સસ્તું એટલું સોનું: આ માનસિકતાએ જ દેશની હાલત ખરાબ કરવાનું કામ કર્યું છે

26 June, 2019 11:09 AM IST  |  મુંબઈ | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સસ્તું એટલું સોનું: આ માનસિકતાએ જ દેશની હાલત ખરાબ કરવાનું કામ કર્યું છે

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

એક ગુજરાતી કહેવત છે ‘સસ્તામાં સિદ્ધપુરની જાત્રા’. આ કહેવત જ્યારે પણ સાંભળી કે વાંચી છે ત્યારે મનમાં એક પ્રશ્ન જન્મ્યો છે કે જવું છે સિદ્ધપુર અને જવું છે તમારે તો પછી શું કામ સસ્તું શોધવાનું? આઇ રિપીટ, તમારે જ જવાનું છે ત્યારે શું કામ સસ્તું વાપરીને તમારે હેરાનગતિ વહોરવાની?

આ માનસિકતા આપણે ત્યાં છે અને આ માનસિકતાને ઘટાડવાને બદલે એને મોટી કરવામાં આવી છે. આ માનસિકતાને લીધે જ આજે આપણે દુ:ખી છીએ, હેરાન થઈ રહ્યા છીએ અને ત્રસ્ત રહીએ છીએ. બસ, સસ્તું જોઈએ. વાત ક્યાંયની પણ હોય અને કંઈ પણ હોય. સસ્તું એ જ શ્રેષ્ઠ અને સસ્તું એ જ સુવર્ણ. આપણી આ માનસિકતાને કારણે આજે તમે જુઓ કે કઈ સ્તર પર ક્વૉલિટી સાથે કૉમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે. ગુણવત્તાનું સ્તર ભલે નીચું આવે, પણ અમને જોઈએ સસ્તું. ઇલેક્ટ્રિક વાયર વાપરવાના હોય તો એમાં પણ સસ્તું શોધવાનું અને મિનરલ વૉટરની બૉટલની વાત હોય તો પણ એમાં સસ્તું શોધવા જવાનું. યાદ રાખજો, જગતનો કોઈ વેપારી ખોટ ખાઈને સસ્તું આપવાનો નથી. દુનિયાનો એક પણ વેપારી ઘરેથી ધર્માદો કરવા નીકળવાનો નથી. જેટલું સસ્તું તમને મળશે એટલું જ જોખમ તમારા આરોગ્ય પર, તમારા સ્વાસ્થ્ય પર રહેશે. તમે જો ફૉરેન ગયા હશો તો તમને દેખાશે કે ત્યાં મળતી પાણીની બૉટલના પ્લાસ્ટિકનું મટીરિયલ કેવું છે અને એ શું કામ એવું બનાવવામાં આવ્યું છે એ પણ સમજાશે. બે આંગળીથી મરડાઈ જાય એવી પ્લાસ્ટિકની બૉટલ આપણે વાપરીએ છીએ અને સામે પક્ષે, રીતસર બે ભારાડી હાથથી તોડવાની કોશિશ કરવામાં ન આવે એવું યુઝ-એન-થ્રૉ મટીરિયલ વિદેશમાં વાપરવામાં આવે છે. કારણ સ્પષ્ટ છે કે તે લોકો સસ્તું માગે તો પણ સરકારી નિયમો એવા છે કે તમે ગુણવત્તા સાથે કોઈ જાતની બાંધછોડ ન કરી શકો. સસ્તું પ્લાસ્ટિક વાપરતા આપણા દેશમાં સ્વાસ્થ્યની સામે જોવામાં નથી આવતું, લોકોના ખિસ્સામાં રહેલાં ફદિયાં સામે જોવામાં આવે છે.

આ પણ વાંચો : યૉર અવર: મોબાઇલને તમારી આદત ન બનવા દેવું હોય તો આ ઍપ જોઈ લેજો

સિંગાપોરમાં તમે પાણીની એક બૉટલ ખરીદો તો તમારે બે ડૉલર ચૂકવવા પડે છે, અંદાજે ૧૦૦ રૂપિયા. દુબઈમાં તમે પાણીની બૉટલ ખરીદો તો તમારે પાંચ દિરહામ આપવા પડે છે એટલે ૧૦૦ રૂપિયા અને બૅન્ગકૉકમાં તમે પાણીની એક બૉટલ ખરીદો તો તમારે ૩૦ બાથ આપવા પડે એટલે કે ૭૦ રૂપિયાની આસપાસ પણ આપણે ત્યાં એટલી જ માત્રામાં રહેલું પાણી તમને ૧૫ રૂપિયામાં મળે છે. પાણીની ગુણવત્તા વિશે પણ તમે કોઈ દાવો ન કરી શકો અને એ પાણી જેમાં ભરી રાખવામાં આવે છે એના વિશે પણ તમારે કોઈ ગૅરન્ટી નહીં ગણવાની. જેટલું સસ્તું એટલું જોખમકારી. આ વાતને સૌકોઈએ સમજવી પડશે અને આપણા ગુજરાતીઓએ પણ આ વાત બરાબર સમજણમાં બેસાડી લેવી પડશે. જગતમાં કોઈ વેપારી ક્યારેય ધર્માદો કરવા બહાર નથી નીકળતો અને એટલે જ તે ખોટમાં ધંધો નથી કરવાનો. જો તમે તમારી જાતને પ્રેમ કરતા હો તો તમારે સસ્તાઈનો આગ્રહ છોડીને ક્વૉલિટીને પ્રાધાન્ય આપવું પડશે અને એની માટે તમારે મગજમાં ઘર કરી ગયેલો ‘સસ્તું’ શબ્દ હાંકી કાઢવો પડશે. મગજમાં એક જ વાત રાખવી પડશે કે તમને મળે છે એ બધા ચોર નથી અને તમને લૂંટવા માટે નથી આવ્યા.

manoj joshi columnists