લોકસભા અને વિધાનસભા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે, યાદ રાખજો

20 April, 2019 10:22 AM IST  |  | મનોજ નવનીત જોષી

લોકસભા અને વિધાનસભા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે, યાદ રાખજો

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

બહુ મોટો ભેદ છે આપણી રાજકીય અવસ્થા અને રાજકીય સ્તરમાં. કૉર્પોરેશનના જે પ્રશ્નો છે એનાથી વિધાનસભાના પ્રશ્નો સાવ જુદા છે અને વિધાનસભાના જે પ્રશ્નો છે એનાથી લોકસભાના પ્રશ્નો સાવ જુદા છે. આપણે ત્યાં મોટા ભાગના લોકોને આ વાત સમજાઈ નથી રહી. લોકસભાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરનો હોઈ શકે છે, જ્યારે વિધાનસભાનો પ્રશ્ન રાજ્ય સ્તરનો છે. એ પછીના ક્રમે આવતી જિલ્લા પંચાયતનો પ્રશ્ન પણ જુદો છે અને કૉર્પોરેશન કે નગરપાલિકાના મુદ્દાઓ પણ સાવ અલગ છે. આ જે અવસ્થા છે એને ઓળખવાની અને સમજવાની જરૂરી છે.

આમ જોઈએ તો આપણને આ પાંચમા-છઠ્ઠા ધોરણમાં શીખવવામાં આવતું હતું, પણ ટિકિટ મેળવવાની લાયમાં પડનારાઓ આ વાત ભૂલી જાય છે ત્યારે આખું પિક્ચર બગડે છે. ખાસ કરીને સેલિબ્રિટી જ્યારે પણ આ કુંડાળામાં અટવાય છે ત્યારે એવી હાલત ઊભી થાય છે કે ન તો તે પોતાના કામનો રહે છે કે ન તો તે રાજકીય ગતિવિધિને લાયક રહે છે. લોકસભાને હું ખરેખર રાજકારણની પી.એચડી. થવાની દિશા કહીશ અને એ જ મારી દૃષ્ટિએ સાચું છે. જો તમે રાજકારણમાં પાપા પગલી કરતાં હો તો તમારે લોકસભાના ઇલેક્શનથી દૂર રહેવું જોઈએ. કોઈ આવીને મા સરીખા સમ આપી દે તો પણ દૂર રહેવાનું અને જો કોઈ આવીને તાસકમાં જીત મૂકી દેવા તૈયાર હોય તો પણ દૂર રહેવાનું. લોકસભા સાથે બહુ મોટો વિસ્તાર જોડતા હોય છે અને એ વિસ્તારમાં મહદ્ અંશે ગામડાંના પ્રશ્નો પણ આવતા હોય છે. જરા વિચાર કરો કે જાણીતી હસ્તીને માત્ર ચહેરાના આધારે પોતાના મૂળ વતનથી જોજનો દૂરના કોઈ વિસ્તારની ટિકિટ આપી દેવામાં આવે તો શું હાલત થાય? એ વિસ્તારના મૂળભૂત પ્રશ્નો શું છે એની પણ જાણકારી ન હોય અને એ વિસ્તારની હાલની સમસ્યા કઈ છે એના વિશે પણ તમે કશું જાણતા ન હો. બીજા નંબરે કહ્યું એમ, વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો વિશે તો બિલકુલ જાણકારી ન હોય એટલે એ રીતે પણ અસંતોષ ફેલાવાનો શરૂ થાય. આ વખતે અનેક બેઠક પર આ પ્રકારની હારાકીરી સર્જાઈ જેને લીધે છેલ્લી ઘડી સુધી ટિકિટોનું અસંમજસ ઊભું રહે, પણ અંતે એ જ દિશામાં ચાલવાનું નક્કી કરવું પડ્યું કે સ્થાનિક પાસેથી જ કામ લેવામાં આવે તો અતિ સારું છે.

આ પણ વાંચો : એક એસી, એક વૃક્ષ: જો પૃથ્વીનું જતન કરવું હોય તો આ નિયમ બનાવવાની જરૂર છે

હું તમને હંમેશાં એક વાત કહીશ કે પહેલી તક સ્થાનિક વ્યક્તિને જ મળવી જોઈએ, જેનું મુખ્ય કારણ એક એ કે સ્થાનિક પ્રશ્નોથી તે વાકેફ છે. બીજું એ કે સ્થાનિક વ્યક્તિ એ પણ જાણે છે કે કયાં કામો કરવાથી પાર્ટીની વાહવાહી વધશે અને કયાં કામો કરવાથી માત્ર શારીરિક કસરત થવાની છે. લોકસભાની ઉમેદવારી એટલે ફુટપાથ અને ગાર્ડનમાં બેન્ચ ફીટ કરાવવી નહીં, પણ લોકસભાની ઉમેદવારી એટલે આખા રાષ્ટ્રને ઉપરની દિશામાં લઈ જવા માટે જહેમત ઉઠાવવી. સારો વિધાનસભ્ય રાજ્ય અને સારો સંસદસભ્ય દેશને ગર્વિષ્ઠ માર્ગ આપવાનું કામ કરે છે.

manoj joshi columnists