યાદેં: સર્જિકલ સ્ટ્રાઇક પછી મનોહર પર્રિકરના એ શબ્દો ક્યારેય ભુલાશે નહીં

22 March, 2019 10:56 AM IST  |  | મનોજ નવનીત જોષી

યાદેં: સર્જિકલ સ્ટ્રાઇક પછી મનોહર પર્રિકરના એ શબ્દો ક્યારેય ભુલાશે નહીં

સ્વ. મનોહર પર્રિકર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

‘મિરાજ હો, મિગ હો યા સેના હો... પહલે ભી હમારે પાસ થે, પર હમારે પાસ કમી થી તો વો થી જઝબાતોં કી...’

મનોહર પર્રિકરના આ શબ્દો મને જિંદગીભર યાદ રહેવાના છે. મનોહર પર્રિકરની આ વાત મને ક્યારેય ભુલાવાની નથી. તેમણે આ શબ્દો કહ્યા હતા પહેલી સર્જિકલ સ્ટ્રાઇક પછી, તેમણે આ વાત કહી હતી પહેલી વાર આપણે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને માર્યા એ પછી. ઉડીમાં આપણા જવાનોને જીવતા સળગાવી દેવાની જે ઘટના ઘટી એ પછી વાતાવરણ એકદમ તંગ હતું અને એ તંગ વાતાવરણ વચ્ચે સૌકોઈના મનમાં ઉકળાટ ચાલતો હતો. પાકિસ્તાન માટે ભારોભાર ગુસ્સો પણ મનમાં ભભૂકતો હતો અને એ પછી પણ કશું કરી શકાય એમ નહોતું. જોકે અંદરખાને કામ શરૂ થઈ ગયું હતું અને અલગ-અલગ સ્ટ્રૅટેજી બની રહી હતી. કેટલીક સ્ટ્રૅટેજી વાતોમાં જ કપાઈ જતી હતી તો કેટલીક સ્ટ્રૅટેજીઓ પર થોડુંઘણું કામ કર્યા પછી એને પડતી મૂકવામાં આવતી હતી. આગળની વાત કરતાં પહેલાં હું અહીં એક નાનકડો ખુલાસો કરીશ કે એ ઘટના વિશે આપણે બધી ચર્ચા નહીં કરી શકીએ. આચારસંહિતાને ધ્યાનમાં રાખવી પડશે.

ઉડી ઍટેક પછી આપણી પાસે કોઈ રસ્તો નહોતો રહ્યો અને અચાનક એક દિવસ સવારના સમાચાર આવ્યા કે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી કૅમ્પોનો સફાયો બોલાવી દીધો. એ સમયે મનોહર પર્રિકર ડિફેન્સ મિનિસ્ટ્રીની જવાબદારી સંભાળતા. મને પાક્કું યાદ છે કે એ જ દિવસોમાં મોરારીબાપુની રામકથા જમ્મુ-કાશ્મીરમાં શરૂ થવાની હતી અને હું એ કથામાં જવાનું પ્લાનિંગ કરતો હતો. જોકે એ પછી જઈ ન શકાયું અને આ જ દિવસોમાં મળવાનું બન્યું મનોહર પર્રિકરને, દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને. એમ જ વાત ચાલતી હતી. સર્જિકલ સ્ટ્રાઇક પછી પણ તેમનો આક્રોશ હજી અકબંધ હતો. તેમની વાતમાં તથ્ય હતું કે આવા એકાદ હુમલાથી વાત અટકશે નહીં અને એ પૂરી પણ નહીં થાય. એ લોકોને કળ ન વળે ત્યાં સુધી માર મારવો પડશે અને માર મારતા રહેવું પડશે. આ એવો અજગર છે જે બે-ચાર ઘા પડે તો થોડાં અઠવાડિયાંમાં ફરી ઊભો થઈ જશે. તેમને અફસોસ એ વાતનો હતો કે આ કામ અગાઉની સરકારે કર્યું નહીં અને એને લીધે આતંકવાદીઓની દર વખતે કારી ફાવતી રહી. મારો પ્રશ્ન બહુ વાજબી હતો. મેં પૂછ્યું હતું કે ‘શું કામ અગાઉ આ કામ ન થયું? શું કામ અગાઉ પણ આ રીતે તેમને ડરાવવામાં નહોતા આવ્યા?’

આ પણ વાંચો : યાદેં: મનોહર પર્રિકરને મળવું એ જીવનનો અમૂલ્ય લહાવો, એક અનેરો અનુભવ હતો

‘યહી તો સવાલ હૈ, ક્યૂં નહીં કિયા ઉન્હોને યે સબ કુછ.’ તેમણે સામે પ્રશ્ન પૂછ્યો હતો.

‘મિરાજ હો, મિગ હો યા સેના હો... પહલે ભી હમારે પાસ સબકુછ થા ઔર યે હી સબકુછ થા ફિર ભી ક્યૂં નહીં કિયા ઉન્હોંને કુછ ભી...’ એક નાનકડો પોઝ લઈને તેમણે જવાબ પણ આપ્યો હતો, ‘સબકુછ થા હમારે પાસ પર કમી થી તો વો થી જઝબાતોં કી... જઝબાતોં કા અકાલ થા, હિંમત નહીં થી, ઘૂટનો પર થે હમ.’

પર્રિકરસાહેબ, બહુ સાચી વાત હતી તમારી, બહુ સાચી.

manoj joshi columnists manohar parrikar