધાર્યા ન હોય એવા ફટકા મારશે, અનેકના શ્વાસ અધ્ધર કરશે અને અનેકને શ્વસન પ્રક્રિયામાં તકલીફ પાડશે. એમ છતાં, એટલું નક્કી છે કે ગરીબ વર્ગ આજે ઘરમાં લાપસી રાંધી શકે છે, કારણ કે તેનું ભલુ થશે એ તો નક્કી જ છે.

manoj joshi columnists