ફિર એક બાર મોદી સરકાર : હવે સૌ કહીએ એક વાત, બાર બાર મોદી સરકાર

24 May, 2019 12:03 PM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ફિર એક બાર મોદી સરકાર : હવે સૌ કહીએ એક વાત, બાર બાર મોદી સરકાર

તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આંકડાની માયાજાળમાં નથી પડવું, કારણ કે આ લખી રહ્યો છું ત્યારે પણ હજી વોટનું કાઉન્ટિંગ ચાલી રહ્યું છે પણ હા, એટલું સ્પષ્ટ છે કે બીજેપી અને સાથીપક્ષો સ્પષ્ટ રીતે સરકાર બનાવી રહ્યા છે. આમ તો બીજેપી એકલી પણ સરકાર બનાવી શકે એમ છે, પણ ગઈ ટર્મની જેમ આ વખતે પણ બીજેપી એના સાથીપક્ષોને સાઇડલાઇન નહીં કરે અને એમને સાથે રાખીને જ સરકાર બનાવશે.

નરેન્દ્ર મોદી. આ બીજેપીની જીત નથી, આ નરેન્દ્ર મોદીની જીત છે. આ તમારે સ્વીકારવું જ પડે. જો તમે નરેન્દ્ર મોદીને નફરત કરતા હો તો પણ તમારે સ્વીકારવું પડે અને તમે તેમને ચાહતા હો તો પણ સ્વાભાવિક રીતે તમારે આ વાત સહજ રીતે સ્વીકારી લેવી પડે. નરેન્દ્ર મોદી જ એકલાહાથે તમામ બેઠકો પર લડ્યા હતા એવું કહેવું પણ જરાપણ ખોટું નથી. જે કોઈ વોટ મળ્યા છે એ વોટ નરેન્દ્ર મોદી, તેમના ચહેરાને, તેમની કાર્યદક્ષતાને, તેમની કાર્યપદ્ધતિ અને તેમની કાર્યપ્રણાલિને મળ્યા છે. નરેન્દ્ર મોદી હવે સાચે જ જનતાના નેતા તરીકે ઊપસી આવ્યા છે. આ રીતે અને આ હદ પર કોઈ નેતા એવા નહોતા કે જે આ સ્તર પર સર્વ સ્વીકાર્ય બન્યા હોય. નરેન્દ્ર મોદી સર્વ સ્વીકૃત નેતા બન્યા એનો સીધો લાભ બીજેપીને થયો છે. આ જ કારણ એવું કારણ છે જે બીજેપી અને નરેન્દ્ર મોદી બન્નેને જાગૃત કરવાનું કામ પણ કરી જશે.

નરેન્દ્ર મોદી પાસેથી મતદારોની જે અપેક્ષા છે એ અપેક્ષાઓ અકલ્પનીય છે. સૌકોઈ અંદરખાને એવું ધારી રહ્યા છે કે મોદી પાસે જાદુઈ લાકડી છે અને એ લાકડીથી દરેક જગ્યાએ તે સીધો ચમત્કાર કરી શકે એમ છે. એક વાત યાદ રાખજો, આ પ્રકારના મૅજિકની અપેક્ષાઓ જ્યારે પણ બંધાતી હોય છે ત્યારે એ અપેક્ષા વ્યક્તિ કે પક્ષને નડતી હોય છે, પણ નરેન્દ્ર મોદીની બાબતમાં આ વાત વધારે ગંભીર નથી બની એનું કારણ છે નરેન્દ્ર મોદીની સાવ જ અલગ કહેવાય એવું વિચારવાની ક્ષમતા અને એ પ્રકારે કામ કરવાની તેમની નીતિરીતિ. પહેલાં પાંચ વર્ષ દરમ્યાન સૌકોઈએ તેમના દ્વારા આવેલી યોજનાઓને જોઈ જ છે અને સૌકોઈને ખબર છે કે એ યોજનાઓ થકી તેમણે કેવું-કેવું સાવ અલગ જ કહેવાય એવું પરિણામ લાવવાનું કામ કર્યું છે. આ જે કામગીરી થઈ છે એ કામગીરી વચ્ચે બીજેપી દેશમાં વધારે મજબૂત થઈ છે.

આ પણ વાંચો : કોઈની હાર ઈવીએમના કારણે, કોઈની હાર અણસમજુ મતદારોના કારણે

પહેલી વખત એવું બન્યું છે કે ક્લિયર મૅજોરિટી સાથે દેશમાં કૉન્ગ્રેસ સિવાયની બીજી કોઈ પાર્ટીને દેશવાસીઓએ શાસન આપ્યું છે. કૉન્ગ્રેસને હવે જાગવાની, આંખો ખોલવાની અને કૉન્ગ્રેસે હવે સક્ષમ થવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. બીજેપીને એક સ્ટ્રૉન્ગ વિરોધપક્ષની જરૂર છે અને આજે, અત્યારના આંકડા મુજબ તો એવી પરિસ્થિતિ છે કે બીજેપી સિવાયના એક પણ પક્ષમાં વિરોધપક્ષના નેતા બનવાને લાયક પણ બેઠકો આવી નથી. જો આજે નહીં જાગો, જો હવે પાંચ વર્ષ મહેનત નહીં કરો તો ક્યારેય નહીં ઊભા થઈ શકો. જો એવું બન્યું તો યાદ રાખજો, મતદાર એક જ વાત કરશે, એક જ અવાજ સંભળાશે તમને : બાર બાર મોદી સરકાર.

અને એવું બનશે તો કૉન્ગ્રેસના ખરેખર અંતિમ સંસ્કાર થઈ જશે.

manoj joshi narendra modi columnists