નેવર એન્ડિંગ સિરિયલ, નેવર એન્ડિંગ હેડેક : આરંભ છે એનો અંત કદાપિ નથી

24 April, 2019 12:26 PM IST  | 

નેવર એન્ડિંગ સિરિયલ, નેવર એન્ડિંગ હેડેક : આરંભ છે એનો અંત કદાપિ નથી

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ભલે શાસ્ત્રો આવી દલીલ કરે, ભલે દુનિયા એવું ધારીને બેસી રહે કે આરંભ છે એનો અંત છે. ના, ટીવી-ઇન્ડસ્ટ્રી એવું નથી માનતી. આરંભ હોય એનો અંત નથી જ નથી, જો એ આરંભ પછી સફળતા જોવા મળી હોય. સિરિયલો પૂરી થતી નથી, સિરિયલોનાં પાત્રોનો કોઈ અંત આવતો નથી. સિરિયલોની વાર્તાને ક્યાંય ક્લાયમેક્સ નથી અને સિરિયલોની ચર્ચાને કોઈ રોકતું નથી. નેવર એન્ડિંગ સિરિયલ, નેવર એન્ડિંગ હેડેક. તમે સહન કર્યા કરો, અમે બનાવ્યા કરીશું. સિરિયલોની દુનિયાનું ગણિત હવે ત્યારે બદલાશે જ્યારે એણે સામનો વેબસિરીઝનો કરવાનો છે. વેબસિરીઝની સૌથી સારી વાત એ છે કે એનો અંત નક્કી છે અને એ અંતને ફૉલો કરવાનો છે. ગઈ કાલે કહ્યું હતું અને ભવિષ્યમાં પણ કહીશ કે અંત વિનાની કોઈ વાર્તા હોઈ જ ન શકે. અંત વિનાની કોઈ વાત હોઈ જ ન શકે. જો માણસ જન્મે અને તેનો અંત નક્કી થઈ જાય તો પછી આ સાલ્લી ટીવી-સિરિયલોનો અંત કેમ નક્કી ન થાય.

આપણે આ સિરિયલોને સદ્બુદ્ધિ માટે ખરેખર પ્રાર્થના કરવી પડે એવા દિવસો આવી ગયા હતા, પણ ભગવાને એ બધામાંથી બચાવી લીધા અને આપણી સામે વેબસિરીઝો મૂકી દીધી. મને કહેવું છે કે વેબસિરીઝ પણ સર્વગુણ સંપન્ન બિલકુલ નથી. વેબસિરીઝનો દુરુપયોગ જ થઈ રહ્યો છે. એમાં ગાળો ભરવામાં આવી છે, એમાં અકારણ સેક્સ આપવામાં આવે છે અને એમાં બિનજરૂરી ક્રાઇમ પણ મૂકવામાં આવે છે. સાવ સાચું કહું તો મૂકવામાં આવેલા ક્રાઇમને હજી પણ પચાવી શકાય છે, પણ ગાળો અને સેક્સની વાતોનો ઓવરડોઝ ત્યાં છે એ ભૂલવું ન જોઈએ. એમ છતાં, મને કહેવું છે કે આ વેબસિરીઝનો કન્ટ્રૉલ તમારા હાથમાં છે એ એનો પ્લસ પૉઇન્ટ છે.

જો તમને એવું લાગતું હોય કે તમારે પાત્રોને તમારા ઘરના સભ્યો બનાવવા છે તો તમારી પાસે ટીવી છે અને જો તમને એવું લાગતું હોય કે તમારે વાર્તાને ઘરમાં લઈ આવવી છે તો તમારે વેબસિરીઝનો સહારો લેવાનો છે, પણ એ સમજીવિચારીને. કોઈએ કહ્યું હતું કે તમે એવા જ બનો છો જેની સાથે તમે રહેતા હો છો. મૂર્ખની સાથે રહેનારો શાણો બને એવું ધારી ન શકાય અને ડાહ્યા સાથે રહેનારો ક્યારેય ગાંડપણ કરે એવું ધારી ન લેવાય.

આ પણ વાંચો : કૉલમ : ટીવી-ચૅનલની દુનિયાની અવસાન નોંધ બહુ ઝડપથી વાંચવા મળવાની છે તમને

ટીવી સાથે રહેનારાઓના ઘરમાં ટીવી જેવા જ કજિયાઓ શરૂ થઈ ગયા હતા અને ખુદ સાઇકિયાટ્રિસ્ટો પણ આ વાત કબૂલ કરવા માંડ્યા હતા. ઘરમાં એકલી રહેલી મહિલાઓને શંકાશીલ બનાવવાનું કામ પણ આ ટીવીએ જ કર્યું છે અને દેશમાં થતા ક્રાઇમમાંથી આઠ ટકા જેટલો ક્રાઇમ-રેટ વધારવાનું કામ પણ આ ટીવીએ જ કર્યું છે. ટીવીને સીધો દોષ આપવાનો કોઈ હેતુ નથી, પણ ટીવી નિમિત્ત બન્યું છે એ તો એટલું જ સાચું છે. મને કહેવું છે કે કન્ટ્રૉલ બહુ જરૂરી છે અને સેલ્ફ-કન્ટ્રૉલ જીવનનું ઘરેણું છે. જો તમે ઇચ્છતા હો કે તમારાં આ ઘરેણાંનું પ્રદર્શન થવું જોઈએ તો તમારે સેલ્ફ-કન્ટ્રૉલ સાથે રહેવું જોઈએ અને જો તમને લાગતું હોય કે તમારું જીવન ગેરવાજબી રીતે ફેલાય નહીં તો તમારે કન્ટ્રૉલને ફૉલો કરવો જોઈએ. બાળકોના હાથમાં રીમોટ આપી દેનારી મમ્મી બાળકના સર્વાંગી વિકાસને રૂંધી નાખે છે એવું કહેવામાં હું જરાપણ શરમ નહીં રાખું. બાળક નડે નહીં એની માટે મમ્મીઓએ તેને ટીવી નામના ચરસનું બંધાણ શરૂ કરાવી દીધું છે એ હવે જગજાહેર છે.

manoj joshi columnists