વો અંતિમ પલ : આ જીવનની અંતિમ ક્ષણ પહેલાંની તૈયારી તમે કરી ખરી?

11 June, 2019 11:02 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

વો અંતિમ પલ : આ જીવનની અંતિમ ક્ષણ પહેલાંની તૈયારી તમે કરી ખરી?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હમણાં જયપુર જવાનું થયું. પહેલી વખત એવું બન્યું કે ફ્લાઇટ ઇન-ટાઇમ હતી અને થોડા ફોન કરવાના રહી ગયા હતા એટલે ફટાફટ એ કામ પર લાગ્યો અને એ દરમ્યાન ઍર-હૉસ્ટેસની સૂચનાઓ પણ આવવા માંડી. સાચું કહું તો થોડું ટેન્શન પણ થયું હતું કે કામને શું કામ ટાળીને રાખવા, એ કામ પહેલાં જ કરી લીધાં હોત તો? પહેલાં જ જરૂરી સૂચનાઓ આપી દીધી હોત તો? એક વખત આવીને ઍર-હૉસ્ટેસ ઇશારાથી ફોન મૂકવા માટે કહી ગઈ એટલે ફોન પૂરો કરતાં સામેવાળા પ્રોડ્યુસરને કહ્યું કે દોઢ કલાક પછી જયપુર ઊતરીને ફરીથી વાત કન્ટિન્યુ કરીએ. ફોન સ્વિચ-ઑફ કરી દીધો અને ફ્લાઇટ ઊપડવાની રાહ જોવા માંડ્યો.

બે, ચાર, છ અને આઠ મિનિટ.

ફલાઇટ ઊપડે જ નહીં. ઇન્ક્વાયરી કરવાનું વિચારતો હતો ત્યાં જ અનાઉન્સમેન્ટ થઈ કે ફ્લાઇટ અડધો કલાક ડિલે થશે, ઍર-હૉસ્ટેસે માફી પણ માગી. જોકે મને ઇન્ટરેસ્ટ એ વાત જાણવામાં હતો કે અચાનક શું કામ મોડું થયું? ઇન્ક્વાયરી કરી તો શૉકિંગ વાત જાણવા મળી. મુંબઈ-જયપુર ફ્લાઇટમાં સાથે રહેલા એક પૅસેન્જરને ચેસ્ટ-પેઇન શરૂ થતાં મેડિકલ ઇમર્જન્સી ગણીને તે પૅસેન્જરને તરત જ ઉતારવાની વ્યવસ્થા ચાલતી હતી. તે પૅસેન્જરનો લગૅજ પણ ફલાઇટમાં હતો એટલે એ પણ કાઢવાનો હતો જેને લીધે વાર લાગવાની હતી. જયપુર પહોંચી ગયો અને કામ પૂરું કરીને ફરી આવવાનું થયું. નસીબજોગે એ જ ફ્લાઇટ આવી અને એ જ ક્રૂ-મેમ્બર આવ્યા એટલે સહજ રીતે મને યાદ આવી ગયા પેલા ચેસ્ટ-પેઇનવાળા પૅસેન્જરભાઈ.

ઇન્ક્વાયરી કરી ત્યારે શૉકિંગ ન્યુઝ મળ્યા. તે મહાશય ઍરપોર્ટમાં પહોંચ્યા અને એ જ સમયે તેમને કાર્ડિઍક અરેસ્ટ આવ્યો અને તેમનો જીવ ગયો. અકલ્પનીય કહેવાય એવી આ ઘટના હતી, પણ આ જ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતાને સૌકોઈએ સમજવાની, સ્વીકારવાની અને એની માટે તૈયારી કરી રાખવાની છે. લાઇફ અચોક્કસ મુદતની છે એ આપણે જાણીએ છીએ અને એ પછી પણ આપણે એવું જ ધારીએ છીએ કે આપણી પાસે અમરપટ્ટો છે, આવતી કાલ આવવાની જ છે અને આવતી કાલે સૂઈ જશું એટલે પરમ દિવસ પણ જીવનમાં આવવાનો જ છે.

આ પણ વાંચો : એવા લોકોને લાવો સામે, જે દુનિયા આખી માટે દૃષ્ટાંત સમાન છે

હકારાત્મક ભાવ સાથે મનમાં રહેલા આ વિચારો સારા છે, ના નહીં પણ એ પણ ભૂલવું ન જોઈએ કે કઈ ઘડી જીવનની અંતિમ ક્ષણ બની જશે એની ક્યારેય કોઈ કલ્પના કરી શક્યું નથી અને કલ્પના કરી પણ શકવાનું નથી. જો આ જ વાસ્તવિકતા હોય તો મનમાં રહેલા અમરપટ્ટાને વિચારો પર હાવી ન થવા દેવો જોઈએ. જ્યાં પણ માફી માગવાની તક મળતી હોય ત્યાં માફી માગવામાં પણ ખચકાટ ન કરવો જોઈએ અને જ્યારે પણ માફી આપવાની તક મળતી હોય ત્યારે આવતી કાલ પર એ માફી ઢોળવાનો વિચાર ન કરવો જોઈએ. અધૂરી વાર્તા કરતાં પણ વધારે જો પીડાદાયી કંઈ હોય તો એ છે અધૂરો વાર્તાલાપ. જરા કલ્પના કરો કે ફ્લાઇટમાં બેઠેલા તે મહાશય તેમના જયપુરના ઘર સુધી પહોંચી નથી શક્યા. કેટકેટલી વાતો તેમના મનમાં હશે, કેટકેટલી સૂચનાઓ આપવાની બાકી રહી ગઈ હશે અને કેટકેટલી ભલામણ કરવાની અધૂરી રહી ગઈ હશે તેમની. આ જીવન છે અને જીવનની આ વાસ્તવિકતાની સાથોસાથ બીજી પણ એક એવી વાસ્તવિકતા સ્વીકારવાની છે કે જીવન અચોક્કસ છે, અંત ક્યારેય પણ આવી શકે છે.

columnists manoj joshi